આપની સભામાં યુવકને તમાચો મારનારની અટકાયત:પ્રશ્ન પૂછવા ઊભા થયેલા યુવકને કાર્યકરે લાફો માર્યો, પોલીસે આરોપીની અટકાયત કરી
મોરબીના પંચાસર રોડ પર આવેલ રાજનગરમાં સોમવારે રાત્રે આમ આદમી પાર્ટીની જાહેરસભા યોજાઈ હતી. આ સભામાં ગુજરાત પ્રદેશ આપના પ્રમુખ ઈશુદાન ગઢવી સંબોધન કરી રહ્યા હતા. સભા દરમિયાન મોરબીના નાની કેનાલ રોડ પર ઉપાસના પેલેસમાં રહેતા ભરતભાઈ ડાયાભાઈ ફુલતરીયા (40) નામના સ્થાનિક યુવક દિલ્હીની આમ આદમી પાર્ટીની સરકારની કામગીરી અંગે પ્રશ્નો પૂછવા માટે ઊભા થયા હતા. પરંતુ પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી જવાબ આપે તે પહેલાં જ અશ્વિનભાઈ કરસનભાઈ નાગપરા નામના શખ્સે માઈક આંચકી લેવા બાબતે બોલાચાલી કરી ભરતભાઈને ગાલ પર તમાચો મારી દીધો હતો. આ ઘટના બાદ ભોગ બનનાર ભરતભાઈએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અશ્વિનભાઈ કરસનભાઈ નાગપરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે આરોપી અશ્વિનભાઈને પકડી અટકાયતમાં લીધો છે. મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ રાકેશ પટેલે જણાવ્યું હતું કે આ ઘટના 'ગુજરાત જોડો અભિયાન' અંતર્ગત આયોજિત જાહેરસભા દરમિયાન બની હતી. પોલીસે આરોપીની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આગળની તપાસ ચાલુ છે.

What's Your Reaction?






