રાધનપુરના સોલાર પ્લાન્ટમાંથી કોપર વાયરની ચોરી:બંધવડ નજીક ઝાડીઓમાં છુપાવેલ 1.10 લાખના વાયર સાથે બે આરોપી ઝડપાયા
રાધનપુર પોલીસ સ્ટેશન વિસ્તારના બંધવડ ખાતે આવેલા સોલાર પ્લાન્ટમાંથી ચોરાયેલા કોપર વાયરના કેસમાં એલસીબી પાટણે મહત્વની સફળતા મેળવી છે. પોલીસે ૧૧૦ કિલોગ્રામ કોપર વાયર કિંમત રૂ. ૧,૧૦,૦૦૦ સાથે બે આરોપીઓને ઝડપી લીધા છે. પાટણ એસપીની સૂચના અનુસાર મિલકત સંબંધિત ગુનાઓ શોધવા માટે આર.જી. ઉનાગર, પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી પાટણના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ રાધનપુર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. મળેલી માહિતીના આધારે પોલીસે બંધવડ-દેવ કેનાલ નજીક બાવડોની ઝાડીઓમાં તપાસ કરી હતી. તપાસ દરમિયાન પોલીસને રાજેશભાઇ ગાંડાભાઈ ઠાકોર (ઉંમર ૩૦) અને ચમનભાઇ સોનાભાઇ ઠાકોર (ઉંમર ૩૫), બંને રહેવાસી સુલતાનપુરા, તાલુકો રાધનપુર, જિલ્લો પાટણ પાસેથી ૧૧૦ કિલોગ્રામ કોપર વાયર મળી આવ્યા હતા. આરોપીઓની પૂછપરછ કરતાં તેમણે કબૂલાત કરી હતી કે આ વાયર તેઓએ દસેક દિવસ અગાઉ બંધવડ-અરજસણ રોડ પર આવેલા સોલાર પ્લાન્ટમાંથી ચોરી કર્યા હતા. આ કેસ સંદર્ભે રાધનપુર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા અધિનિયમ-૨૦૨૩ની કલમ ૩૦૩(૨) હેઠળ ગુનો નોંધાયેલો હતો. પોલીસે આરોપીઓ અને મુદ્દામાલને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અધિનિયમ-૨૦૨૩ની કલમ ૩૫(૧)ઇ અને ૧૦૬ મુજબ કાર્યવાહી કરી રાધનપુર પોલીસ સ્ટેશનને સુપ્રત કર્યા છે. આ કેસમાં એલસીબી પાટણે વણશોધાયેલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે. પકડાયેલા આરોપીઓ સામે હવે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

What's Your Reaction?






