ટીવી સિરીયલના 'મહાદેવ' ફિલ્મમાં દેખાશે!:નિતેશ તિવારીની 'રામાયણ'માં મોહિત રૈનીની એન્ટ્રી, કાસ્ટિંગ લગભગ ફાઈનલ
નિતેશ તિવારીની મેગા બજેટ ફિલ્મ 'રામાયણ' હાલમાં ચર્ચામાં છે. થોડા દિવસ પહેલા ફિલ્મના સેટ પરથી લંકાપતિ રાવણનું પાત્ર ભજવનાર સાઉથ સુપરસ્ટાર યશની તસવીર સામે આવી હતી. તેવામાં ફિલ્મમાં ભગવાન શિવની ભૂમિકા ટીવી અને ફિલ્મ એક્ટર મોહિત રૈના ભજવી શકે તેવા અહેવાલ છે. મોહિત રૈનાએ ટીવી પર ભગવાન શંકરની ભૂમિકા ભજવી ઘરે ઘરે લોકપ્રિયતા મેળવી છે. ઇન્ડિયા ફોરમ (એન્ટરટેઇનમેન્ટ વેબસાઇટ) અનુસાર, મોહિત રૈના અને મેકર્સ વચ્ચે ફિલ્મ 'રામાયણ'માં ભગવાન શિવની ભૂમિકા ભજવવા માટે વાતચીત ચાલી રહી છે. વાતચીત અંતિમ તબક્કામાં હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. જોકે, આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. મોહિત રૈનાએ ટીવી શો 'દેવોં કે દેવ...મહાદેવ' (2011-2014)માં ભગવાન શિવની ભૂમિકા ભજવી હતી. આ તેની કારકિર્દીની અત્યાર સુધીની સૌથી પ્રતિષ્ઠિત ભૂમિકા રહી છે. મોહિતના શાંત છતાં સરળ અને શક્તિશાળી અભિનયથી મહાદેવના પાત્રને વધુ વાસ્તવિક અને ભાવનાત્મક બનાવ્યું હતું. આ સ્ટાર્સ ફિલ્મ 'રામાયણ'માં જોવા મળશે ફિલ્મ 'રામાયણ'માં રણબીર કપૂર ભગવાન રામની ભૂમિકા ભજવી રહ્યો છે અને સાઈ પલ્લવી માતા સીતાની ભૂમિકા ભજવી રહી છે. ફિલ્મમાં યશ રાવણની ભૂમિકા ભજવશે, જ્યારે સની દેઓલ હનુમાનજીની ભૂમિકા ભજવશે તેવું જાણવા મળ્યું છે. ફિલ્મમાં લારા દત્તા કૈકેયીના રોલમાં અને શીબા ચઢ્ઢા મંથરાના રોલમાં જોવા મળશે. રવિ દુબે લક્ષ્મણની ભૂમિકા ભજવશે, જ્યારે અરુણ ગોવિલ રાજા દશરથની ભૂમિકામાં જોવા મળશે. ઉપરાંત કાજલ અગ્રવાલ રાવણના પત્ની મંદોદરીની ભૂમિકા ભજવશે. ફિલ્મમાં ઇન્દ્રદેવની ભૂમિકા ભજવનાર એક્ટર કુણાલ કપૂરે ન્યૂઝ18 શોશા (એન્ટરટેઇનમેન્ટ વેબસાઇટ) સાથેની વાતચીતમાં કહ્યું, 'આ આપણા સાંસ્કૃતિક વારસા માટે ખૂબ જ મહત્વપૂર્ણ ફિલ્મ છે. આ આપણી સાંસ્કૃતિક વિચારસરણી અને મૂલ્યોનો એક મહત્વપૂર્ણ ભાગ છે. મારું માનવું છે કે આવા વિષયોને તે ભવ્યતા અને સ્તર આપવું જોઈએ, જે તેમની લાયક છે. આ ફિલ્મ એવા સ્તરે બનાવવામાં આવી રહી છે, જે આપણે પહેલાં ક્યારેય જોઈ નથી.' 'રામાયણ' બે ભાગમાં રિલીઝ થશે ફિલ્મ 'રામાયણ' બે ભાગમાં રિલીઝ થશે. પહેલો ભાગ દિવાળી 2026ના અવસર પર રજૂ થશે અને બીજો ભાગ દિવાળી 2027ના પર્વે રિલીઝ થશે. જોકે, હજુ સુધી તારીખો જાહેર કરવામાં આવી નથી.

What's Your Reaction?






