‘તમને છેલ્લીવાર વોર્નિગ આપુ છું’:ભાજપના ધારાસભ્ય MGVCLના કર્મી પર બગડ્યાં; કહ્યું- તમે મફતની સેવા નથી આપતા, હવે ફરિયાદ આવી તો એક્શન લઈશ
રાજકોટ બાદ હવે વડોદરાના વાઘોડિયામાં ભાજપના નેતા વીજકર્મીઓ પર બગડ્યા છે. MGVCLના કર્મચારીઓ વાઘોડિયા તાલુકાના વીજ ગ્રાહકોને વીજ કનેકશનો આપવા માટે ધક્કા ખવડાવતા અને ઉદ્ધતાઇભર્યુ વર્તન કરતા હોવાની ફરિયાદ મળતા વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ MGVCLના કર્મચારીઓને ખખડાવ્યાં હતાં. વાઘોડિયાના સરકારી આરામગૃહમાં લોકો સાથેની મિટિંગ બાદ ધારાસભ્યએ વીજકર્મીઓને આડેહાથ લીધાનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં ધારાસભ્ય વીજ કર્મચારીઓને કહી રહ્યાં છે કે, તમે મફતની સેવા નથી આપતા, સરકાર તમને કામના પૈસા આપે છે. આજે છેલ્લી વોર્નિગ આપું છું, ગ્રાહકોનો પ્રશ્ન હલ કરો અને જવાબ વ્યવસ્થિત આપો, નહીં તો ન છૂટકે કાગળ ઉપર કાર્યવાહી કરવી પડશે. ધારાસભ્યએ લોકોના પ્રશ્નો સાંભળવા મિટિંગનું આયોજન કર્યું હતું મળેલી માહિતી પ્રમાણે, વાઘોડિયાના ભાજપાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા વાઘોડિયા તાલુકાના લોકોના પ્રશ્નો સાંભળવા વાઘોડિયા આરામગૃહ ખાતે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મિટિંગમાં મોટી સંખ્યામાં ખેડૂતો તેમજ ગ્રામજનો વિવિધ પ્રશ્નોની રજૂઆત કરવા માટે હાજર રહ્યા હતા. વિવિધ પ્રશ્નોમાં સૌથી વધુ ફરિયાદ વીજ કંપનીની હતી. આ સાથે લોકો ધારાસભ્યને એ પણ ફરિયાદ કરી હતી કે, ફોન કરતા MGVCLના અધિકારીઓ ઉદ્ધતાઈભર્યું વર્તન કરે છે. આથી આ મિટિંગમાં હાજર MGVCLની ખટંબા અને વાઘોડિયા કચેરીના અધિકારીઓનો ધારાસભ્યએ ઉધડો લીધો હતો. ખેડૂતોના પ્રશ્નો વહેલીતકે ઉકેલવા માટે અધિકારીઓને ગર્ભીત ચિમકી આપી ખખડાવ્યાં હતા. અહીં MGVCLના કર્મચારીઓને જણાવ્યું કે, આજે છેલ્લી વોર્નિંગ આપું છું. મને એવી ફરિયાદ મળશે કે, તમે તોછડો જવાબ આપો છો. તમે સરકારી અધિકારી છો, સરકાર તમને કામ કરવાના પૈસા ચૂકવે છે, તમે કોઇ મફતની સેવા નથી આપતા. તમે અયોગ્ય જવાબ આપો તે કેવી રીતે ચાલે. હવે મને ફરિયાદ આવી કે તમે લોકો સાથે ગમેતેવું વર્તન કર્યું તો હું કાગળ ઉપર લઈને પછી એક્શન લઈશે, પછી ના કહેતા. પછી તો મુળ સુધી જશું. આ લોકોને શોખ તો નથી થતો કે તમને અમથા-અમથા ફોન કરે. તમારી સાથે એમને પ્રેમ-દોસ્તી કરવાની હોવાથી ફોન ન કરે. તેમને મુશ્કેલી હોય ત્યારે તમને ફોન અને તમે ગમેતેવો જવાબ આપો એ થોડું ચાલે. નોંધનીય છે કે, વાઘોડિયા તાલુકાના ખેડૂતોના વીજ કનેકશન, અનિયમિત વીજળી જેવા પ્રશ્નો અંગે વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા MGVCLના અધિકારીઓને રજૂઆત કરી ચૂક્યા છે. આ ઉપરાંત જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં પણ વાઘોડિયા તાલુકાના વીજ ગ્રાહકોના પ્રશ્ન હલ કરવા માટે રજૂઆત કરી ચૂક્યા છે. આમ છતાં ખેડૂતો સહિતા લોકોના પ્રશ્ન હલ ન થતા ગ્રાહકોએ ફરી ધારાસભ્યને રજૂઆત કરી હતી. ગ્રાહકોને પડતી સમસ્યા 2થી 3 દિવસમાં દૂર કરાશેઃ MGVCL આ અંગે MGVCL વાઘોડિયા સબ સ્ટેશનના ડેપ્યુટી એન્જિનિયર આર. કે. ગોહિલે જણાવ્યું હતું કે, પ્રજાને પડતી વીજ સમસ્યાની મુશ્કેલી બેથી ત્રણ દિવસમાં દૂર કરવામાં આવશે. ઉપરાંત ધારાસભ્યને બાંહેધરી આપતા જણાવ્યું કે, એમજીવીસીએલ પ્રિમોન્સૂનની અધૂરી કામગીરી પણ પૂરી કરી દેશે. ગ્રાહકોને હેરાન થવું પડશે નહીં. વીજળી ન મળતા ખેડૂતો પરેશાન ઉલ્લેખનીય છે કે, છાશવારે વાઘોડિયામાં વીજ પુરવઠો બંધ થવાની સમસ્યાના કારણે અનેકના ધંધા-રોજગાર, કચેરી અને બેન્કિંગના કામો અટકી પડે છે. આ સિવાય તાલુકામાં ખેતી વિષયક વીજ પુરવઠો પણ વાવાઝોડા બાદ કેટલાક વિસ્તારોમાં યથાવત્ કરાયો નથી. લોકોનો પાક સૂકાઈ રહ્યો છે. તબેલામાં પશુધન પાણી માટે તરસી રહ્યું છે. તેવામાં અધિકારીઓને ફોન કરતા અધિકારીઓ દાદાગીરી કરતા હોવાની ફરિયાદ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાને લોકોએ કરતાં ધારાસભ્યએ અધિકારીઓને આડેહાથ લીધા હતા. રાજકોટના વોર્ડ નં.2માં ચાર દિવસથી રાત્રિના સમયે વીજળી ગૂલ થતી હોવાથી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને ભાજપના વોર્ડ નંબર 2ના કોર્પોરેટર જયમીન ઠાકરે સ્થાનિકોને સાથે રાખીને PGVCLની પ્રદ્યુમનનગર (જામટાવર) કચેરીએ જનતા રેડ પાડી હતી. આ દરમિયાન અધિકારીઓનો ઉધડો લીધો હતો અને તેમના ઉદ્ધતાઈભર્યા વર્તન સામે પણ રોષ વ્યક્ત કર્યો હતો. જેમાં જયમીન ઠાકરે PGVCLના અધિકારીએને ત્યાં સુધી કહી દીધુ હતું કે, આ તમારા બાપુજીની પેઢી છે, તાળા મારી દઈશ PGVCLને, મને કોઈના બાપથી ફેર નથી પડતો, FIR કરવી હોય તો છૂટ છે....(વિગતવાર વાંચવા ક્લિક કરો)

What's Your Reaction?






