'AAP'ના પ્રદેશ સંગઠન મંત્રીએ આક્ષેપો કરી રાજીનામું આપ્યું:હિતેશ વઘાસિયાએ કહ્યું-'ભૂપત ભાયાણીને આપમાંથી ધક્કો મારીને ભાજપમાં ધકેલનાર ગોપાલ ઈટાલિયા જ છે'
વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીમાં અગાઉ આમ આદમી પાર્ટીમાં આંતરિક ખટાસ ખુલ્લી થઈ ગઈ છે. પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી અને જૂનાગઢ લોકસભાના ઈન્ચાર્જ હિતેષ વઘાસીયાએ પાર્ટીમાંથી રાજીનામું આપીને અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાનો નિર્ણય જાહેર કર્યો છે. તેઓએ પાર્ટી પર ગંભીર આક્ષેપો કર્યા છે અને ખાસ કરીને પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીને ગોપાલ ઈટાલિયાએ જ ભાજપ તરફ ધકેલી દીધા હોવાનો દાવો કર્યો છે. હિતેષ વઘાસીયાએ જણાવ્યું કે, મને એવુ લાગ્યું કે, વર્ષ 2022ની ચૂંટણીમાં શિક્ષિત, સ્વચ્છ છબી ધરાવનારને ટિકિટ આપવામાં આવશે, પરંતુ અમુક આર્થિક લાભ ખાટવાની લાલચમાં વિસાવદર વિધાનસભાની 2022ની ચૂંટણીની ટિકિટ એક એવા ઉમેદવારને આપવામાં આવી કે જેનું નામ સર્વેમાં પણ ન હતુ અને જેનું મુળ બીજેપી હતું. અમે ત્યારે પણ વિરોધ કર્યો હતો કે આ માણસ આપણી સાથે નહીં ટકે પરંતુ અમુક આર્થિક લાભ લેવાની લાલચમાં સારા ઉમેદેવારને સાઈડ લાઈન કરી અને આમ આદમી પાર્ટીના અમુક લોકોએ આ ખેલ પાડ્યો. વધુમાં કહ્યું કે, અમે બધાએ મહેનત કરીને ભૂપત ભાયાણીને જીતાડ્યા હતા. ત્યારે જીતના ત્રીજા જ દિવસે ભૂપત ભાયાણીએ ભાજપમાં ભળવાના સમાચાર આપ્યાં. જે બાદ તેમને મનાવવાની અમને જવાબદારી સોંપવામાં આવી હતી. ત્યારે ભૂપત ભાયાણી એક વર્ષ સુધી પાર્ટી સાથે જોડાયેલા રહ્યા હતા. વધુમાં જણાવ્યું કે, ગોપાલ ઈટાલિયાને વિસાવદર વિધાનસભાની ચૂંટણી લડવાની ઈચ્છા હતી. જેથી તેઓએ આપના કેટલાક કાર્યકરોને ભૂપત ભાયાણી ભાજપમાં જતા રહે તે માટે ભૂપત ભાયાણીને હિંમત અપાવવા માટે મળવા મોકલ્યાં હતા અને ભૂપત ભાયાણીને હિંમત અપાવી કે તમે આપ છોડીને ભાજપમાં જતા રહો અમે તમારી સાથે આવી જાશું. આ બધુ ગોપાલ ઇટાલિયાના કહેવાથી જ થયું હતું. છેલ્લે ભૂપત ભાયાણીએ ભાજપમાં જવાનું નક્કી કર્યું. જોકે, આપના કોઈ કાર્યકરો ભૂપત ભાઈ સાથે ગયા ન હતા. વધુમાં જણાવ્યું કે, ભૂપત ભાયાણીને આપમાંથી ધક્કો મારીને ભાજપમાં કાઢનાર સ્વંમ ગોપાલ ઈટાલિયા જ છે. વધુમાં જણાવ્યું કે, અરવિંદ કેજરીવાલ સાથે પ્રદેશ કોર કમિટીની બેઠકમાં ગોપાલ ઈટાલીયા અને મનોજ સોરઠીયા બે દિવસ પહેલા જ દિલ્હી પહોંચી ગયા હતા. તેઓની મેલી મુરાદ હતી કે, કદાચ હિતેષભાઈ વઘાસીયાને ટીકીટ મળી જશે. ચૂંટણીનો કોઈ માહોલ હતો નહીં, ક્યારે ચૂંટણી થશે તે નક્કી ન હતું છતાં ઉમેદવાર તરીકે ગોપાલ ઈટાલિયાનું નામ જાહેર કરી દેવાયું હતું અને ફરીથી 'આપ' સાથે અને કાર્યકરો સાથે દ્રોહ કરવામાં આવ્યો. વધુમાં કહ્યું કે, ગોપાલ ઈટાલિયાને અહિં શા માટે લડવું જોઈએ? આ નથી તો એની જન્મભૂમિ, નથી તો એમની કર્મભૂમી, એમણે કોઈ દિવસ અહિં લોકો માટે કામ પણ નથી કર્યાં, અહિં કોઈ સર્વે કરવામાં પણ નથી આવ્યો. આ આયાતી ઉમેદવાર છે, તો પાર્ટીએ આવો નિર્ણય શા માટે કર્યો? બે પાંચ લોકોની અંગત રાજકિય મહત્વકાક્ષા સંતોષવા માટે આ ગુજરાતના હજારો યુવાનોની જિંદગી સાથે અને રાજનીતી સાથે ખીલવાડ કરવામાં આવી રહ્યો છે આવું મને લાગતા મે પાર્ટી છોડવાનો નિર્ણય કર્યો. પાર્ટીમાં મારી સતત અવગણના કરવામાં આવી હતી. હિતેષ વઘાસીયાએ મીડિયા સામે ખુલાસો કર્યો કે, ભૂપત ભાયાણી જ્યારે આમ આદમી પાર્ટીમાં હતા ત્યારે અમારું સમર્થન અને મહેનત તેમના માટે હતી. પરંતુ ગોપાલ ઈટાલિયાની અંદરખાને નીતિએ જ તેમને પાર્ટીમાંથી દૂર કરાવ્યાં. આજે ભૂપત ભાયાણી ભાજપમાં ગયા છે, પણ તેમને ત્યાં સુધી ધકેલનાર ખુદ ગોપાલ ઈટાલિયા છે. તેમણે કહ્યું કે, આ દાવપેચ એ જાહેર કરે છે કે ભાજપ સાથે અદૃશ્ય માળાખંડ પહેલેથી જ રચાયેલો હતો. હિતેષ વઘાસીયાએ જણાવ્યું કે, તેઓ વર્ષો સુધી જુનાગઢ અને વિસાવદર વિસ્તારમાં કાર્યરત રહ્યા છે અને અહીંના લોકોના દુઃખદર્દમાં ભાગીદાર બનેલા છે, જ્યારે ગોપાલ ઈટાલિયા આયાતી છે. તેઓ ભાવનગર જિલ્લાના ટીંબી ગામના વતની છે અને આજ સુધી ત્યાંના પ્રશ્નો અંગે અવાજ પણ ઉઠાવ્યો નથી. તેઓએ જણાવ્યું કે 2021થી તેમણે આપ માટે જમાદારીપૂર્વક કામગીરી કરી. 2022ની ચૂંટણીમાં ટિકિટની આશા હતી, પણ ટિકિટ એવી જગ્યાએ અપાઈ જ્યાં આર્થિક સ્વાર્થ જોડાયેલા હતા. હું માફ કરી શકું છું કે મને ટિકિટ ન મળી, પણ ગોપાલ ઈટાલિયા જેવા લોકો જે સનાતન ધર્મ, ખોટી છબી અને દૂધના ધોળા ઇમેજ સાથે જનતાને છેતરે છે, તેનો વિરોધ કરવો હવે ફરજ બની ગયો છે. હિતેષ વઘાસીયાએ વધુમાં એવો આક્ષેપ પણ કર્યો કે, ગોપાલ ઈટાલિયાએ પોતાના એફિડેવિટમાં ખેતીની જમીન દર્શાવેલ નથી. તેઓ ન તો ખેડૂત છે કે ન ખેડૂત પુત્ર. પરંતુ ચૂંટણી આવી એટલે ખેડૂત તરીકે ઓળખાણ ઘડવાના નાટક કરે છે. તેમણે એમ પણ કહ્યું કે, એફિડેવિટમાં કાર ન હોવાનું દર્શાવ્યું હોવા છતાં, તેઓ લક્ઝરી કાર અને ડ્રાઈવર સાથે ફરતા હોય છે. કતારગામમાં હાર્યા પછી વિસાવદર આવી રહ્યા છે, જે રાજકીય સ્વાર્થ માટે છે, ન કે લોકસેવા માટે. હિતેષ વઘાસીયાનું રાજીનામું અને અપક્ષ ઉમેદવારી એ વિસાવદરની ચૂંટણીને એક નવા વળાંકે દોરી ગયું છે. આમ આદમી પાર્ટી માટે આ આંતરિક વિખવાદ સાવજ સંકેતરૂપ છે. અંદરના દાવપેચો, પદ લોભ, બહારથી લાવવામાં આવેલા ઉમેદવારો અને લોકલ કાર્યકરોની અવગણના, આવા મુદ્દાઓ હવે જાહેરમાં છે. હવે જોવાનું એ રહેશે કે વિસાવદરની જનતા કોના વચન, વહીવટ અને વિઝન પર ભરોસો મૂકે છે.

What's Your Reaction?






