પવિત્રા એકાદશી: સાળંગપુરમાં શ્રી કષ્ટભંજનદેવને પવિત્રાના હારના વાઘા:શ્રાવણ માસ મહોત્સવમાં 1000 કિલોથી વધુ પવિત્રાના હારથી સિંહાસનનો શણગાર
સાળંગપુરધામ ખાતે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં શ્રાવણ માસ મહોત્સવ અંતર્ગત પવિત્રા એકાદશી નિમિત્તે વિશેષ શણગાર કરવામાં આવ્યો છે. પ.પૂ.શાસ્ત્રી સ્વામી શ્રીહરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણા અને કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ આ આયોજન થયું છે. મંગળવાર, 5 ઓગસ્ટ 2025ના રોજ શ્રી કષ્ટભંજનદેવને પવિત્રાના હારના વાઘા પહેરાવવામાં આવ્યા. સવારે 5:30 કલાકે પૂજારી સ્વામી દ્વારા મંગળા આરતી અને સવારે 7:00 કલાકે કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા શણગાર આરતી કરવામાં આવી. પૂજારી સ્વામીએ જણાવ્યું કે શ્રાવણ મહિનાના પવિત્ર મંગળવાર અને અગિયારસના નિમિત્તે હનુમાનજીને પવિત્રાના હારના વાઘા પહેરાવવામાં આવ્યા છે. સિંહાસન પર 1000 કિલોથી વધુ પવિત્રાના હારનો શણગાર કરવામાં આવ્યો છે. સાંજે દાદાનું ષોડશોપચાર પૂજન પણ કરવામાં આવશે. મંદિર પરિસરમાં યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રીહરિ મંદિરમાં વિવિધ પ્રકારના ડ્રાયફ્રૂટ હિંડોળા દર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. અનેક ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન દર્શનનો લાભ લીધો. શ્રાવણ માસ દરમિયાન દર મંગળવારે સવારે અને સાંજે સંગીતમય સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવે છે. આજે 100 જેટલા ભક્તોએ સવારે 9થી 12 અને સાંજે 4થી 6 વાગ્યા સુધી સુંદરકાંડના પાઠ કર્યા. મંદિર તરફથી સંપૂર્ણ સાઉન્ડ સિસ્ટમની વ્યવસ્થા કરવામાં આવી હતી. શ્રાવણ માસ દરમિયાન દરરોજ સવારે 7થી સાંજે 6 દરમિયાન પવિત્ર બ્રાહ્મણો દ્વારા શ્રી હનુમાન ચાલીસા પાઠ અનુષ્ઠાન કરવામાં આવે છે. આ ઉપરાંત શ્રીહરિ મંદિરમાં દરરોજ સાંજે 4થી 6:30 કલાક દરમિયાન પ.પૂ.શ્રી નારાયણમુની સ્વામી દ્વારા શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આ સમગ્ર આયોજન શ્રી શિક્ષાપત્રી લેખન એવં આચાર્યપદ સ્થાપન દ્વિશતાબ્દી મહોત્સવ વડતાલધામના ઉપક્રમે કરવામાં આવ્યું છે.

What's Your Reaction?






