ચીનમાં પૂર અને ભૂસ્ખલનને કારણે 34 લોકોના મોત:બુલડોઝરથી લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા, 80 હજાર લોકોને રેસ્ક્યૂ કર્યા
ચીનની રાજધાની બેઇજિંગ અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ અને પૂરને કારણે અત્યાર સુધીમાં 34 લોકોના મોત થયા છે. સરકારી ટીવી ચેનલ CCTV મુજબ, બેઇજિંગના મિયુન જિલ્લામાં 28 અને યાનછિંગ જિલ્લામાં 2 લોકોના મોત થયા છે. આ બંને વિસ્તારો શહેરની બહાર આવેલા છે. પૂરને કારણે બેઇજિંગમાંથી 80 હજારથી વધુ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. તેમાંથી લગભગ 17 હજાર લોકો મિયુન જિલ્લામાંથી છે. સતત વરસાદને કારણે, મંગળવાર સવાર સુધીમાં બેઇજિંગના કેટલાક ભાગોમાં 30 સેન્ટિમીટર સુધી પાણી ભરાઈ જવાની ધારણા હતી. સોમવારે બેઇજિંગ નજીક હેબેઈ પ્રાંતના લુઆનપિંગ કાઉન્ટીમાં ભૂસ્ખલન થયું. 4 લોકોના મોત થયા અને 8 લોકો ગુમ થયા છે. સ્થાનિક લોકોએ જણાવ્યું કે આ વિસ્તારમાં નેટવર્ક ઠપ્પ થઈ ગયું છે અને સંદેશાવ્યવહાર મુશ્કેલ બની ગયો છે. ચીનમાં પૂરના ફોટા... બેઇજિંગમાં હાઇ એલર્ટ, સ્કૂલો બંધ બેઇજિંગ વહીવટીતંત્રે સોમવારે રાત્રે 8 વાગ્યે ઉચ્ચ સ્તરીય ઈમરજન્સી રિસ્પોન્સ જારી કર્યો. આ અંતર્ગત, બધી સ્કૂલો બંધ કરી દેવામાં આવી છે. બાંધકામ કાર્ય અને બહારની પ્રવૃત્તિઓ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ચીન સરકારે હેબેઈ પ્રાંતને 50 મિલિયન યુઆન ઈમરજન્સી સહાય મોકલી છે. ચેંગદે, બાઓડિંગ અને ઝાંગજિયાકોઉ જેવા અસરગ્રસ્ત શહેરોમાં રાહત કામગીરી હાથ ધરવા માટે કેન્દ્રીય ટીમો પણ રવાના કરવામાં આવી છે. આ પહેલા, મિયુન જિલ્લામાં એક મુખ્ય જળાશયનું જળસ્તર 1959માં તેના નિર્માણ પછીના હાઈસ્તરે પહોંચી ગયું હતું. આ પછી, વહીવટીતંત્રે તેમાંથી પાણી છોડવાનો નિર્ણય લીધો. નીચાણવાળા વિસ્તારોમાં નદી કિનારે રહેતા લોકોને સતર્ક રહેવાની સૂચના આપવામાં આવી છે. શી જિનપિંગે બચાવ કામગીરી પૂર્ણ તાકાતથી હાથ ધરવાનો આદેશ આપ્યો ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે પૂરમાં ગુમ થયેલા લોકો માટે સંપૂર્ણ શોધ અને બચાવ કામગીરી શરૂ કરવાની હાકલ કરી છે. રાષ્ટ્રપતિ શીએ કહ્યું, ગુમ થયેલા અથવા ફસાયેલા લોકોને બચાવવામાં કોઈ કસર છોડવી જોઈએ નહીં. અસરગ્રસ્ત વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવા જોઈએ અને જાનમાલનું નુકસાન ઓછું કરવા માટે શક્ય તેટલા બધા પ્રયાસો કરવા જોઈએ. બે વર્ષ પહેલાં પણ બેઇજિંગ અને હેબેઈમાં પૂર આવ્યું હતું. 2023માં પણ આ જ સિઝનમાં બેઇજિંગ અને હેબેઈમાં ભારે પૂર આવ્યું હતું. જેમાં ડઝનબંધ લોકોએ જીવ ગુમાવ્યા હતા અને હજારો લોકો વિસ્થાપિત થયા હતા. આ ઉપરાંત, 2021માં હેનાન પ્રાંતમાં પૂર આવ્યું હતું. રેકોર્ડ વરસાદથી મેટ્રો સ્ટેશનો અને શહેરની શેરીઓમાં પાણી ભરાઈ ગયા હતા. 300થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા. ચીનમાં અત્યાર સુધીનો સૌથી ખતરનાક પૂર 1931માં આવ્યો હતો. તેને અત્યાર સુધીનો સૌથી ભયાનક પૂર માનવામાં આવે છે. અંદાજ મુજબ, તેમાં 20થી 25 લાખ લોકોએ જીવ ગુમાવ્યા હતા. બેઇજિંગ અને હેબેઈમાં પૂર કેમ આવે છે? બેઇજિંગ ઉત્તર ચીનનો એક ભાગ છે. સામાન્ય રીતે અહીં ઓછો વરસાદ પડે છે. પરંતુ જુલાઈ-ઓગસ્ટમાં, જ્યારે પૂર્વ એશિયાઈ ચોમાસુ એક્ટિવ હોય છે, ત્યારે અહીં અચાનક ભારે વરસાદ પડે છે. બેઇજિંગની આસપાસની જમીન ખડકાળ અને ઉંચી-નીચી છે. પાણી ઝડપથી નીચે વહે છે, જેના કારણે અચાનક પૂર આવે છે. માટીમાં ભેજ ઓછો હોવાને કારણે, વરસાદી પાણી સીધી સપાટી પર વહે છે, જેના કારણે નદીઓનું પાણીનું સ્તર અચાનક વધી જાય છે.

What's Your Reaction?






