શાહ સૌથી લાંબો સમય સુધી સેવા આપનાર ગૃહમંત્રી બન્યા:પદ પર આજે તેમનો 2258મો દિવસ છે, 2019માં શપથ લીધા હતા; અડવાણીનો રેકોર્ડ તોડ્યો
અમિત શાહ મંગળવારે ભારતના સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા કેન્દ્રીય ગૃહમંત્રી બન્યા છે. તેઓ 2,258 દિવસથી આ પદ પર છે. મોદી સરકારના બીજા કાર્યકાળમાં શાહે 30 મે, 2019ના રોજ ગૃહમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. શાહે 9 જૂન, 2024ના રોજ ગૃહમંત્રી તરીકેનો તેમનો પહેલો કાર્યકાળ પૂર્ણ કર્યો. તેઓ 10 જૂન, 2024 ના રોજ ફરીથી ગૃહમંત્રી બન્યા અને ત્યારથી તેઓ આ પદ પર છે. ગૃહ મંત્રાલય ઉપરાંત, તેઓ દેશના પ્રથમ સહકારી મંત્રી પણ છે. આ પહેલા, શાહ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગુજરાતના ગૃહમંત્રી રહી ચૂક્યા છે. યોગાનુયોગ, શાહે 5 ઓગસ્ટના રોજ સૌથી લાંબા સમય સુધી ગૃહમંત્રી તરીકે સેવા આપવાની સિદ્ધિ મેળવી હતી. 2019માં આજના જ દિવસે, તેમણે સંસદમાં જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવાની જાહેરાત કરી હતી. આ પછી, જમ્મુ અને કાશ્મીરનો વિશેષ દરજ્જો સમાપ્ત થયો હતો. તેમણે ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીનો ગૃહમંત્રી તરીકેનો રેકોર્ડ તોડી નાખ્યો છે. અડવાણી 19 માર્ચ, 1998 થી 22 મે, 2004 સુધી કુલ 2,256 દિવસ દેશના ગૃહમંત્રી રહ્યા. અડવાણી પછી, કોંગ્રેસના નેતા ગોવિંદ વલ્લભ પંત ત્રીજા ક્રમે સૌથી વધુ સમય સુધી ગૃહમંત્રી રહ્યા. મોદીએ ઈન્દિરાનો રેકોર્ડ તોડ્યો, નેહરુના PM તરીકેના કાર્યકાળથી પાછળ રહ્યા આ પહેલા, નરેન્દ્ર મોદી 25 જુલાઈના રોજ ભારતના બીજા સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા વડાપ્રધાન બન્યા હતા. તેમણે ભૂતપૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીનો 4077 દિવસ (24 જાન્યુઆરી 1966 થી 24 માર્ચ 1977)નો રેકોર્ડ તોડ્યો હતો. પીએમ મોદીએ 25 જુલાઈના રોજ વડાપ્રધાન તરીકે 4078 દિવસ પૂર્ણ કર્યા હતા. જવાહરલાલ નહેરુનો સૌથી લાંબા સમય સુધી સતત વડાપ્રધાન રહેવાનો રેકોર્ડ છે. તેમણે 15 ઓગસ્ટ 1947 થી 27 મે 1964 સુધી, એટલે કે કુલ 6126 દિવસ સતત આ પદ સંભાળ્યું. પીએમ મોદી નહેરુના રેકોર્ડથી 2047 દિવસ પાછળ છે. જોકે, પીએમ મોદી સતત ત્રણ લોકસભા ચૂંટણી (2014, 2019, 2024) જીતવાના મામલે નેહરુની બરાબરી કરી ચૂક્યા છે. જો તેઓ 2029ની લોકસભા ચૂંટણી જીતીને વડાપ્રધાન બને છે, તો સતત વડાપ્રધાન બનવાનો રેકોર્ડ પણ તૂટી શકે છે. PM મોદી સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા ચૂંટાયેલા નેતા છે મોદી 2001 થી 2014 સુધી ગુજરાતના મુખ્યમંત્રી હતા. ત્યારબાદ, તેઓ 26 મે 2014 થી વડાપ્રધાન બન્યા. આ રીતે, તેઓ રાજ્ય અને કેન્દ્રમાં (24 વર્ષથી વધુ) ચૂંટાયેલી સરકારના વડાનો હવાલો સંભાળનારા પ્રથમ ભારતીય નેતા બન્યા છે. મોદી સ્વતંત્રતા પછી જન્મેલા પહેલા વડાપ્રધાન છે. તેઓ બે કાર્યકાળ પૂર્ણ કરનારા પહેલા બિન-કોંગ્રેસી વડાપ્રધાન અને સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા વડાપ્રધાન પણ છે. સતત 6 ચૂંટણીઓમાં પાર્ટીને વિજય અપાવ્યો સમાચાર એજન્સીએ એક સરકારી અધિકારીને ટાંકીને જણાવ્યું હતું કે મોદી ભારતમાં એકમાત્ર એવા નેતા છે જેમણે સતત 6 ચૂંટણીઓમાં પાર્ટીને વિજય અપાવ્યો છે - 2002, 2007 અને 2012માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ અને 2014, 2019 અને 2024માં લોકસભાની ચૂંટણીઓમાં જીત અપાવી છે.

What's Your Reaction?






