વડોદરા સુધી પહોંચતા પૂરને નિયંત્રણમાં રાખવા બફર લેક તૈયાર:100 દિવસમાં 3 હેકટરમાં બનેલા તળાવમાં 25 કરોડ લિટર પાણીનો સંગ્રહ થશે, સમજો કઈ રીતે પાણીને રોકાશે?
વડોદરાને વિશ્વામિત્રી નદીના પૂરના પાણીથી બચાવવા માટે ચાલી રહેલી પ્રોજેક્ટ માટે રાજ્ય સરકારે 1200 કરોડની ફાળવણી કરી છે. હાલ પ્રથમ ફેઝની કામગીરી ચાલી રહી છે. વિશ્વામિત્રી નદીમાં દર વર્ષે આવતા પૂર પર નિયંત્રણ લાવી શકાય તે માટે અલગ અલગ પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. તે પૈકીનો એક પ્રોજેક્ટ સૂર્યા નદી કિનારે બફર લેક બનાવવાનો હતો જે માત્ર 100 દિવસમાં બનીને તૈયાર થઈ ગયું છે. દેણા સૂર્યા નદી કાંઠે 3 હેકટરમાં તૈયાર કરાયેલા આ બફર લેકમાં 25 કરોડ લિટર પાણીનો સંગ્રહ કરાશે જેના કારણે ચોમાસા દરમિયાન વડોદરા શહેર તરફ આવતા પાણીને મહદઅંશે નિયંત્રિત કરી શકાશે. નોંધનીય છે કે, વિશ્વામિત્રી પૂર નિયંત્રણ સમિતિ દ્વારા અહીં બફરલેક બનાવવાનું સૂચન કરાયું હતું જે હાલ બનીને તૈયાર થઈ ગયું છે. દેણા ગામની સીમમાં સૂર્યા નદીના કાંઠે બફર લેક તૈયાર આ બફર લેક અંગેની માહિતી આપતા વડોદરા કોર્પોરેશનના વિભાગના એડિશનલ સિટી એન્જિનિયર ( પાણી પુરવઠા વિભાગ ) ધાર્મિક દવેએ જણાવ્યું હતું કે, પૂર નિયંત્રણ સમિતિ દ્વારા વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંતર્ગત વિશ્વામિત્રી નદીમાં પૂરને નિયંત્રણમાં રાખવા માટે દેણા ગામની સીમમાં સૂર્યા નદીના કિનારે બફર લેક બનાવવાનું સુચન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત બફર લેક બનાવવામાં આવ્યું છે. આ પણ વાંચોઃ વિશ્વામિત્રીનું 1200 કરોડમાં કેવી રીતે નવસર્જન થશે? તેમણે વધુમાં જણાવ્યું હતું કે, તા. 24 ફેબ્રુઆરી 2025 ના રોજ 5 હેક્ટરમાં બફર લેક બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. જે નિર્ધારીત 100 દિવસમાં પૂરું કરી દેવામાં આવ્યું છે. આ બફર લેક 5 હેક્ટર જમીન પૈકી 3 હેક્ટર જમીનમાં બનાવવામાં આવ્યું. આ લેક 5 મીટર ઉંડું બનાવવામાં આવ્યું છે. જેનો ઘેરાવ 3 હેક્ટર જમીનમાં છે. આ બફર લેક બનાવવા માટે 3 પોલેન્ડ મશીન અને 70 ડમ્પર કામમાં લાગ્યા હતા. આ બફર લેક CSR ફંડ અને સરકારની સુજલામ સુફલામ્ યોજના અંતર્ગત બનાવવામાં આવ્યું છે. આ રીતે પાણીને વડોદરા સુધી પહોંચતા અટકાવાશે એડિશનલ સિટી એન્જિનિયર ( પાણી પુરવઠા વિભાગ ) ધાર્મિક દવેના જણાવ્યા પ્રમાણે, આજવા સરોવરમાંથી છોડવામાં આવતું પાણી સૂર્યા નદીમાં આવે છે. આ સૂર્યા નદી દેણા ગામ પાસે વિશ્વામિત્રીને મળે તે પહેલાં સૂર્યા નદીના કિનારે વિશાળ બફર લેક બનાવવામાં આવ્યું છે. જેથી આજવા સરોવરમાંથી છોડવામાં આવતું પાણી અત્યાર સુધી સૂર્યા નદીમાં અને ત્યાંથી વિશ્વામિત્રીમાં જતું હતું. તે પૈકીના 25 કરોડ લિટર પાણીને આ લેકમાં રોકી લેવાશે. તેમણે જણાવ્યું કે, આગામી વર્ષોમાં આ બફર લેક નજીક ચેક ડેમ બનાવવામાં આવશે. હાલ ચેકડેમ છે. પરંતુ, આ ચેકડેમ જર્જરીત થઇ ગયો હોવાથી નવો બનાવવાનો છે. જેની મંજૂરી સરકાર પાસે માંગવામાં આવી છે. ચેકડેમ ચેકડેમ નવો બની ગયા બાદ આ બફર લેકમાં 100 ટકા એટલે કે 25 કરોડ લિટર પાણી સંગ્રહ થશે. આ વખતે 60 ટકા પાણી સંગ્રહ થશે. આગામી સમયમાં આ બફર લેક ખાતે WTP બનાવવામાં આવશે. આ શુધ્ધ થનાર પાણી વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં પૂરું પાડવામાં આવશે.

What's Your Reaction?






