ડુપ્લિકેશનનું નવું હબ બનતું સુરત ડાયમંડ સિટી:નકલી ઘી, દવાઓ બાદ હવે કેસ્ટ્રોલ સહિતના બાઈક એન્જિન ઓઇલનું કારખાનું ઝડપાયું, અમેરિકા-બ્રિટન કંપનીનું ઓઇલ પણ બનાવતા
હીરા અને કાપડ ઉદ્યોગ માટે વિશ્વભરમાં જાણીતું સુરત હવે નકલી ઉત્પાદનોના હબ તરીકે પણ કુખ્યાત બની રહ્યું છે. એક પછી એક સામે આવતા કિસ્સાઓ દર્શાવે છે કે, બ્રાન્ડેડ કંપનીઓના નામે ડુપ્લિકેટ વસ્તુઓ બનાવવાનું કૌભાંડ અહીં ફૂલીફાલી રહ્યું છે. અગાઉ પાન-મસાલા, નકલી ઘી, દવાઓ, કોસ્મેટિક્સ અને ઘડિયાળોના ડુપ્લિકેશનના કિસ્સાઓ બાદ હવે ટુ-વ્હીલરમાં વપરાતા એન્જિન ઓઇલનું નકલી કારખાનું પણ ઝડપાયું છે. આ ઘટનાએ સુરતમાં વ્યાપી રહેલા નકલી ઉત્પાદનોના નેટવર્કની ગંભીરતા ઉજાગર કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઓઇલમાં અમુક અમેરિકા અને બ્રિટનની કંપનીનું એન્જિન ઓઇલ પણ સામેલ છે. જેથી પોલીસ દ્વારા અમેરિકા અને બ્રિટનમાં કંપની પ્રેઝન્ટેટરને માહિતી મોકલાવી છે. 8 વર્ષથી ડુપ્લિકેટ એન્જિન ઓઇલનું કારખાનું ધમધમતું સુરત ઝોન-1 LCBની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, લસકાણા વિસ્તારમાં ડુપ્લિકેટ એન્જિન ઓઇલનું કારખાનું ચાલી રહ્યું છે. તેના આધારે પોલીસે તાત્કાલિક લસકાણાના પાસોદરા મિશન કેનાલ રોડ પર આવેલા બુલેટ ટ્રેનના બ્રિજ નજીક ક્રિસ્ટલ બંગલોઝના શેરી નંબર 2માં આવેલા 33 નંબરના મકાન પર દરોડો પાડ્યો હતો. પોલીસે જ્યારે આ મકાનની અંદર પ્રવેશ કર્યો, ત્યારે તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. અહીં કોઈ સામાન્ય ઘર નહીં, પરંતુ જુદી જુદી બ્રાન્ડના બાઈકના ડુપ્લિકેટ એન્જિન ઓઇલ બનાવવાનું એક મોટું કારખાનું ધમધમતું હતું. આ કારખાનાનો માલિક નવનીત જસમતભાઈ ઠુમ્મર નામનો વ્યક્તિ હતો. જે આ જ બંગલામાં રહેતો હતો અને છેલ્લા આઠ વર્ષથી આ કાળો કારોબાર ચલાવી રહ્યો હતો. પોલીસે ડુપ્લિકેટ ઓઇલના જથ્થા સાથે આરોપીની ધરપકડ કરી પોલીસે ઘટનાસ્થળેથી ડુપ્લિકેશન માટે ઉપયોગમાં લેવાતો મોટો જથ્થો જપ્ત કર્યો હતો. ગોડાઉનમાં જુદી જુદી કંપનીઓના ઓઇલ ભરેલા ડબ્બા અને ખાલી ડબ્બા મળી આવ્યા હતા. જેમાં સર્વો 4T 900 mlના 20 ડબ્બા, હીરો જેન્યુઇન 4T પ્લસના 60 ડબ્બા, કાસેરિયાઈટીનોના 20 ડબ્બા અને પ્રો હોન્ડા જેન્યુઇન લુબ્સ એન્ડ કેમિકલ્સના 600 mlના 20 ડબ્બાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, પોલીસને મોટી સંખ્યામાં ડુપ્લિકેટ સ્ટીકરો પણ મળી આવ્યા હતા, જેમાં કેસ્ટ્રોલ એક્ટિવ, પ્રો હોન્ડા, હીરો, સર્વો, બજાજ, ટીડીએસ, 4T પ્લસ, ગોલ્ફ, પ્રાઈડ જેવી જાણીતી બ્રાન્ડના નામ હતા. પોલીસે આ સમગ્ર દરોડા દરમિયાન કુલ 6,38,187 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને આરોપી નવનીત ઠુમ્મરની ધરપકડ કરી હતી. આરોપી વિરૂદ્ધ અગાઉ પણ ડુપ્લિકેશનના અનેક ગુના નોંધાયા આરોપી નવનીત ઠુમ્મર કોઈ નવો ચહેરો નથી. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, તેના પર અગાઉ પણ સુરતના સરથાણા, વરાછા, ઉમરા, પુણા, ચોક બજાર, કામરેજ અને ડીસીબી પોલીસ સ્ટેશનમાં ડુપ્લિકેશન સંબંધિત ઉપરાંત વિવિધ કલમો ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. આ હકીકત દર્શાવે છે કે, આવા ગુનેગારો બેફામ બનીને વારંવાર ગુના આચરી રહ્યા છે અને આ ડુપ્લિકેશનનું નેટવર્ક ઊંડું છે. આરોપી કાચો માલ ક્યાંથી લાવતો અને કોને સપ્લાય કરતો? પોલીસે હાલ આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આગામી સમયમાં પોલીસ એ દિશામાં તપાસ કરશે કે, આરોપી નકલી ઓઇલ બનાવવા માટેનો કાચો માલ ક્યાંથી લાવતો હતો, તે કોને કોને સપ્લાય કરતો હતો અને કેટલા સમયથી આ ગુનાહિત પ્રવૃત્તિમાં સામેલ હતો. આ તપાસથી આ સમગ્ર નેટવર્કના અન્ય શખસોને પણ પકડી શકાશે. નકલી ઓઇલનો ઉપયોગ અત્યંત જોખમી સાબિત થઈ શકે આ કિસ્સો ફરી એકવાર સુરતમાં વધી રહેલા નકલી ઉત્પાદનોના કૌભાંડ પર લાલબત્તી ધરે છે. વરાછા, સરથાણા અને લસકાણા જેવા વિસ્તારો આવા ડુપ્લિકેશન માટે હબ બની રહ્યા છે, જ્યાં સહેલાઈથી આવા કારખાનાઓ ધમધમે છે. આ પ્રકારના નકલી ઓઇલનો ઉપયોગ વાહનોના એન્જિન માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. આ માત્ર આર્થિક નુકસાન નથી, પરંતુ ગ્રાહકોના સ્વાસ્થ્ય અને મિલકત માટે પણ ગંભીર જોખમ ઊભું કરે છે. સુરત પોલીસને આ દિશામાં વધુ સઘન કાર્યવાહી કરવાની અને આવા કૌભાંડોના મૂળ સુધી પહોંચવાની જરૂર છે જેથી આ શહેરનું નામ ફરી એકવાર તેના ઉદ્યોગો માટે જ ગર્વથી લેવાય ન કે નકલી ઉત્પાદનો માટે. અમેરિકા અને બ્રિટનની કંપનીનું એન્જિન ઓઇલ પણ સામેલ DCP ઝોન 1 આલોકકુમારે જણાવ્યું હતું કે, નવનીત ઠુમ્મર નામનો શખસ ડુપ્લિકેટ એન્જિન ઓઇલ વેચતો હતો. વિવિધ બ્રાન્ડેડ કંપનીના એન્જિન ઓઇલ બનાવી બજારમાં વેચતો હતો. જેમાં અમુક અમેરિકા અને બ્રિટનની કંપનીનું એન્જિન ઓઇલ પણ સામેલ છે. તે છેલ્લા આઠ વર્ષથી કારખાનું ચલાવતો હતો. આરોપી અગાઉ પણ અનેક ગુનામાં ઝડપાઈ ચુક્યો છે. પોલીસે કાર્યવાહી કરી આરોપીની વધુ પૂછતાછ હાથ ધરી આરોપી સામે હત્યા, છેતરપિંડી, ચોરી જેવા ગુનાઓ નોંધાઈ ચુક્યા છે. આરોપી સરથાણા, વરાછા, પુણા, ઉમરા, ચોકબજાર, સલાબતપુરા અને DCB પોલીસ સ્ટેશનમા ઝડપાઈ ચુક્યો છે. આરોપી સામે હાલ પોલીસે કાર્યવાહી કરી વધુ પૂછતાછ હાથ ધરી છે. જ્યારે પોલીસ દ્વારા અમેરિકા અને બ્રિટનમા કંપની પ્રેઝન્ટેટરને માહિતી મોકલાવી છે.

What's Your Reaction?






