સાતમ-આઠમનો મેળો:હમીરસર કાંઠે શ્રાવણી સાતમ આઠમના મેળાના સ્ટોલના માર્કિંગ કરવાનું શરૂ થયું
ભુજ શહેરના હૃદય સમાન અને હવે તો રાષ્ટ્રીય જળ ધરોહરની ઓળખ ધરાવતા હમીરસર કાંઠે 15મી ઓગસ્ટે સાતમથી મેળો ભરાશે, જેમાં સ્ટોલ ભાડે આપવાનો ઠેકો નગરપાલિકાએ આપી દીધો છે, જેથી ઠેકેદારે એક સપ્તાહ પહેલા જ શુક્રવારથી સ્ટોલના માર્કિંગ કરવાનું શરૂ કરી દીધું છે, જેમાં દાદા-દાદી પાર્કને ફરતે માર્કિંગ સાથે નંબર પણ અપાઈ ગયા છે. રાજાશાહીના વખતથી પરંપરાગત સાતમ આઠમનો મેળો ભરાય છે અને હકડેઠ્ઠ માનવ મહેરામણ ઉમટે છે. નગરપાલિકા અસ્તિત્વમાં આવ્યા બાદ ખાણીપીણી, રમકડા સહિતના સ્ટોલ ભાડે આપી સ્વભંડોળ ઊભું કરવાનું શરૂ કર્યું હતું, જેમાં નગરપાલિકાના કર્મચારી પાસે છઠ્ઠ સુધી ચડાખડી થતી હતી. જોકે, ત્યારબાદ કર્મચારીઓ દ્વારા ભ્રષ્ટાચાર થતો હોવાની આશંકાથી ઠેકો આપવાનું શરૂ કરાયું છે, જેમાં છેલ્લા કેટલાક વર્ષોથી ઠેકેદાર દ્વારા 6થી 7 લાખ રૂપિયામાં ઠેકો લેવાય છે. જોકે, આ વર્ષે ઠેકો લેનારાએવધુ પાર્ટનર ઉમેરીને દરેકને અલગ અલગ વિસ્તારમાં સ્ટોલ ભાડે આપવાનો ઈજારો આપી દીધો છે, જેથી મેળામાં નફા નુકસાનનું ગણિત બદલાઈ ગયું છે. હવે દરેક પાર્ટનર મોકાની જગ્યાએઊંચા ભાડે સ્ટોલ આપશે. જે માટે મેળામાં કમાણી કરવા ઈચ્છુક વિક્રેતાઓ ટોળે વરસે. સામાન્ય રીતે 5000થી 50 હજાર ભાડાના દરે સ્ટોલ ભાડે અપાતા હોય છે. પરંતુ, આ વખતે પ્રથમ દિવસે સાતમ 15મી ઓગસ્ટે શુક્રવારે છે એટલે મોટાભાગની કચેરીઓમાં રજા હશે. ત્યારબાદ બીજા દિવસે 16મી ઓગસ્ટ શનિવારે જન્માષ્ટમીની રજા હશે અને ત્રીજા દિવસે રવિવારની રજા હશે, જેથી સ્ટોલ ભાડે રાખનારાને સળંગ ત્રણ દિવસની રજાનો લાભ મળી રહેશે. જોકે, આ વખતે 15મી ઓગસ્ટે વરસાદની પણ આગાહી છે, જેથી કેટલા વિક્રેતાઓ મેળામાં સ્ટોલ ભાડે રાખવા આગળ આવશે એપણ એક પ્રશ્ન છે. એપ્રશ્ન દર વખતે ચર્ચાતો જ હોય છે અને સાતમની સાંજથી જ હકડેઠ્ઠ ભીડ જામી જતી હોય છે. એટલે માનવ મહેરામણ ઉમટવા ન ઉમટવાનો પ્રશ્ન નથી.

What's Your Reaction?






