નોટિસ પાઠવાઈ:વડાલાની કંપનીને 23.60 લાખ ચુકવવા પંચાયત-ટીડીઓની નોટિસ
મુન્દ્રા તાલુકાના વડાલા મુકામે કાર્યરત અને કામદારોની સુરક્ષા મુદ્દે સતત વિવાદમાં રહેલી લોંખડના સળિયાનું ઉત્પાદન કરતી નીલકંઠ કોન્કાસ્ટ કંપની દ્વારા વેરા રૂપે 23.60 લાખનું લેણું ભરપાઈ કરવામાં ગલ્લાં તલ્લાં કરાતાં સ્થાનિક ગ્રામપંચાયત તેમજ તાલુકા પંચાયત દ્વારા બાકી નીકળતી રકમ ચૂકતે કરવાની નોટિસ પાઠવાઈ છે. બનાવ સંદર્ભે દિવ્ય ભાસ્કરને માહિતગાર કરતાં વડાલા ગ્રામપંચાયતના સરપંચ ગોવિંદ ગઢવીએ જણાવ્યું હતું કે વ્યવસાય વેરા રૂપે કંપની પર 3.60 લાખ તેમજ ઘણા સમયથી બાકી બોલતો 20 લાખ રૂ મિલકતવેરા સહિત કુલ 23.60 લાખ રૂ લેણું લેવાનું નીકળે છે. તે અંગે કંપનીને વારંવાર લેખિત રજૂઆત કરાઈ હોવા છતાં તેને અવગણવામાં આવે છે. વિશેષમાં બે વખત લેણાં ભરપાઈ માટે અપાયેલ ચેક પણ બાઉન્સ થયા છે. ત્યારે ગણતરીની કંપનીઓના ભંડોળ પર આધારિત પંચાયતને આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડતો હોવાથી આ અંગે તાલુકા વિકાસ અધિકારીનું પણ ધ્યાન દોરવામાં આવ્યું હતું. બાદમાં તાલુકા પંચાયત તરફથી પણ નોટિસની બજવણી કરાઈ હોવા છતાં હજી કર્જનું ચુકવણું થયું ન હોવાનો આંતર્નાદ વ્યક્ત કર્યો હતો.

What's Your Reaction?






