બનાસકાંઠામાં વાઇરલ ફીવરનો કહેર:પાલનપુર સિવિલ હોસ્પિટલમાં દૈનિક ઓપીડી 1500થી વધીને 2000 થઈ, દર્દીઓની લાંબી કતારો
ચોમાસાની ઋતુ દરમિયાન બનાસકાંઠા જિલ્લામાં વાયરલ ફીવરના કેસોએ માઝા મૂકી છે. સમગ્ર જિલ્લામાં વાઇરલ ફીવરના કેસો વધતા સરકારી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે. જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં આવેલી સિવિલ હોસ્પિટલમાં વાઇરલ ફીવરના દર્દીઓનો ધસારો વધ્યો છે. સિવિલ હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર હોસ્પિટલમાં સામાન્ય દિવસોમાં દિવસ દરમિયાન 1500ની ઓપીડી નોંધાતી હતી, પરંતુ છેલ્લા 3-4 દિવસમાં વાયરલ ફીવરના કેસો વધતા ઓપીડી 2000 સુધી પહોંચી ગઈ છે. આ દર્દીઓમાં મુખ્યત્વે તાવ, શરદી અને માથાના દુખાવાના કેસો નોંધાઇ રહ્યા છે. સિવિલ હોસ્પીટલમાં કેસ બારી હોય કે ઓપીડી, તમામ જગ્યાએ દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે. ચોમાસાના સમય દરમિયાન વરસાદ બાદ ઠેર ઠેર થતી ગંદકીનો કોઈ નિકાલ ન થવાથી મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવેલા શહેરના દર્દીઓનું કહેવું છે કે, પાલનપુર નગરપાલિકા ન તો ગંદકી સાફ કરી રહી છે કે ન દવાનો છંટકાવ કરી રહી છે. જે પ્રકારે એકાએક શહેરમાં વાયરલ ફીવરના કેસો વધી ગયા છે, તેની સીધી અસર પાલનપુરની સિવિલ હોસ્પિટલ પર જોવા મળી રહી છે.

What's Your Reaction?






