સોમનાથથી ઘરે પરત ફરતા બે સાઢુભાઈના અકસ્માતમાં મોત, CCTV:અસ્થિ વિસર્જનની વિધિ પતાવી ઘરે પરત ફરતા હતા, ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર મેટાડોર સાથે ધડાકાભેર ટકરાઈ
રાજકોટના એક યુવાન તેમના ભાઇ, સાળા અને સાઢુભાઇને સાથે લઇ પત્નીના અસ્થિનું વિસર્જન કરવા સોમનાથ ગયા હતા અને પરત ફરતા સમયે એકાએક અકસ્માતનો ભોગ બન્યા. જેતપુરના સાંકળી ગામ નજીક કાર ડિવાઈડર સાથે અથડાઈ અને પછી નજીક ઊભેલા આઈસર ટ્રક સાથે ટકરાઈ, જેમાં બે સાઢુભાઈઓનું મોત નીપજ્યું છે. જ્યારે યુવાનના ભાઇ અને સાળાને ગંભીર ઇજાના પગલે સારવાર હેઠળ રખાયા હતા. પત્નીના વિસર્જન માટે સોમનાથ કાર લઈને ગયા હતા રાજકોટ રહેતા જયભાઈ દિલીપભાઈ રાજદેવના પત્ની નિષ્ઠાબેનનું અઠવાડિયા પૂર્વે બીમારી સબબ મોત નીપજ્યું હતું. જેથી મૃતકની તમામ વિધિ બાદ તેમના અસ્થિ સોમનાથ ખાતે વિસર્જન કરવાનું નક્કી કર્યું. જેમાં ગઈકાલે સવારે જય તેનો નાનો ભાઈ વિશાલ, મુંબઇ રહેતા જયભાઈના સાઢુભાઈ અભય પ્રવીણભાઈ દવે અને રાજકોટ રહેતો સાળો નીરવ દિલીપભાઈ ત્રિવેદી એમ ચારેય નીરવની કાર લઈને નીકળ્યાં હતાં. કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો સોમનાથ અસ્થિ વિસર્જન કર્યા બાદ બપોરના એક વાગ્યે સોમનાથથી રાજકોટ પરત આવવા કાર મારફત નીકળ્યા હતાં. જેમાં તેઓ જૂનાગઢ નેશનલ હાઇ-વે પર જેતપુર તાલુકાના નવી સાંકળી ગામના પાટીયા પાસે પહોંચતા કારચાલકે કોઈ કારણોસર સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ત્યાં ડિવાઈડર સાથે ટકરાઈ ત્યાં આવેલી ગજાનન હોટલ પાસે ઉભેલા આઈશર મેટાડોર સાથે ધડાકાભેર ટકરાઈ હતી. આસપાસના લોકોએ 108 બોલાવી ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડ્યા હોટલ પાસે જ એકાએક જોરદાર ધડાકો સંભળાયો અને ધૂળની ડમરીઓ ઉડતા ત્યાં હોટલે બેઠેલા લોકો તરત જ કાર પાસે દોડીને આવ્યા હતાં અને કારમાં સવાર ચારેય લોકોને બહાર કાઢી 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સને ફોન કરતા એક એમ્બ્યુલન્સ જૂનાગઢથી આવી અને બીજી જેતપુરથી દોડી આવી હતી. કાર અકસ્માતમાં બે સગા સાઢુભાઈના મોત નિપજ્યા જેતપુરની એમ્બ્યુલન્સમાં જયભાઈ અને તેના ભાઈ વિશાલને સારવાર માટે જેતપુર સરકારી હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા જ્યાં જેમાં ફરજ પરના ડોકટરે જયભાઈને મૃત જાહેર કર્યો અને વિશાલભાઇને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે રીફર કરવામાં આવ્યા હતાં. જ્યારે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે અભયભાઈને સારવાર મળે તે પૂર્વે જ તેમનું મોત નીપજ્યું અને નિરવભાઈને ત્યાં સારવાર આપવામાં આવી હતી. આમ કાર અકસ્માતમાં બે સગા સાઢુભાઈના મોત નિપજ્યા હતાં. ત્રીજા સાઢુભાઇ પણ જોડાવાના હતા, પત્નીને કામ આવી જતાં બન્ને ન ગયા! અકસ્માતના સમાચાર સાંભળી રાજકોટથી જેતપુર સરકારી હોસ્પિટલ પહોંચેલા અને મૃતક બંને સાઢુભાઈના ત્રીજા સાઢુભાઈ દીપેશભાઈ રાવલે જણાવ્યું હતું કે, તેઓ પણ અસ્થિ વિસર્જન માટે આવવાના હતા પરંતુ તેમના પત્નીને કામ આવી જતા તેઓ અસ્થિ વિસર્જનમાં જઈ શક્યા ન હતાં, જેથી તેઓનો ચમત્કારિક બચાવ થયો હતો. બંને મૃતકો સંબંધમાં તેમના સાઢુભાઈ થાય, જ્યારે ઇજાગ્રસ્ત નિરવભાઈ ત્રિવેદી ત્રણેયનો સાળો થાય છે અને બીજા ઇજાગ્રસ્ત વિશાલભાઈ મૃતક જયભાઈના નાના ભાઈ થાય છે. બનાવની કરૂણતા એ છે કે બંને મૃતક સાઢુભાઈઓને સંતાનમાં એક એક દીકરી છે અને હવે એક દીકરી માતાપિતા વિહોણી જ્યારે બીજી દીકરી પિતા વિહોણી થઈ ગઈ હતી. ઘટનાના પગલે કોણ કોને આશ્વાસન આપે તેવી સ્થિતિ સર્જાઇ છે.

What's Your Reaction?






