કલાનગરી કે ક્રાઈમ કેપિટલ ?:શહેરમાં છ માસમાં જ 18 લોકોની હત્યા
ભાવનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થાની કથળથી સ્થિતી તેની ચરમસીમાએ છે છતાં ભાવનગર પોલીસ દ્વારા આરોપીઓ સામે ઠોંસ પગલાં લેવામાં આવતા નથી તેમજ સંવેદનશીલ વિસ્તારોમાં આખી રાત્રી દરમિયાન દુકાનો ખુલ્લી રહે છે જ્યાં હત્યાઓ થઇ રહી છે. અને જે વિસ્તારોમાં વેપારી વર્ગ રહે છે ત્યાં દુકાનો રાત્રીના બાર વાગ્યા પહેલા જ બંધ કરાવી દેવાય છે. ત્યારે ભાવનગર શહેરમાં છેલ્લા છ માસમાં જ 18 નિર્દોષ લોકોની હત્યા થઇ ચુકી છે તેમજ જુદા જુદા હથિયારો સાથે 1415 જેટલા આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. ભાવનગર હવે હવે કલાનગરીમાંથી આરોપીઓની નગરી તરફ ધસી જઇ રહી હોય તેમ લાગી રહ્યું છે. છેલ્લા બે વર્ષના સમયગાળાથી શહેર તેમજ જિલ્લામાં ખુલ્લેઆમ દારૂ તેમજ અન્ય નશાકારક પીણાનો ધીકતો ધંધો વધતા હત્યા તેમજ મારમારીના દૃશ્યો હવે સામાન્ય બની ગયા છે. દારૂ, ડ્રગ્સ, કફશીરપ અને ગાંજો જ્યાં સુધી વેચાતો રહેશે ત્યાં સુધી નિર્દોષનો ભોગ લેવાતો રહેશે તેમ આજુબાજૂના રહીશો જણાવી રહ્યા હતા. દારૂડિયાએ શ્રમિક વૃદ્ધ પાસે રૂપિયાની ઉઘરાણી કરી છરીના ઘા ઝીંકતા મોત શહેરમાં વહેલી સવારના સુમારે ઘરેથી મજુરીએ જઇ રહેલા વૃદ્ધની સાયકલ રોકીને એક દારૂડીયાએ વૃદ્ધ પાસે દારૂ પિવા માટે રૂપિયાની માંગણી કરી હતી અને વૃદ્ધ પાસેથી રૂપિયા ન મળી શકતા આરોપીએ વૃદ્ધને આડધેડ છરીના ઘા ઝીંકી રોડ ઉપર દોડાવ્યા હતા અને તેની પાછળ દોડી વૃદ્ધની છાતી ઉપર બેસી છરીના ઘા ઝીંકી ધોળા દહાડે હત્યા નિપજાવી ફરાર થયો હતો. કરચલિયા પરા, રૂખડીયા હનુમાનજી મંદિર નજીક રહેતા છનાભાઇ ગોરધનભાઇ ગોહેલ (ઉ.વ.62) ઘરેથી સાયકલ લઇ મજુરી જઇ રહ્યા હતા તે વેળાએ સુભાષનગર સ્મશાન પાસે આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજના પાસે ડેવીડ મનસુખભાઇ બારૈયા નામના દારૂડિયાએ દારૂ પી છનાભાઇને ઉભા રાખ્યા હતા અને દારૂ પીવા માટે રૂપિયાની ઉઘરાણી કરી હતી જે આપવાની છનાભાઇએ ના પાડી દેતા દારૂડિયાએ સરાજાહેર ગળા તેમજ હાથના ભાગે છરીના ઘા ઝીંક્યા હતા અને તેનો પ્રતિકાર કરી છનાભાઇ રોડ ઉપર દોડ્યા હતા તો દારૂડિયાએ તેની હત્યા કરતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. છનાભાઇને સર ટી. હોસ્પિટલમાં ખસેડાતા મોત નિપજ્યું હતું. હત્યા કરી પર્સની લૂંટ કરી, વિડીયો બનાવ્યો દારૂડીયાએ વૃદ્ધની હત્યા કરી ઘરે ગયો હતો અને કપડાં બદલી, સ્નાન કરી તરફડીયા મારતા વૃદ્ધ પાસે આવ્યો હતો અને તેના ખીસ્સામાંથી પર્સની લૂંટ કરી હતી અને વૃદ્ધનો વીડીયો બનાવ્યો હતો અને બાઇક લઇ ફરાર થઇ, પર્સમાં રહેલા રૂપિયાથી નશાના ટીકડા અને દારૂ પી ગયો હતો જે વેળાએ પોલીસે આરોપીને ઝડપી લીધો હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. આ બાબતે આરોપીની પૂછપરછ હાથ ધરી આ મામલે તથ્ય જણાઇ આવ્યા બાદ અન્ય કલમનો ઉમેરો કરવાની તજવીજ હાથ ધરવામાં આવશે તેવું ઘોઘારોડ પી.આઇ. એ.એન.દેસાઇએ જણાવ્યું હતું.

What's Your Reaction?






