જર્જરિત બાંધકામોને નોટિસ:રાજકોટનાં સેન્ટ્રલ, ઇસ્ટ અને વેસ્ટ ઝોનમાં કુલ 3,016 બાંધકામોને નોટિસ, સ્ટે. ચેરમેને કહ્યું- ચોમાસા પહેલા ખાલી કરાવાશે
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 3,000થી વધુ જર્જરિત મકાનો અને આવાસોને નોટિસ પાઠવવામાં આવી છે. આ કાર્યવાહીનો મુખ્ય હેતુ ચોમાસા દરમિયાન સંભવિત દુર્ઘટનાઓને ટાળવાનો છે. RMC દ્વારા સેન્ટ્રલ, ઇસ્ટ અને વેસ્ટ ઝોનમાં આવેલા આવા ભયગ્રસ્ત બાંધકામોના માલિકોને નોટિસ આપીને તેમને જર્જરિત ભાગો દૂર કરવા અથવા બાંધકામને મજબૂત કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું હતું કે, જરૂર પડ્યે અસરગ્રસ્તો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવશે. ત્રણેય ઝોનમાં 3000થી વધુ મકાનોને નોટિસ મહાનગરપાલિકા દ્વારા શહેરના ત્રણેય ઝોનમાં સર્વે કરીને ભયગ્રસ્ત મકાનોની યાદી તૈયાર કરવામાં આવી છે. આ યાદી મુજબ કુલ 3,016થી વધુ મકાનોને નોટિસ આપવામાં આવી છે, જેમાં સરકારી ક્વાર્ટર પણ સામેલ છે. ઝોનવાર વિગતો સેન્ટ્રલ ઝોન: અહીં 595 મિલકતો પૈકી 546 મિલકતોને નોટિસ પાઠવવામાં આવી છે. અને બાકીની લગભગ 50 જેટલી મિલકતોને નોટિસ આપવાની કામગીરી ચાલી રહી છે. વેસ્ટ ઝોન: આ ઝોનમાં સૌથી વધુ 2,408 મિલકતોને નોટિસ આપવામાં આવી છે. ઇસ્ટ ઝોન: આ ઝોનમાં 58 મિલકતો જર્જરિત હોવાથી તમામને નોટિસ પાઠવવામાં આવી છે. ચોમાસા પહેલાં આવાસો ખાલી કરાવાશે આ નોટિસોમાં લલુડી વોંકળીના આશરે 700 મકાનો અને ગોકુલધામ સહિતની આવાસ યોજનાના ક્વાર્ટરનો પણ સમાવેશ થાય છે. RMCની ટીમો દ્વારા સ્થળ સર્વે કરીને આ નોટિસો આપવામાં આવી છે. ગોકુલધામ આવાસ યોજનાના ક્વાર્ટર RMC હસ્તક આવતા હોવાથી તેમાં રહેતા લોકોને વૈકલ્પિક વ્યવસ્થા પૂરી પાડવામાં આવશે. અન્ય તમામ જર્જરિત બાંધકામો ચોમાસા પહેલા ખાલી કરાવવામાં આવે તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ‘જાહેર જનતાના હિતમાં ઇમારતોને ભયમુક્ત કરવી જરૂરી’ સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું હતું કે, શહેરમાં ઘણી ઇમારતો ખૂબ જ જૂની અને ભયગ્રસ્ત હાલતમાં છે. જાહેર જનતાના હિતમાં આવી ઇમારતોને ભયમુક્ત કરવી અત્યંત જરૂરી છે. મહાનગરપાલિકા દ્વારા આવી ઇમારતોની વ્યક્તિગત મુલાકાત લઈને લેખિત અને મૌખિક સૂચનાઓ આપવામાં આવી છે. તેમ છતાં ઘણા મિલકતધારકો, માલિકો, ભાડુઆતો અને કબજેદારો દ્વારા ભયમુક્ત કરવાની કામગીરીમાં ઢીલ રાખવામાં આવી રહી છે. આથી હાલ ચોમાસાની ઋતુ શરૂ થાય તે પહેલા તમામ મિલકતધારકોને સ્વૈચ્છિક રીતે ભયગ્રસ્ત ભાગ દૂર કરવા નોટિસો પાઠવી દેવામાં આવી છે. જરૂર પડ્યે વસવાટ કરતા લોકો માટે વૈક્લિપક વ્યવસ્થા કરાશે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે સ્પષ્ટતા કરી હતી કે, મહાનગરપાલિકા દ્વારા દર ચોમાસા પહેલા જર્જરિત આવાસો ખાલી કરાવવામાં આવે છે. આ અંતર્ગત જ ત્રણેય ઝોનના અલગ-અલગ વિસ્તારોમાં આવા બાંધકામોને ખાલી કરવા નોટિસો પાઠવી દેવામાં આવી છે. જેમાં ત્રણેય ઝોન મળીને કુલ 3016 મકાનોને નોટિસ આપવામાં આવી છે. તેમણે ખાતરી આપી હતી કે, સમગ્ર મામલે ગોકુલધામ આવાસ યોજના સહિતના તમામ સ્થળોએ વસવાટ કરતા લોકો માટે જરૂર પડ્યે વૈકલ્પિક વ્યવસ્થા પણ કરવામાં આવશે. લલુડી વોંકળી વિસ્તારની સ્થિતિ અને રાજકીય માગ રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 14માં આવેલો લલુડી વોંકળી વિસ્તાર દર વર્ષે ચોમાસામાં પૂરનો સામનો કરે છે, અને અહીંના રહેવાસીઓને સ્થળાંતર કરવું પડે છે. આ સ્થિતિમાં RMC દ્વારા ચોમાસા પહેલા આ વિસ્તારના 700થી વધુ પરિવારોના દબાણો હટાવવા માટે નોટિસ આપવામાં આવી છે. આ નોટિસને પગલે આસામીઓમાં દોડધામ મચી ગઈ છે. લલુડી વોંકળીમાં 27 મેના રોજ 700થી વધુ પરિવારોને નોટિસ પાઠવવામાં આવી હતી, જે ત્રણ દાયકાથી વધુ સમયથી વસવાટ કરે છે. આ દબાણો વરસાદી પાણીના નિકાલમાં અવરોધરૂપ હોવાથી નોટિસ આપવામાં આવી છે. જોકે કોંગ્રેસ દ્વારા અહીં વસવાટ કરતા લોકો માટે વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવા માંગ કરાઈ છે. ‘દબાણ હટાવતા પહેલા આસામીઓને આવાસ યોજનામાં સામેલ કરો’ કોંગ્રેસના પ્રમુખ અતુલ રાજાણીએ કમિશનરને પત્ર લખીને રજૂઆત કરી છે કે, રાજકોટ શહેરના અનેક વિસ્તારોમાં આવાસ ખંડેર બની ગયા છે અને વર્ષોથી કોઈને ફાળવવામાં આવ્યા નથી. લલુડી વોંકળીની બાજુમાં આવેલા સોરઠીયાવાડીમાં પણ છેલ્લા 3-4 વર્ષથી આવાસો ધૂળ ખાઈ રહ્યા છે. અન્ય સ્થળોએ પણ જે આવાસો ખાલી છે, તેમાં લલુડી વોંકળીમાં વસવાટ કરતા અને જેમને નોટિસ આપવામાં આવી છે, તેમના આશિયાના દૂર કરતા પહેલા સમાવી લેવા જોઈએ. આ સાથે કોંગ્રેસે માગ કરી છે કે, દબાણ હટાવતા પહેલા આસામીઓને આવાસ યોજનામાં સામેલ કરી વૈકલ્પિક વ્યવસ્થા પૂરી પાડવામાં આવે તે જરૂરી છે. ચોમાસા પૂર્વે દર વર્ષે નોટિસો આપવામાં આવે છે ઉલ્લેખનીય છે કે, જર્જરિત બાંધકામોને ચોમાસા પૂર્વે મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે નોટિસો આપવામાં આવે છે. જોકે આવા સ્થળોએ વસવાટ કરતા લોકો આર્થિક રીતે સક્ષમ નહીં હોવાથી આવી નોટિસની અવગણના કરતા હોય છે. જેના કારણે ભારે વરસાદના સમયમાં ક્યારેક મોટું નુકસાન કે જાનહાનિ થવાની શક્યતા પણ રહેતી હોય છે. ત્યારે મહાનગરપાલિકા તંત્ર દ્વારા માત્ર નોટિસ આપીને બેસી રહેવાને બદલે આવા બાંધકામો ખાલી કરાવવામાં આવે અને ત્યાં રહેતા લોકો માટે અગાઉથી જ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તે પણ જરૂરી છે.

What's Your Reaction?






