અમદાવાદમાં 11 લાખમાં 1 BHK મેળવવાની તક:મુખ્યમંત્રી ગૃહ યોજનાની વિવિધ સ્કીમમાં ખાલી પડેલા મકાન ડ્રોથી અપાશે, 6 લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા લોકો અરજી કરી શકશે
જો તમારી આવક 6 લાખ રૂપિયા સુધીની છે અને તમે અમદાવાદમાં 1 BHK ફ્લેટ ખરીદી શકો છો. અમદાવાદ શહેરની અલગ અલગ મુખ્યમંત્રી ગૃહ યોજનાની સ્કીમમાં ખાલી પડેલા 553 જેટલા 1 BHK ફ્લેટ ડ્રોથી આપવાની જાહેરાત કરી છે. જેના માટે હાલ ફોર્મ ભરવાની પ્રોસેસ ચાલી રહી છે. અમદાવાદ મહાનગરપાલિકાની વેબસાઈટ પર અરજદાર ઓનલાઈન અરજી કરી શકશે. ક્લિક કરી જાણો ફ્લેટની તમામ ડિટેઇલ્સ 12 સપ્ટેમ્બર સુધી ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે અમદાવાદમાં ઓછી આવક ધરાવનારા લોકો પોતાનું ઘરનું ઘર મેળવવા માટેનું સપનું પૂરું કરી શકે છે. ખાનગી ફલેટોની કિંમત કરતા અડધી કિંમતમાં ખાનગી ફ્લેટ જેવી સુવિધાઓ સાથેના LIG પ્રકારના 1 BHK ફ્લેટો મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લોકોને ફાળવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. વાર્ષિક રૂ. 6,00,000 સુધીની કુટુંબની સંયુક્ત વાર્ષિક આવક ધરાવનારા લોકો આ મકાનો મેળવી શકશે. 30 જુલાઈથી 12 સપ્ટેમ્બર સુધી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ https://housingapplicationform.ahmedabadcity.gov.in પર ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. મકાન મેળવવા માટે સોગંદનામુ અને ફ્લેટો વિશેની માહિતી માટે બ્રોશર પણ આપવામાં આવ્યું છે. આ વિસ્તારમાં બનેલા ફ્લેટ માટે અરજી કરી શકાશે આ મકાનો વર્ષ 2016માં બનાવવામાં આવ્યા હતા. શહેરના થલતેજ, વેજલપુર, ચાંદખેડા, નિકોલ, અસારવા, રખિયાલ અને સારંગપુર વિસ્તારમાં 4,658 જેટલા ફ્લેટ બનાવવામાં આવ્યા હતા. જેને ડ્રો કરીને ફાળવણી કરવામાં આવી હતી. જોકે જે વ્યક્તિને મકાન ફાળવવામાં આવ્યું હતું અને નિયત સમયમાં પૈસા ભરવાના હતા તે સમય મર્યાદામાં પૈસા ન ભરનારા અને વેઇટિંગ લિસ્ટમાં રહેલા લોકો જેમને મકાન ફાળવવાના હતા પરંતુ વેઇટિંગ લિસ્ટમાં પહેલા લોકોને PMJAY યોજના અંતર્ગત મકાન મળી ગયા હોય તે બાદ કેટલાંક મકાનો ખાલી રહ્યા હતા. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બંધ પડેલા આવા કુલ 553 જેટલા મકાનોનો ફરી ડ્રો કરીને લાભાર્થીઓને ફાળવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. વર્ષ 2016માં મકાનની કિંમત રૂ. 10.50 લાખ અને રૂ. 50000 મેન્ટેનન્સ સાથે ભરવાના હતા ત્યારે વર્ષ 2025 માં પણ હવે મકાન ફાળવણી કરશે ત્યારે આ જ કિંમતમાં ફાળવણી કરવામાં આવનાર છે. અરજદારે અરજી ફોર્મ સાથે 20 હજાર ડિપોઝીટ ભરવાની રહેશે અરજદારે અરજી ફોર્મ સાથે ડીપોઝીટની રકમ રૂ. 20000 ભરવાના રહેશે. મકાનની કુલ કિંમતના ઓછામાં ઓછા 20 ટકા રકમ (અરજી સાથે ભરપાઇ કરેલ ડીપોઝીટ બાદ કરતાં બાકીની રકમ) 'ડ્રો'માં સફળ થયા બાદ AMC જણાવે ત્યારે અરજદારે ત્રણ માસમાં અચૂકપણે ભરવાની રહેશે. ત્યારબાદ બાકી રહેતી 80 ટકા રકમના એકસરખા 10 હપ્તા (અંદાજે એક વર્ષમાં તમામ 80 રકમ થાય તે રીતે) સમયાંતરે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જમાં કરાવવાના રહેશે. છેલ્લા હપ્તા સાથે મેન્ટેનન્સ ડીપોઝીટ તથા અન્ય ચાર્જીસ પણ ભરપાઇ કરવાના રહેશે. અરજદાર દ્વારા 20 ટકા રકમ જે બેંકમાં ભરેલ હોય તે જ બેંકમાં બાકીના 80 ટકા રકમ ભરવાની રહેશે. અરજી કરતા પહેલા આ શરતો ખાસ વાંચજો મકાનની નક્કી થયેલ પૂરેપૂરી કિંમત ભરપાઇ થયા બાદ જ દસ્તાવેજી પ્રક્રિયા પૂર્ણ થયેથી અરજદારને તેમને ફાળવવામાં આવેલ મકાનનો કબજો સોંપવામાં આવશે. કુટુંબના તમામ સભ્યોની મળીને કુટુંબની કુલ વાર્ષિક આવક રૂ. 3 લાખથી વધુ અને રૂ. 6 લાખથી ઓછી હોવી જોઇએ. આ યોજના માટે જયાં જયાં કુટુંબનો ઉલ્લેખ કરાયેલ છે. ત્યાં કુટુંબ એટલે પોતે, પોતાની પત્ની/પતિ, તથા તેમના અપરણીત બાળકો કુટુંબનો પુખ્ત વયનો સભ્ય ભારતદેશમાં પાકુ મકાન કે જમીનનો પ્લોટ ન ધરાવતો હોય તો તેનો વૈવાહિક દરજજો ધ્યાને લીધા વગર મકાન મેળવવા હકદાર છે. PMAY( પ્રધાનમંત્રી આવાસ યોજના)ના ચાર ઘટક જેવા કે AHP (એફોર્ડેબલ હાઉસીંગ પ્રોજેકટ), BLC(બેનીફીશીયરી લીડ કન્સ્ટ્રકશન), CLSS(કેડીટ લીન્ક સબ સીડી), ISSR (ઈન સીટુ સ્લમ રીહેબીલીટેશન)માંથી કોઈપણ એક જ ઘટકમાં સહાય મળવાપાત્ર છે. આ ચાર ઘટક પૈકી કોઈપણ ઘટકમાં તથા મુખ્યમંત્રી ગૃહ યોજના(MMGY)માં લાભ મેળવેલ ન હોય તે જ લોકો મેળવી શકશે. જો આ ચાર ઘટક મારફતે ક્યાંય પણ મકાન મેળવ્યું હોવા નું ધ્યાને આવશે તો મકાનની ફાળવણી કોર્પોરેશન દ્વારા રદ કરવામાં આવશે. 45 ચોરસ મીટર કાર્પેટ એરિયાના ફ્લેટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મુખ્યમંત્રી ગૃહ યોજના અંતર્ગત વિવિધ વિસ્તારોમાં બનાવવામાં આવેલા મકાનો 45 ચોરસ મીટર કાર્પેટ એરિયા અને બિલ્ટઅપ એરિયા 52થી 53 ચોરસ મીટરનો છે. એક ડ્રોઈંગ રૂમ, બેડરૂમ, કિચન, કોમન ટોઇલેટ અને બાલ્કનીની સુવિધા છે. દરેક બ્લોકમાં લિફ્ટ બનાવાઈ છે. આંગણવાડી, ગ્રીન એરિયા, બાળકોના રમતગમત માટેનો ગાર્ડન પણ આવેલા છે. વિશાળ પાર્કિંગ તેમજ ફાયર સેફ્ટીની સુવિધા સાથેનાં મકાનો છે. મોટાભાગની આવાસ યોજનાની બહાર દુકાનો આવેલી છે જેથી જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ પણ લોકોને ઘરની બહાર જ મળી રહેશે. 2016માં બનેલા ફ્લેટ ખાલી રહેતા હવે ફરી જાહેરાત આપવામાં આવી વર્ષ 2015માં મુખ્યમંત્રી ગૃહ યોજના અંતર્ગત મકાનો બનાવવા માટેનાં ફોર્મ બહાર પાડ્યાં હતાં અને ત્યારે જ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ફોર્મ બહાર પડતાંની સાથે જ લોકોએ યોજનાનાં મકાનો મેળવવા માટે ફોર્મ ભર્યાં હતાં, જેમાં વર્ષ 2016માં કોમ્પ્યુટરરાઈઝ ડ્રો થયો હતો અને 4658 લોકોને મકાનો ફાળવવાની પ્રક્રિયા શરૂ કરાઈ હતી. જોકે કેટલાક મકાનોમાં ડ્રો થયા બાદ પૈસા ભર્યા ન હતા અને તેના કારણે થઈને મકાનો બંધ રહેતા હતા આવા મકાનો બંધ રહેતા હોવાથી તેનો લોકો ઉપયોગ કરી શકે તેના માટે ફરીથી ડ્રો કરીને ફાળવણી કરવા માટેનો નિર્ણય કરાયો હતો અને હવે ફોર્મ બહાર પાડવામાં આવ્યું છે.

What's Your Reaction?






