કાઉન્ટી ક્રિકેટ ODIમાં તિલક વર્માની ફિફ્ટી:વેધરલીની સદી, હેમ્પશાયરે એસેક્સને 5 વિકેટે હરાવ્યું
ઇંગ્લેન્ડમાં ચાલી રહેલા કાઉન્ટી ક્રિકેટ લીગના વન-ડે કપમાં ગુરુવારે સાઉથેમ્પ્ટનમાં રમાયેલી ગ્રુપ-એ મેચમાં ભારતીય T20 નિષ્ણાત તિલક વર્માએ પોતાની ટીમ હેમ્પશાયર માટે એસેક્સ સામે 54 રન બનાવ્યા હતા. તેણે જો વેધરલી સાથે 98 રનની ભાગીદારી પણ કરી હતી. આ મેચમાં વેધરલીએ અણનમ સદી ફટકારી હતી. આ મેચમાં હેમ્પશાયરે એસેક્સને 5 વિકેટથી હરાવ્યું હતું. આ જીત સાથે, હેમ્પશાયર પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચી ગયું છે, જ્યારે એસેક્સ હાલમાં બે મેચમાં બે હાર સાથે આઠમા સ્થાને છે. એસેક્સે પ્રથમ બેટિંગ કરીને 285 રન બનાવ્યા હતા. 286 રનના ટાર્ગેટને ચેઝ કરતા હેમ્પશાયરએ 46.2 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 288 રન બનાવ્યા હતા. એસેક્સ તરફથી ચાર્લી એલિસન, ટોમ વેસ્લી અને રોબિન દાસે અડધી સદી ફટકારી અગાઉ, હેમ્પશાયરના કેપ્ટન નિક ગુબિન્સે ટૉસ જીતીને ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા, એસેક્સે 49.3 ઓવરમાં બધી વિકેટ ગુમાવી દીધી હતી અને ચાર્લી એલિસન, ટોમ વેસ્લી અને રોબિન દાસની અડધી સદીઓની મદદથી સ્કોરબોર્ડ પર 285 રન બનાવ્યા હતા. એલિસને 80, વેસ્લીએ 61 જ્યારે દાસે 50 રન બનાવ્યા. હેમ્પશાયર તરફથી કાયલ એબોટ, એડી જેક, ડોમિનિક કેલી અને એન્ડ્રુ નીલે બે-બે વિકેટ લીધી. હેમ્પશાયરે ફક્ત 46.2 ઓવરમાં ટાર્ગેટ ચેઝ કર્યો 286 રનને ચેઝ કરવા ઉતરેલી હેમ્પશાયર ટીમે કેપ્ટન નિક ગુબિન્સ અને અલી ઓર સાથે સારી શરૂઆત કરી હતી. બંનેએ પ્રથમ વિકેટ માટે 58 રનની ભાગીદારી કરી હતી. 29 રન બનાવીને અલી આઉટ થયો હતો. તેના આઉટ થયા પછી, તિલક નંબર-3 પર બેટિંગ કરવા આવ્યો. તેણે આવતાની સાથે જ કેટલાક સારા શોટ ફટકાર્યા પરંતુ ગુબિન્સ (40) 80 રનના સ્કોર પર આઉટ થયો. ત્યારબાદ તિલેકે જો વેધરલી સાથે ત્રીજી વિકેટ માટે 91 બોલમાં 98 રનની ભાગીદારી કરી. તિલેકે પોતાની અડધી સદી પૂર્ણ કરી, પરંતુ 54 રન બનાવીને વેસ્લીના બોલ પર બોલ્ડ થયો. તિલકે પોતાની ઇનિંગમાં પાંચ ચોગ્ગા અને બે છગ્ગા પણ ફટકાર્યા. તિલકના આઉટ થયા પછી, વેધરલીએ એક છેડો પકડી રાખ્યો અને અંત સુધી અણનમ સદી ફટકારીને હેમ્પશાયરને વિજય અપાવ્યો. હેમ્પશાયર 22 બોલ બાકી રહેતા પાંચ વિકેટે મેચ જીતી લીધી. ગ્લેમોર્ગન સામેની છેલ્લી મેચમાં તિલક ખાતું ખોલાવ્યા વિના આઉટ થઈ ગયો હતો. જોકે, આ પહેલા તેણે હેમ્પશાયર માટે રેડ બોલથી ચાર મેચમાં બે સદી અને એક અડધી સદી ફટકારી હતી. તિલક આ મહિને દુલીપ ટ્રોફીમાં રમતા જોવા મળશે.

What's Your Reaction?






