108એ જીવ બચાવ્યો:બાલારામમાં ગરમીથી બેભાન થયેલા દર્શનાર્થીને ચિત્રાસણી 108 ટીમે CPR આપી બચાવ્યો
ગુજરાત સરકાર અને EMRI GHS દ્વારા સંચાલિત નિ:શુલ્ક 108 સેવાએ ફરી એકવાર એક અનમોલ જીવન બચાવ્યું છે. બાલારામ માં એક દર્શનાર્થી વધુ પડતી ગરમીના કારણે બેભાન થઈ ગયો હતો. કોલ મળતાં જ ચિત્રાસણી 108ની ટીમના EMT ધવલભાઈ અને પાઇલોટ મુકેશભાઈ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે દર્દી વિસનગર તાલુકાના કમાણા ગામના રહેવાસી હતા. તેઓ શ્રાવણ મહિનામાં બાલારામ મહાદેવ મંદિરે દર્શન કરવા આવ્યા હતા. મેળામાં વધુ ગરમીના કારણે અચાનક બેભાન થઈ ગયેલા દર્દીને EMT ધવલભાઈએ ઘટનાસ્થળે જ CPR આપ્યું હતું. ત્યારબાદ દર્દીને એમ્બ્યુલન્સમાં લઈ જવામાં આવ્યો હતો. ટીમે એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર અમદાવાદ સ્થિત હેડ ઓફિસના ડૉક્ટરને દર્દીની સંપૂર્ણ માહિતી આપી હતી. ડૉક્ટરની સલાહ મુજબ, શ્વાસ અવરોધાય નહીં તેનું ધ્યાન રાખીને NPA દ્વારા ઓક્સિજન સાથે પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. ત્યારબાદ દર્દીને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ પાલનપુર લઈ જવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં દર્દીના પરિવારજનોએ 108 ટીમનો આભાર માન્યો હતો. ગુજરાત ભરમાં 108 સેવા અનેક લોકોના જીવન બચાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે.

What's Your Reaction?






