ફરિયાદ નોંધાઇ:નલિયામાં વીજ કર્મચારીએ વીજ બીલના નાણાં ઉઘરાવી ચાઉ કર્યા
નલિયા પીજીવીસીએલ કચેરીમાં ફરજ બજાવતા જુનિયર આસિસ્ટન્ટ કર્મચારીએ ગ્રાહકો પાસેથી વીજબીલના 81,400 ઉઘરાવી ઉચાપત કરી હતી તેમજ વાડાપધ્ધરના યુવાન પાસેથી અલ્ટો મેળવી પરત આપી નથી જેથી ફરિયાદ નોંધાઇ છે. નલિયા પીજીવીસીએલમાં નાયબ ઇજનેર તરીકે ફરજ બજાવતા જયકુમાર નયનભાઈ ઠાકરે સરકાર તરફે ગુનો દાખલ કરાવતા જણાવ્યું કે, જુનિયર આસિસ્ટન્ટ કર્મચારી આસિફ ઓસમાન રાહુમા (રહે.જામનગર)એ પીજીવીસીએલ નલિયા કચેરીના અલગ અલગ ગ્રામના ગ્રાહકો પાસેથી બાકી વીજબીલની ઉઘરાણી દરમિયાન ગ્રાહકો પાસેથી નાણા તથા નવા કનેક્શન પેટે કુલ 81,400 રૂપિયા ઉઘરાવી ગ્રાહકોને પહોંચ આપી ન હતી તથા નાણા પીજીવીસીએલ કચેરીમાં જમા ન કરાવી સરકારી નાણાની ઉચાપત કરી હતી જેથી ફરિયાદ નોંધાવાઇ હતી. આ તરફ વાડાપધ્ધર ગામમાં રહેતા જયદીપસિંહ દિલાવરસિંહ જાડેજાએ જામનગરના આસિફ ઓસમાન રાહુમાં નામના વીજ કર્મચારી સામે ગુનો દાખલ કરાવતા જણાવ્યું કે, આરોપી પોતાના દીકરાની તબિયત ખરાબ હોવાથી બે દિવસ વતન જામનગર ખાતે જવાનું હોઇ ફરિયાદીને અલ્ટો ગાડી લઈને ગયો હતો. મારુતિ સુઝુકી કંપનીની અલ્ટો ગાડી નંબર જીજે 12 સીપી 1129 રૂપિયા 50,000 વાળી ગાડી લઈને આરોપી ગયો છે અને ચાર મહિના થવા છતાં હજી સુધી આવ્યો નથી.

What's Your Reaction?






