'કુલી'ના ડિસ્ટ્રિબ્યુશનમાં આમિરનો કોઈ હસ્તક્ષેપ નથી':એક્ટરની ટીમે સ્પષ્ટતા કરતા કહ્યું કે તે રજનીકાંત સાથેની મિત્રતાને કારણે કેમિયો કરી રહ્યો છે
તાજેતરમાં, એવા અહેવાલો આવ્યા હતા કે દિગ્દર્શક લોકેશ કનાગરાજની ફિલ્મ 'કુલી'માં કેમિયો ભજવવા છતાં, આમિર ખાન તેની હિન્દી રિલીઝમાં દખલ કરી રહ્યો છે. હવે આમિર ખાન પ્રોડક્શન્સે ડિસ્ટ્રીબ્યૂશનમાં આમિર ખાનની સામેલગીરીની બધી અફવાઓને ફગાવી દીધી છે. આમિર ખાન પ્રોડક્શન્સના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, "આમિર ખાન કે તેમની ટીમનો કોઈ સભ્ય ફિલ્મ 'કુલી'ના ડિસ્ટ્રીબ્યૂશનમાં સામેલ નથી. શ્રી ખાને કોઈ એક્ઝિબિટર્સ કે ડિસ્ટ્રીબ્યૂટર્સને કોઈ ફોન કર્યો નથી. ફિલ્મમાં તેમનો કેમિયો ફક્ત દિગ્દર્શક લોકેશ કનાગરાજ અને રજનીકાંત સાથેના તેમના સંબંધોને કારણે છે. આમિર ખાન પ્રોડક્શનના દરેક વ્યક્તિ, ખાસ કરીને આમિર ખાન, સિતારે જમીન પરની યુટ્યુબ રિલીઝની સફળતાથી ઉત્સાહિત છે અને તેને મળેલા પ્રતિસાદથી અત્યંત ખુશ છે." નોંધનીય છે કે, આમિર વિશેની અફવા બોલિવુડ હંગામાના એક અહેવાલથી શરૂ થઈ હતી, જેમાં તેમણે દાવો કર્યો હતો કે એક્ટર-નિર્માતાએ 'કુલી'ના હિન્દી વર્ઝન રિલીઝ રણનીતિમાં પોતાને સામેલ કર્યા છે. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે આમિરે સીધા પીવીઆર આઇનોક્સના અજય બિજલીને ફોન કર્યો હતો અને ઉત્તર ભારતમાં ફિલ્મનું માર્કેટિંગ કરવા ઉપરાંત દેશભરમાં 'કુલી' માટે પ્રીમિયમ શોની વિનંતી કરી હતી. તેમણે એક સૂત્રને ટાંકીને કહ્યું હતું કે, 'આમિરનો કુલીમાં કોઈ નાણાકીય હિસ્સો નથી તેથી આ અપેક્ષિત નહોતું.' દિગ્દર્શક લોકેશ કનાગરાજની ફિલ્મ 'કુલી'માં આમિર ખાન કેમિયો કરી રહ્યો છે. આ પહેલી વાર બનશે જ્યારે તે સાઉથ ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મમાં રજનીકાંત મુખ્ય ભૂમિકામાં છે. તેમના ઉપરાંત નાગાર્જુન, સૌબિન શાહિર, બાહુબલી ફેમ એક્ટર સત્યરાજ અને શ્રુતિ હાસન પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મમાં નાગાર્જુન વિલનની ભૂમિકા ભજવી રહ્યો છે. ફિલ્મમાં આમિરના પાત્રનું નામ દાહ છે, જે ખૂબ જ સ્ટાઇલિશ અને શક્તિશાળી છે.

What's Your Reaction?






