દમણમાં લગ્નમાં ચોરી કરનાર 'બેન્ડ બાજા બારાત' ગેંગનો સાગરીત ઝડપાયો:15થી વધુ ગુનામાં વોન્ટેડ આરોપી મધ્યપ્રદેશથી પકડાયો, હીરા-સોનાની ચોરી કરી ફરાર થયો હતો
દમણના નાની દમણ સ્થિત હોટલ સીદાદે ખાતે યોજાયેલા લગ્ન સમારંભમાં થયેલી ચોરીના કેસમાં પોલીસે મોટી સફળતા મેળવી છે. પોલીસે મધ્યપ્રદેશથી મુખ્ય આરોપી બોબી દિનેશ સાંસી (22)ની ધરપકડ કરી છે. 4 ફેબ્રુઆરી 2025ના રોજ વલસાડ નિવાસી જયકુમાર ટિકમાણીની પુત્રીના લગ્નમાં દુલ્હનના પર્સમાંથી હીરા જડિત સોનાનું મંગળસૂત્ર, વીંટી, મોબાઇલ ફોન અને રોકડની ચોરી થઈ હતી. આ મામલે કોસ્ટલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. જિલ્લા પોલીસ અધિક્ષક કેતન બંસલ અને SDPO તનુ શર્માના માર્ગદર્શન હેઠળ પોલીસે CCTV ફૂટેજ અને બાતમીદારોની મદદથી તપાસ શરૂ કરી. ટેકનિકલ સર્વેલન્સથી આરોપીની ઓળખ થઈ હતી. આરોપી સામે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશમાં 15થી વધુ ચોરીના ગુના નોંધાયેલા છે. તે બરેલીમાં પણ વોન્ટેડ છે. પોલીસે આરોપી પાસેથી ચોરી કરેલું સોનાનું મંગળસૂત્ર, વીંટી અને રોકડ રકમ જપ્ત કરી છે. 'બેન્ડ બાજા બારાત' ગેંગની કાર્યપદ્ધતિ એવી છે કે તેઓ સારા કપડાં પહેરીને લગ્ન પ્રસંગોમાં મહેમાન તરીકે ભળી જાય છે. ખાસ કરીને મહિલાઓના પર્સ અને કિંમતી સામાન પર નજર રાખી ચોરી કરે છે. પોલીસે લોકોને અજાણ્યા વ્યક્તિઓથી સાવધ રહેવા અને કિંમતી વસ્તુઓ સાચવીને રાખવા સૂચના આપી છે.

What's Your Reaction?






