ગુજરાત યુનિ.ના વધુ એક સિન્ડિકેટ સભ્ય વિવાદમાં:આશિષ અમીને પોતાની સંસ્થાને જ શૂટિંગ રેન્જ સોંપવાનો નિર્ણય લીધો, મંજૂરી માગનાર જ મંજૂરી આપનાર ઓથોરિટીમાં
ગુજરાત યુનિવર્સિટીમાં હાલમાં સિન્ડિકેટ સભ્યોનો વિવાદ ચાલી રહ્યો છે ત્યારે સરકાર દ્વારા નિમાયેલા વધુ એક સિન્ડિકેટ સભ્યનો અન્ય વિવાદ સામે આવ્યો છે. આશિષ અમીન ડિસ્ટ્રિક્ટ રાઇફલ એસોસિયેશનના પ્રેસિડેન્ટ છે, સાથે ગુજરાત યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય પણ છે. તેઓ 2021થી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં રાઇફલ શૂટિંગ માટે MOU કરી શૂટિંગ ઇન્સ્ટિટ્યૂટ ઊભી કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે, જેમાં તેમને 4 વર્ષે સફળતા મળી છે, જોકે કોંગ્રેસે આ અંગે વિરોધ કરી રાઇફલ શૂટિંગ રેન્જ ગુજરાત યુનિવર્સિટી પોતાની જાતે ચલાવે અથવા તો નિષ્પક્ષ રીતે અન્ય સંસ્થાને મંજૂરી આપવામાં આવે એવી માગ કરી છે. ઉલ્લેખનીય છે કે આ સમગ્ર વિવાદમાં ઊડીને આંખે વળગે એવી વાત એ છે કે સિન્ડિકેટ સભ્ય આશિષ અમીન પોતે મંજૂરી માગનાર છે અને પોતે મંજૂરી આપનાર ઓથોરિટીમાં પણ સામેલ છે. આ પણ વાંચો: NSUIની પૂર્વ સિન્ડિકેટ સભ્ય શ્વેતલ સુતરિયા સામે ફરિયાદની માંગ, 300થી વધુ કાર્યકરોએ વિરોધ કરી કુલપતિની ઓફિસને તાળું માર્યું સ્પોર્ટસ કોમ્પ્લેક્સમાં રાઇફલ શૂટિંગ રેન્જ માટે 10,000 વાર કરતાં વધુ જગ્યા ફાળવાઈ ગુજરાત યુનિવર્સિટીના સરકાર નિયુક્ત સિન્ડિકેટ સભ્ય આશિષ અમીન અમદાવાદ ડિસ્ટ્રિક્ટ રાઇફલ એસોસિયેશનના પ્રેસિડન્ટ પણ છે. ગુજરાત યુનિવર્સિટીના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ઓલિમ્પિકને લઈને અલગ અલગ સ્પોર્ટ્સની એક્ટિવિટીના કેમ્પસ બનાવવામાં આવ્યા છે, જેમાં રાઇફલ શૂટિંગ રેન્જ પણ અત્યારે બનાવવામાં આવી રહી છે. આ રાઇફલ શૂટિંગ રેન્જ માટે 10,000 વાર કરતાં વધુ જગ્યા ફાળવવામાં આવી છે. આ જગ્યા મેળવવા માટે કેટલાક લોકોના પ્રયત્ન ચાલુ છે. મંજૂરી માગનાર અને મંજૂરી આપનાર ઓથોરિટીમાં હતા 21 મે 2021ના રોજ અમદાવાદ ડિસ્ટ્રિક્ટ રાઇફલ એસોસિયેશન દ્વારા ગુજરાત યુનિવર્સિટી સાથે MOU કરવામાં આવ્યા હતા, જેમાં હોર્સ રાઇડિંગ સ્કૂલ અને સ્પોર્ટ્સ એકેડેમીમાં રાઇફલ શૂટિંગ રેન્જ બંને સોંપવા MOU કર્યા હતા. આ સમયે અમદાવાદ ડિસ્ટ્રિક્ટ એસોસિયેશનના પ્રેસિડેન્ટ આશિષ અમીન હતા, જેમણે મંજૂરી પણ માગી હતી તો બીજી તરફ ગુજરાત યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્યોમાં પણ તેઓ હતા, એટલે કે મંજૂરી આપનાર ઓથોરિટીમાં પણ તેઓ હતા. વર્ષ 2021માં મંજૂરી તો મળી ગઈ હતી, પરંતુ અન્ય સિન્ડિકેટ સભ્યોને આ અંગેની જાણ થતાં વર્ષ 2023માં સિન્ડિકેટ સભ્યોના વિરોધને કારણે રાઇફલ શૂટિંગ અંગેના MOU રદ કરવામાં આવ્યા હતા. આ પણ વાંચો: ગુજરાત યુનિ.ના સિન્ડિકેટ સભ્યનું તાત્કાલિક રાજીનામું લેવાયું, ભાસ્કરના અહેવાલ બાદ કુલપતિએ જર્મનીથી ઓનલાઇન બેઠક કરી કાર્યવાહી કરી ફરી એકવાર રાઇફલ શૂટિંગ રેન્જ માટે ટેન્ડર પ્રક્રિયા કરીને ઇન્સ્ટિટ્યૂટ શરૂ કરવાનો પ્રયાસ MOU તો રદ થયા, પરંતુ ગુજરાત યુનિવર્સિટીમાં આવનાર ઓલિમ્પિકને લઈને રાઇફલ શૂટિંગ રેન્જ બનાવવાની જ હતી, જેથી એનું કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન કોમન યુનિવર્સિટી એક્ટ આવતાં જૂના તમામ સિન્ડિકેટ સભ્યોની ટર્મ પણ પૂરી થઈ ગઈ હતી. એ બાદ વર્ષ 2025માં ગુજરાત સરકાર દ્વારા યુનિવર્સિટીના નવા એક્ટ પ્રમાણે સરકાર દ્વારા પાંચ સિન્ડિકેટ સભ્યોની નિમણૂક કરવામાં આવી હતી એમાં ફરીથી અમદાવાદ ડિસ્ટ્રિકટ એસોસિયેશનના પ્રેસિડેન્ટ આશિષ અમીનની સિન્ડિકેટ સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી હતી. ફરીથી નિમણૂક થતાં અમદાવાદ ડિસ્ટ્રિક્ટ રાઇફલ એસોસિયેશન દ્વારા ફરી એકવાર રાઇફલ શૂટિંગ રેન્જ માટે ટેન્ડર પ્રક્રિયા કરીને રાઇફલ શૂટિંગ રેન્જ મેળવીને ત્યાં ઇન્સ્ટિટ્યૂટ શરૂ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, જેમાં એકંદરે સફળતા મળી છે, કારણ કે આ વખતની સિન્ડિકેટ બેઠકમાં કોઈપણ સભ્ય આ મુદ્દે વિરોધ નથી કરી રહ્યું. એક જ વ્યક્તિ બે જગ્યાએ હોય તો નિર્ણય ભલામણથી કરવામાં આવી શક્યો હોય આ અંગે કોંગ્રેસ અને પૂર્વ સિન્ડિકેટ સભ્યો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે, કારણ કે તેમનો આક્ષેપ છે કે મંજૂરી માગનાર સંસ્થામાં પણ આશિષ અમીન છે અને મંજૂરી આપનાર ઓથોરિટીમાં પણ આશિષ અમીન છે, જેથી એક જ વ્યક્તિ બે જગ્યાએ હોય તો નિર્ણય ભલામણથી કરવામાં આવી શક્યો હોય છે. આ પણ વાંચો: શ્વેતલ સૂતરિયાએ એક નહીં, બે પ્રોફેસર પાસે 75-75 લાખ માગ્યા આશિષ અમીનની સંસ્થાને રાઇફલ શૂટિંગ રેન્જ સોંપી દેવાશે તો કોંગ્રેસ વિરોધ કરશે કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને પૂર્વ સિન્ડિકેટ સભ્ય ઇન્દ્રવિજયસિંહ ગોહિલે જણાવ્યું હતું કે મારો આ સિસ્ટમ સામે વિરોધ છે. એવું કેવી રીતે શક્ય બને કે મંજૂરી માગનાર જ મંજૂરી આપનાર ઓથોરિટીમાં હોય, એક જ સભ્ય બે જગ્યાએ હોય તો 100 ટકા ભલામણથી જ મંજૂરી આપવામાં આવી હોઈ શકે છે. ગુજરાત યુનિવર્સિટી ખૂબ મોટી સંસ્થા છે. તે પોતાની જાતે પણ રાઇફલ શૂટિંગ રેન્જ ચલાવી શકે છે અથવા તો નિષ્પક્ષ રીતે અન્ય સંસ્થાને મંજૂરી આપવામાં આવે એવી અમારી માગ છે. જો આશિષ અમીન અને તેમની સંસ્થાને રાઇફલ શૂટિંગ રેન્જ સોંપી દેવામાં આવશે તો કોંગ્રેસ દ્વારા આ મામલે ઉગ્ર વિરોધ કરવામાં આવશે.

What's Your Reaction?






