કારખાનેદાર પાસેથી દંપતીએ 10.41 કરોડ પડાવ્યા:રાજકોટમાં કંપની શરૂ કરી માસિક 20% વળતર અને વિદેશમાં ટુર સહિતની લાલચ આપી રોકાણ કરાવ્યું, અનેક લોકો છેતરાયાની પોલીસને શંકા
આપણે ત્યાં ગુજરાતીમાં એક કહેવત છે કે, લાલચ બુરી બલા છે... અને આ જ કહેવત વધુ એક વખત સાચી પડી છે. રાજકોટ શહેરમાં રહેતા અને વાવડી વિસ્તારમાં કારખાનું ધરાવતા કારખાનેદાર નિકુંજ વોરા નામના યુવકને વધુ રૂપિયા કમાવવાની લાલચ ભારે પડી છે. જેમાં રોહિત કકાણીયા અને પત્ની પ્રફુલા કકાણીયા દ્વારા યુનિવર્સલ ટ્રેડ લિમિટેડ નામની કંપની શરૂ કરી તે કંપની વિદેશમાં રોકાણ કરતી હોવાના બહાના બનાવી લોકોને વિદેશ ટુર કરાવવાના સપના બતાવી માસિક 20% વળતર આપવા લાલચ આપી તેની પાસેથી રૂપિયા 10.41 કરોડ પડાવ્યા હોવાની ફરિયાદ રાજકોટ આર્થિક ગુના નિવારણ શાખામાં નોંધાઈ છે. આ મામલે પોલીસે આરોપી પતિ-પત્નીની ધરપકડ કરી રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે. ફરિયાદી છેલ્લા 25 વર્ષથી ફેબ્રિકેશનનું કારખાનુ ચલાવે છે રાજકોટ શહેરમાં આવેલ મવડી પોલીસ હેડ કવાટર્સ પાસે જીવરાજ પાર્ક નજીક હાર્મની એકઝોટીકામાં રહેતા નિકુંજ છગનભાઈ વોરાએ સાધુવાસવાણી રોડ પર આસોપાલવ ગ્રીન એપાર્ટમેન્ટમાં રહેતા રોહીત શાંતીલાલ કકાણીયા અને તેની પત્ની પ્રફુલા રોહિત કકાણીયા સામે ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદમાં તેમણે જણાવ્યુ હતુ કે, તેને પડધરી ખાતે પિતાના નામે ખેતીની જમીન હોવાથી ખેતીકામ સાથે મવડીમાં છેલ્લા 15 વર્ષથી અરજણભાઈ સભાયા પાસેથી જગ્યા ભાડે રાખી અપેક્ષ ઈન્ડસ્ટ્રીઝ નામે ફેબ્રિકેશનનુ કારખાનુ ચલાવે છે. અરજણભાઈનો પુત્ર ભાવેશભાઈ અવાર-નવાર કારખાને બેસવા આવતો હતો, જેના મારફત તેના મિત્ર રોહિત સાથે પરીચય થયો હતો. આરોપીએ સારા વળતરની લાલચ આપી પૈસા રોકાણ કરવા કહ્યું ત્યારે રોહિતે જણાવ્યું હતું કે, તે પોતે નાનામવા રોડ પર ડેકારા બિલ્ડિંગમાં યુનિવર્સલ ટ્રેડલિંગ કંપનીના નામે ઓફિસ ધરાવે છે અને કંપની દ્વારા વિદેશમાં અલગ-અલગ જગ્યાએ રોકાણ કરવામાં આવે છે, જેમાં વળતર પણ સારું મળે છે. તમે અમારી સાથે રોકાણ કરશો તો તેમાં માસિક 20% વળતર આપવામાં આવશે અને વિદેશ ટુર પણ કરાવવામાં આવશે. ત્યારબાદ આરોપી રોહિતએ તેને કેપિટલ મની માર્કેટનો ધંધો હોવાનું અને તેમાં રોકાણ કરવાથી સારૂ વળતર આપવાની વાત કરી હતી. જેમાં તેને દુબઈના શુશીલ મોઝર સાથે પણ કોન્ટેક હોવાનું અને તે વધુ સમય દુબઈ જ રહેતો હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત મહારાષ્ટ્રમાં પુણે ખાતે ઓફિસ હોવાનુ પણ જણાવ્યુ હતું, જેથી તેને મોબાઈલમાં કંપનીની વિગતો મોકલી હતી. ભાવેશભાઈ પણ છેલ્લા બે વર્ષથી રોકાણ કરતા હોવાની વાત જણાવી હતી. ફરિયાદીએ ટુકડે-ટુકડે 10.41 કરોડનું રોકાણ કર્યું તેની વાતમાં આવી કટકે-કટકે રોકાણ કર્યું હતુ. જેમાં માસિક વળતર પણ મળતું હતુ, જેથી તેને કટકે-કટકે રોકડા તેમજ ઓનલાઇન અને ચેક મારફત કુલ 10.41 કરોડનું રોકાણ કર્યુ હતુ. શરૂઆતના સમયમાં નિયમિત વળતર આપવામાં અવત હતું, પરંતુ છેલ્લા છ-સાત મહિનાથી વળતર આપવામાં આવતું ન હતું. જેમાં પ્રથમ મહારાષ્ટ્રમાં ચૂંટણી ચાલતી હોવાથી પેમેન્ટ અટક્યું છે, ચૂંટણી બાદ વળતર તેમજ રોકાણ પરત કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. આ પછી પણ વળતર ન આવતા તેને દુબઈથી વળતર ચૂકવવામાં આવ્યુ ન હોવાનું કહી ફોન પણ બંધ કરી દીધો હતો. અવારનવાર વાયદાઓ આપી રૂપિયા પરત ન આપતા અંતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપી રોહિત કકાણીયા અને તેની પત્ની પ્રફુલા કકાણીયાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દંપતીથી ભોગ બનેલા લોકોને ફરિયાદ કરવા અપીલ પોલીસ તપાસમાં ફરિયાદીની સાથે-સાથે તેના સગા અને સંબંધીઓએ પણ રોકાણ કર્યું હોવાનું સામે આવતા તેમને આ કેસમાં સાહેદ બનાવી તેમના નિવેદન નોંધવા પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત અન્ય કોઈ લોકો સાથે આ દંપતી દ્વારા ઉંચુ વળતર આપવાની લાલચ આપી છેતરપિંડી આચરી હોય તો રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ ખાતે આર્થિક ગુના નિવારણ શાખાનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે. દંપતીએ અન્ય લોકોને પણ છેતર્યા હોવાની પોલીસને શંકા ઉલ્લેખનીય છે કે, આરોપી દ્વારા છેલ્લા બે અઢી વર્ષના સમય દરમિયાન આ રીતે વધુ વળતરની લાલચ આપી અનેક લોકો સાથે છેતરપિંડી આચરી હોવાની આશંકા સેવામાં આવી રહી છે. આ માટે પોલીસ દ્વારા હવે એ દિશામા પણ આગળ તપાસ શરૂ કરવામાં આવી છે. જેમાં આરોપી દ્વારા વધુ કેટલા લોકોને લાલચ આપી રૂપિયા પડાવવામાં આવ્યા છે અને તેમના દ્વારા કઈ કઈ જગ્યાએ રોકાણ કરવામાં આવ્યું છે? તેનું વળતર તેને કેવી રીતે મળતું હતું? તેમજ અન્ય કોઈ આરોપીઓની સંડોવણી છે કે કેમ? સહિતની દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.

What's Your Reaction?






