કંઇપણ જાણ્યા વગર પાયલટ પર દોષનો ટોપલો ઢોળી દેવો યોગ્ય નથી. પાયલટના પરિવાર, પીડિત પરિવાર અને બીજા બધાને એ જાણવાનો અધિકાર છે કે પ્લેન ક્રેશ સમયે શું થયું અને કેમ થયું. ઘણા કિસ્સામાં હાર્ડવેર અથવા સોફ્ટવેરની નિષ્ફળતા પણ જવાબદાર હોય છે. USમાં બોઇંગ અને બીજા મેન્યુફેક્ચરર ઘણા શક્તિશાળી છે. એમની પાસે પાવરફૂલ લોબી છે. એમની પાસે પાવરફૂલ PR છે. પાવરફૂલ બોલનારા લોકો છે. મને લાગે છે કે બોઇંગ પોતાની પ્રોડક્ટને બચાવવા માટે આ બધાનો ઉપયોગ કરશે જ અને તેમની પ્રોડક્ટ સેફ રહે એનું ધ્યાન રાખશે. આ ધડાકો અમેરિકન એટર્ની માઇક એન્ડ્રુઝે દિવ્ય ભાસ્કર સમક્ષ કર્યો. માઇક એન્ડ્રુઝ અમદાવાદ પ્લેન દુર્ઘટનાના 65 પીડિત પરિવારો વતી જાયન્ટ એવિએશન કંપની બોઇંગ સામે કેસ લડશે. ગુજરાત આવેલા એન્ડ્રુઝે દિવ્ય ભાસ્કરને સુપર એક્સક્લૂસિવ ઇન્ટરવ્યૂ આપ્યો છે. જેમાં તેમણે બોઇંગ કંપની સામે સવાલ ઉઠાવ્યા છે અને કહ્યું છે કે અત્યારે ભારતમાં જે થઇ રહ્યું છે તેના પર સૌની નજર છે. વાંચો દિવ્ય ભાસ્કરના સવાલ અને માઇક એન્ડ્રુઝના જવાબ..... સવાલઃ કેટલા પરિવારો કાયદાકીય કાર્યવાહીમાં જોડાયા છે? શું બ્રિટિશ નાગરિકો પણ તેનો ભાગ છે?
જવાબઃ અત્યારે અમારી સાથે 65 પીડિત પરિવારો છે. એમાં પેસેન્જર્સ અને ગ્રાઉન્ડ પર મૃત્યુ પામેલા લોકોના ફેમિલી છે. એ UK અને ઇન્ડિયા બંને દેશના નાગરિકો છે. તેમણે અમારો કોન્ટેક્ટ કર્યો હતો. સવાલઃ પરિવારો પાસે કયા કાયદાકીય વિકલ્પો છે?
જવાબઃ એ વિકલ્પો આ અકસ્માત થવાના કારણો બહાર આવશે એ પછી નક્કી થશે. જેમ કે બોઇંગ એરોપ્લેનમાં કોઇ ખામી હશે તો બોઇંગ સામે અમેરિકામાં પ્રોડક્ટ લાયેબિલિટી કેસ કરવામાં આવશે. કદાચ સબ કમ્પોનન્ટ મેન્યુફેક્ચર અથવા સોફ્ટવેર ડેવલપરનો ઇશ્યૂ પણ હોઇ શકે. ઇશ્યૂ શું છે તેના પર બધો આધાર છે. જો ફક્ત એર ઇન્ડિયા અથવા પાયલટનો જ વાંક હશે તો એ કેસ મોન્ટ્રિયલ કન્વેન્શન પ્રમાણે થશે. એ UK અથવા ઇન્ડિયામાં ફાઇલ કરવામાં આવશે. સવાલઃ અમદાવાદ વિમાન દુર્ઘટના પાછળનું સાચું કારણ શું હતું? પાયલટની ભૂલ, ટેકનિકલ નિષ્ફળતા કે બીજું કંઇ?
જવાબઃ અત્યારે અમે ઓપન માઇન્ડ રાખ્યું છે. અમને ખબર નથી. અમને લાગે છે કે કોઇ જજમેન્ટ આપવું ઘણું વહેલું હશે. સવાલઃ તમે ફક્ત બોઇંગને જ કેમ જવાબદાર માનો છો? એર ઇન્ડિયાને કેમ નહીં?
જવાબઃ અમે તપાસ તેની રીતે થવા દેવા માંગીએ છીએ. અમે જાણવા માંગીએ છીએ કે તથ્યો કયા લઇ જાય છે? અમે પહેલેથી કોઇ ધારણા બાંધવા માંગતા નથી. અમે કહીએ છીએ કે બધી જ માહિતી સામે આવવી જોઇએ. પૂરેપૂરો ફ્લાઇટ ડેટા રેકોર્ડર અને વોઇસ રેકોર્ડર સામે હોવો જોઇએ. કોઇ અનુમાન અથવા પરિણામ પર આવ્યા વગર અમે તો ફક્ત પુરાવાને જ ફોલો કરવા માંગીએ છીએ. એ માટે ફ્લાઇટ ડેટા રેકોર્ડર અને વોઇસ રેકોર્ડરનો ડેટા બહુ જ મહત્વનો છે. સવાલઃ કયા કાનૂની આધારો પર તમે બોઇંગ અથવા અન્યોને જવાબદાર ઠેરવશો? લીગલ ગ્રાઉન્ડસ શું હશે?
જવાબઃ દુર્ઘટનાનું કારણ શું છે એના પર આધાર છે. ઉદાહરણ તરીકે એન્જિન કન્ટ્રોલ સોફ્ટવેર. જો થ્રસ્ટ કન્ટ્રોલ માલફંક્શન એકોમોડેશન સિસ્ટમનો પ્રોબ્લેમ હશે તો તેના આધારે નક્કી કરીશું. થ્રસ્ટ કન્ટ્રોલ માલફંક્શન એકોમોડેશન એ એક સોફ્ટવેર પેકેજ છે. જે એન્જિન ઓવર સ્પીડમાં ન ચાલે તે માટે બનાવ્યું છે. સવાલઃ જ્યારે બોઇંગ કંપની જાણશે કે તેમની સામે વધુ એક કેસ થવા જઇ રહ્યો છે ત્યારે શું થશે?
જવાબઃ આવી કોઈપણ ઘટના મેન્યુફેક્ચરિંગ કંપની માટે નેગેટિવ હોય છે. જેથી અત્યારે ભારતમાં જે થઇ રહ્યું છે તેના પર બધાની નજર છે. સવાલઃ શું તમે માનો છો કે બોઇંગ અમદાવાદ પ્લેન ક્રેશના સત્યને દબાવવા માટે પોતાની તાકાત કામે લગાડશે?
જવાબઃ USમાં બોઇંગ અને બીજા મેન્યુફેક્ચરર ઘણા શક્તિશાળી છે. એમની પાસે પાવરફૂલ લોબી છે. એમની પાસે પાવરફૂલ PR છે. પાવરફૂલ બોલનારા લોકો છે. મને લાગે છે કે બોઇંગ પોતાની પ્રોડક્ટને બચાવવા માટે આ બધાનો ઉપયોગ કરશે જ. તેમની પ્રોડક્ટ સેફ રહે એનું ધ્યાન રાખશે. સવાલઃ પશ્વિમી મીડિયા હંમેશા પુરાવા વિના પાયલટને શા માટે ઝડપથી જવાબદાર ઠેરવે છે?
જવાબઃ એ નેરેટિવ આપણે સતત જોઇ રહ્યા છીએ. ઘણી વિમાન દુર્ઘટનાઓમાં પાયલટની ભૂલને જ જવાબદાર ઠેરવાઇ છે. પાઇલટ કોઇ પ્રકારની ભૂલ કરી શકે છે અને અકસ્માત નોંતરી શકે છે. આવા કિસ્સાઓમાં તાત્કાલીક પ્રતિક્રિયા આપવી અને પાઇલટને જવાબદાર ઠેરવવો સરળ છે કારણ કે તેઓ પોતાનો બચાવ કરી શકતા નથી. જો આપણને ફ્લાઇટ ડેટા રેકોર્ડર અને કોકપિટ વોઇસ રેકોર્ડર જેવા પુરાવાઓ મળી જાય તો આપણે એ તારણ પર પહોંચી શકીએ કે દુર્ઘટના સમયે શું થયું હતું. સવાલઃ દરેક વખતે બિન પશ્ચિમી અથવા ભારતીય પાયલટ્સને શા માટે દોષ અપાય છે? 2018ના લાયન પ્લેન ક્રેશમાં પણ આવું જ થયું હતું.
જવાબઃ USની બહારના પાયલટસ પર બ્લેમ થતાં હોય છે, જે ખોટું છે. અમદાવાદની દુર્ઘટનામાં કોઇ US સિટીઝન નહોતા તેમ છતાં આ દુર્ઘટના અમારા માટે મહત્વની છે. કારણ કે અમેરિકન નાગરિક હોય કે બ્રિટિશ નાગરિક હોય કે પછી ભારતીય નાગરિક હોય, દરેકની જિંદગી મહત્વની છે. બધી જ માહિતી બહાર નથી આવી તેમ છતાં તરત જ ધારણા બાંધીને પાયલટ પર દોષનો ટોપલો ઢોળી દેવો તે વહેલું ગણાશે. અમને ખબર છે કે ભારત સરકાર અને એર ઇન્ડિયા પાસે કોકપિટ વોઇસ રેકોર્ડર અને ફ્લાઇટ ડેટા રેકોર્ડરનું એક્સેસ છે. એ ડેટાની માહિતી મહત્વપૂર્ણ અને નિર્ણાયક છે. આ માહિતી જ્યારે નિષ્ણાતો અને એટર્નીને મળશે ત્યારે આખું ચિત્ર સ્પષ્ટ થઇ જશે. સવાલઃ તમને લાગે છે કે બોઇંગ કંપનીની ફેવરમાં પેઇડ ન્યૂઝ ચાલી રહ્યા છે?
જવાબઃ બોઇંગ કંપની માટે PR એફર્ટસ થાય છે. અમે એ ઘણીવાર જોયું છે. ઘણા મેન્યુફેક્ચર માટે નેગેટિવ ઇવેન્ટ, ફેલ્યોર કે કોઇ પ્રોબ્લેમ આવે એટલે ઘણી સારી સ્ટોરીઝ આવવાનું શરૂ થઇ જાય છે પણ અમારું ફોકસ પુરાવા પર જ હોય છે. સવાલઃ અન્ય ક્રેશ કેસોમાં બોઇંગ એરક્રાફ્ટની કઇ ખામીઓ પહેલેથી સાબિત થઇ છે?
જવાબઃ ઘણી બધી ખામીઓ હતી. મારા મનમાં સૌથી પહેલાં 737 મેક્સ આવે છે કારણ કે એ હમણાં જ થયું હતું. ઉપરાંત હમણાં જ અન કમાન્ડેડ સોફ્ટવેર ઇનપુટ તરીકે ઓળખાતી એક ઘટના બની હતી. આ ઘટનામાં એરક્રાફ્ટમાં મુશ્કેલી ઊભી થઇ હતી. પાયલટ જે કમાન્ડ આપી રહ્યો હતો તેનાથી વિપરીત થતું હતું. અમે એ જાણવા માંગીએ છીએ કે અમદાવાદની દુર્ઘટનામાં ડેટા શું કહે છે કારણ કે શક્ય છે કે ફ્લાઇટ કન્ટ્રોલ્સમાંથી આવતા અનકમાન્ડેડ ઇનપુટ્સ દુર્ઘટના માટે જવાબદાર હોઇ શકે છે. સવાલઃ શું તેમાંથી કોઇ ઘટના 787 ડ્રીમલાઇનર સાથે જોડાયેલી છે?
જવાબઃ હા, બોઇંગ 787 સાથે અગાઉ આવા બનાવો બન્યા હતા. અમારા મતે છેલ્લા 2-3 અઠવાડિયામાં બોઇંગ 787 વિમાનો સાથે સંકળાયેલી ઓછામાં ઓછી 2 ઘટનાઓ ખૂબ જ શંકાસ્પદ હતી. 2019માં પેન એરવેઝની બોઇંગ 787 ફ્લાઇટ જ્યારે પ્લેન લેન્ડિંગ કરી રહી હતી ત્યારે ફ્લાઇટ કન્ટ્રોલ સોફ્ટવેરને લાગ્યું કે વિમાન જમીન પર છે અને સોફ્ટવેરે થ્રસ્ટ કન્ટ્રોલ માલફંક્શન એકોમોડેશન સિસ્ટમ (TCMA) ને શરૂ કરી દીધી. TCMA એવી સિસ્ટમ છે જે આપમેળે એન્જિનના પાવરને નિયંત્રિત કરી શકે છે. આ સિસ્ટમે એન્જિનનો પાવર કાપી નાખ્યો. આ સમયે વિમાન જમીન પર આવી રહ્યું હતું, ઉડાન ભરતું નહોતું. તેથી ઝડપથી રનવેના અંતમાં પહોંચી ગયું. અમને ખબર છે કે 25 જુલાઇના રોજ ડલ્લાસ એરપોર્ટથી મ્યુનિક જતી બોઇંગ 787 ફ્લાઇટ ટેક ઓફ થઇ અને એક એન્જિનમાં પાવર લોસ થઇ ગયો. પાયલટે મે ડે કોલ જાહેર કર્યો હતો. જેના પછી ફ્લાઇટ પાછી ફરી હતી. અમને એ પણ જાણીએ છીએ કે 31 જુલાઇના રોજ સેન ડિયાગોથી લોસ એન્જલસ માટે બોઇંગ 787ની એક ફ્લાઇટ ટેક ઓફ થઇ હતી ત્યારે RAT બહાર આવ્યું હતું. અમને હજુ સુધી ખબર નથી પડી કે શા માટે આવું થયું હતું. અમને એવું કહેવામાં આવ્યું કે RAT ફક્ત ત્યારે જ બહાર આવે છે જ્યારે એન્જિન પાવર, હાઇડ્રોલિક્સ અથવા ઇલેક્ટ્રિકલ નુકસાન થાય છે. આ કેસમાં શું થયું હતું તેની અમને ખબર નથી. સવાલઃ બોઇંગ બહુ મોટી કંપની છે. તમે એના સોફ્ટવેર પર ભાર આપો છો તો કંપની તેના સોફ્ટવેર સુધારતી કેમ નથી?
જવાબઃ આ એકસેલેન્ટ સવાલ છે. ઘણીવાર સોફ્ટવેરમાં બગ્સ આવે છે, ગ્લિચીસ હોય છે. ઘણી વખત પ્રોબ્લેમ ફિલ્ડ પર ન આવે ત્યાં સુધી ખબર પડતી નથી. કંપની સોફ્ટવેરને વાપરે છે કારણ કે એને પ્રોપર ટેસ્ટ કર્યા હોય છે. દુર્ઘટનાઓ ક્યારેક જ બને છે. ફોલ્ટી સોફ્ટવેર અને ફોલ્ટી સિસ્ટમ રિલીઝ થાય છે એની પાછળ ઘણા કારણો છે. મને હંમેશા લાગે છે કે સિસ્ટમ પબ્લિક માટેના ઉપયોગમાં લાવતા પહેલાં તેનો ટેસ્ટ કરવો જોઇએ. સવાલઃ બોઇંગ કંપની ખામી બહાર લાવનારા કર્મચારીઓને પણ કાઢી મૂકે છે?
જવાબઃ કોઇપણ કંપનીમાં વ્હિસલ બ્લોઅર્સ સેફ્ટી ઈશ્યૂથી વાકેફ હોય છે. એ લોકો ઘણા મહત્વના લોકો છે. કેટલીકવાર કંપનીએ છુપાવેલી માહિતી માટે આપણે વ્હિસલ બ્લોઅર્સ પર આધાર રાખીએ છીએ. સવાલઃ ભૂતકાળમાં તમે ફ્લાઇટ રેકોર્ડર અને કોકપિટ વોઇસ રેકોર્ડરનો જે ડેટા માંગ્યો છે એ તમને મળ્યો છે?
જવાબઃ હા, ફ્લાઇટ ડેટા રેકોર્ડર અને કોકપિટ વોઇસ રેકોર્ડર લિટીગેશન પ્રોસેસથી મેળવી શકાય છે. US કોર્ટને આમાં વચ્ચે લાવવાનું આ પણ એક મહત્વનું કારણ છે. કેટલીકવાર લિટીગેશન ન થયું હોય ત્યાં સુધી આ ડેટા રિલીઝ નહોતો કરવામાં આવતો. જેથી માહિતી બહાર લાવવા માટે લિટીગેશન ઉપયોગી ટૂલ છે. સવાલઃ તમને લિટીગેશન કરતાં પહેલા એમની પાસે ડેટા માંગ્યો?
જવાબઃ હા, હું હંમેશા માંગુ છું પરંતુ તેઓ ભાગ્યે જ એ ડેટા જાતે આપતા હોય છે. સવાલઃ આ કેસમાં US અને UKની કાનૂની સિસ્ટમને સામેલ કરવી શા માટે મહત્વની છે?
જવાબઃ અમેરિકાના કાયદા ઇમ્પ્લિમેન્ટ કરવા ઘણા જરૂરી છે. જે મેન્યુફેક્ચર કંપનીએ ડિફેક્ટિવ ઇક્વિપમેન્ટ અથવા ડિફેક્ટિવ પ્રોડક્ટ્સ બનાવીને વેચી છે એ આખી કંપની જવાબદાર છે. આ કેસમાં એરક્રાફ્ટમાં કોઇ ખામી હશે તો બોઇંગ અને અન્યો (જે કોઈપણ હશે) તેમણે USમાં આવીને કેસનો સામનો કરવો પડશે. સવાલઃ તમે USની કઇ અદાલતમાં કેસ દાખલ કરવાનું વિચારો છો?
જવાબઃ તપાસમાં જે કારણો બહાર આવશે તેના પર બધો આધાર છે કે શું ક્લેમ કરી શકાશે અને કયા ઇક્વિપમેન્ટને કારણે આ દુર્ઘટના થઇ છે. સવાલઃ કેસ દાખલ કરવા માટે તમારી પાસે કયા વિકલ્પો છે?
જવાબઃ સામાન્ય રીતે ફેડરલ કોર્ટ અને હોમ સ્ટેટ પ્રાઇમરી ડિફેનડેન્ટ (પ્રાથમિક પ્રતિવાદી)નો વિકલ્પ છે. આ કેસમાં બોઇંગ તેમનું હેડ ક્વાર્ટર ઇલીનોયથી વર્જિનિયા ખસેડે તો કેસ કદાચ વર્જિનિયાની ફેડરલ કોર્ટમાં ફાઇલ થશે. સવાલઃ આવા આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન કેસોમાં ન્યાય મેળવવામાં સામાન્ય રીતે કેટલો સમય લાગે છે?
જવાબઃ મને લાગે છે કે અન્ય તપાસ એજન્સીઓ સાથે ડિટેલ રિપોર્ટ કરવામાં AAIBને એક વર્ષ લાગશે ત્યારે અથવા તેની પહેલા પણ અમે બોઇંગ અથવા ઇક્વિપમેન્ટ કંપની પર ક્લેમ કરવો કે નહીં એ માટે અમે ક્લિયર થઇ જઇશું. સવાલઃ શું તમે ક્રેશ સાઇટની મુલાકાત લીધી છે? ત્યાંથી તમને શું જાણવા મળ્યું?
જવાબઃ હા, અમે ત્યાં ગયા હતા અને રોકાયા હતા. ત્યાં હાજર કેટલાક લોકોને તથા પીડિત પરિવારોને મળ્યા છીએ. ક્રેશ સાઇટ પર જઇને મને ખૂબ જ દુઃખ અને પીડાનો અનુભવ થયો. ક્રેશ સાઇટ પર જવાથી એ અનુભવી શકાય છે કે દુર્ઘટના સમયે ખરેખર શું બન્યું હશે. આપણે ફોટો-વીડિયો જોઇએ પણ જ્યાં સુધી ઘટના સ્થળે ન જઇએ ત્યાં સુધી ખરેખર ખ્યાલ નથી આવતો. હું જ્યારે પણ કોઇ કેસ હાથમાં લઉં છું ત્યારે ક્લાયન્ટની તમામ ચિંતાનો ભાર ઉપાડી લઉં છું. સવાલઃ શું તમે ગુજરાતમાં ભારતીય અને બ્રિટિશ પીડિત પરિવારોને વ્યક્તિગત રીતે મળ્યા છો? તેમણે પોતાની પીડા વિશે તમને શું કહ્યું?
જવાબઃ ભારત અને યુકેમાંથી પીડિત પરિવારોએ અમારો સંપર્ક કર્યો હતો. જે ફેમિલીએ અમારો સંપર્ક કર્યો એ બધાને જવાબ જોઇએ છે. એ પરિવારો જાણવા માંગે છે કે શું થયું? કેમ થયું? એ લોકો અમારી પાસે એટલા માટે આવ્યા કે જેથી એ બધી વિગતો જાણી શકે. એ પરિવારો એર ઇન્ડિયા અને સરકાર પાસેથી પારદર્શિતા માંગે છે. અમે ઇચ્છીએ છીએ કે કોકપિટ વોઇસ રેકોર્ડર અને ફ્લાઇટ ડેટા રેકોર્ડર રિલીઝ કરવામાં આવે. જો પબ્લિક માટે રિલીઝ ન કરે તો કમસે કમ એ વકીલ માટે તો ડેટા રિલીઝ કરવો જ જોઇએ કે જે આ કેસ પર કામ કરી રહ્યા છે. કારણ કે એ ડેટામાં જ સંવેદનશીલ માહિતી રહેલી છે કે ખરેખર ક્રેશ સમયે શું-શું બન્યું હતું. ભોગ બનનારો દરેક પરિવાર અકલ્પનીય દુઃખમાંથી પસાર થઇ રહ્યો છે. આ પરિવારો ફક્તને ફક્ત મદદની માંગ કરી રહ્યા છે, શું થયું અને કેમ થયું એ સમજવા માટે મદદ માંગી રહ્યા છે. પીડિત પરિવારો જાણવા ઇચ્છે છે કે દુર્ઘટના માટે જવાબદાર કોણ છે? ઉપરાંત કોઇ બીજા સાથે આવું ફરી ન બને એ માટે શું કરી શકાય? સવાલઃ પીડિત પરિવારોની શું માંગ છે?
જવાબઃ પરિવારો પારદર્શિતા માંગે છે કેમ કે એ પહેલી અને મહત્વની વાત છે. કારણ કે શું થયું હતું એ જાણ્યા વગર કોણ જવાબદાર છે એ ખબર નહીં પડે. અલ્ટિમેટ ગોલ જવાબદાર કોણ છે એ જાણવાનો છે. એ પારદર્શિતા હશે તો જ ખબર પડશે. પહેલા દિવસથી અમે એ જ માંગીએ છીએ. સવાલઃ અત્યારસુધીના તમારા અનુભવ મુજબ શું આવી દુર્ઘટનાઓ રોકી શકાશે?
જવાબઃ અમને ખબર નથી. અત્યારે તપાસ ચાલી રહી છે. બોઇંગ અને ઘણા વેસ્ટર્ન મીડિયા અત્યારે એર ઇન્ડિયા અને પાયલટ ઉપર આંગળી ઉઠાવી રહ્યા છે. સ્વીચ અંગે જે ચર્ચા થઇ એ આપણે સાંભળી છે પણ કોકપિટ વોઇસ રેકોર્ડરમાંથી અમૂક જ માહિતી બહાર આવી છે. જેમાં અન્ય પાયલટ કહે છે કે મેં સ્વીચ બંધ કરી નથી. જેથી જ્યાં સુધી અમને ખબર ન પડે કે ખરેખર શું બન્યું હતું ત્યાં સુધી અમે ન કહી શકીએ કે દુર્ઘટનાને કેવી રીતે રોકી શકાય અથવા આવું ફરી બનશે કે નહીં? સવાલઃ લાયન ક્રેશ અને ઇથિયોપિયન 302ની દુર્ઘટનામાંથી એવું શું શીખવા મળ્યું છે જે ભવિષ્યની દુર્ઘટનાને રોકવા માટે લાગુ કરાશે?
જવાબઃ આવી ઘટનામાંથી એ બોધપાઠ મળ્યો કે પારદર્શકતા ખૂબ જરુરી છે. શું થયું હતું, શા માટે થયું તે જાણવું જરૂરી હોય છે. આવી માહિતી સામે આવ્યા પછી જ કોઇને જવાબદાર ઠેરવી શકાશે. શરૂઆતથી જ બધું જાણવું જરૂરી હોય છે. સવાલઃ દુર્ઘટનામાંથી કોઇ શીખતા કેમ નથી?
જવાબઃ એના ઘણા કારણો છે. ઘણીવાર ઘટનાઓ બની જતી હોય છે. એ પણ એક સત્ય છે. ઇક્વિપમેન્ટ ફેલ થઈ શકે છે. કેટલીક વાર ટેસ્ટિંગના પ્રોબ્લેમ્સ હોય છે. ટિપીકલી બિઝનેસમાં વસ્તુઓ કોસ્ટ ઇફેક્ટિવ બનાવવા પર ધ્યાન અપાતું હોય છે. ક્યારેક કંપનીઓ એવા ખર્ચ પર કાપ મુકે છે જે કાપવા ન જોઇએ. એવા કેસમાં સેફ્ટીને નુકસાન થઇ શકે છે. આ પણ વાંચો અમદાવાદ પ્લેન ક્રેશના પીડિત પરિવારો બોઇંગને USની કોર્ટમાં ઢસડશે પ્લેન ક્રેશઃ બ્રિટિશ નાગરિક બોલ્યા-3 દિવસ પછી જાણ કરી શબપેટીમાં બીજાનાં અંગો છે