કાર્યવાહી:ભાઠેનાનો ડ્રગ્સ માફિયા શિવા મહિનામાં 5 વખત મુંબઈ જઈને 5 કરોડનું MD ડ્રગ્સ લઈ આવતો હતો
ભાઠેના પંચશીલનગરમાં 500 મીટરના એરિયામાં 4 વોકીટોકી અને 25 સીસીટીવી કેમેરા રાખી રોજનું દોઢ લાખનું એમડી વેચાણ કરતો ડ્રગ્સ માફીયા શીવા દરબાર ઉર્ફે શિવરાજ મહિનામાં 5 વખત મુંબઈ જઈને 5 કરોડનું એમડી ડ્રગ્સ લાવી સુરતમાં વેચાણ કરતો હતો. તે છેલ્લા 6 મહિનાથી એમડીનું મોટાપાયે વેચાણ કરતો હતો. મુંબઇથી ડ્રગ્સ માફીયા એમડી લઈને પ્રાઇવેટ વાહનોમાં આવતો હતો. ડ્રગ્સ માફીયા એટલો ચાલાક હતો કે તે મુંબઇથી પહેલા ફાઉન્ટન હોટેલ સુધી પ્રાઇવેટ વ્હીકલમાં આવતો પછી ત્યાંથી ભાડેથી કાર કરી કામરેજ સુધી આવતો હતો. પછી ત્યાંથી રીક્ષા સહિતના અન્ય વાહનોમાં તે સુરત આવતો હતો. ટૂંકમાં પોલીસથી બચવા માટે તે 3-4 પ્રાઇવેટ વાહનો બદલી સુરત આવતો હતો. અઠવાડિયા એક ટ્રીપમાં ડ્રગ્સ માફીયા એક-દોઢ કિલો એમડી ખિસ્સામાં પેકેટ મૂકી અને અન્ય ડ્રગ્સ સેલોટેપ મારી બેગમાં કપડાની અંદર છુપાવીને લાવતો હતો. ડ્રગ્સ માફીયા શીવા ઉર્ફે શિવરાજ મુંબઇથી વિનોદ વર્મા પાસેથી એમડી લાવતો હતો. આથી એસઓજીની એક ટીમ તપાસ માટે આગામી દિવસમાં મુંબઈ જશે. સ્થાનિક લોકો તેને મસીહા માને છે સીન-સપાટા કરવા માટે અને પોતાના એરિયામાં ધાક જમાવવા માટે ડ્રગ્સ માફીયા શીવા ઉર્ફે શિવરાજએ 6 મહિના પહેલા મહારાષ્ટ્રના વિનોદ પાસેથી બે લોડેડ પિસ્ટલ લીધી હતી. વળી પંચશીલ નગર ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને નાની-મોટી મુશ્કેલી વખતે મદદ પણ કરતો હોવાથી ત્યાંના વિસ્તારોમાં તે મસીહા કહેવાતો હતો. 12 લાખના એમડીના કેસમાં એક પેડલરની ધરપકડ કરાઈ 12 લાખના એમડી ડ્રગ્સમાં એસઓજીએ લાલગેટમાંથી એક પેડલરને પકડી પાડયો છે. અન્ય એક પેડલર ઈમરાન ઉર્ફે ગડ્ડી વોન્ટેડ છે. શીવા દરબાર ઉર્ફે શિવરાજ પાસેથી પેડલર મોહંમદ મોહસીન ઉર્ફે છત્રી અબ્દુલ વહાબ શેખ(35)(રહે,રાહત એપાર્ટ, સિંધીવાડ,લાલગેટ) અને વોન્ટેડ ઈમરાન ઉર્ફે ઈમરાન ગડ્ડી અમીરૂદ્દીન શેખ(રહે,સગરામપુરા) ડેઇલી 50 ગ્રામથી લઈ 100 ગ્રામ સુધી એમડી ડ્રગ્સ લેતા આવતા હતા. દિવસમાં 3 વખત બન્ને પેડલરો શીવા પાસે એમડી લેવા આવતા હતા.

What's Your Reaction?






