રથયાત્રા પહેલાં જળયાત્રા થશે:ભવ્ય બેન્ડવાજા સાથે શોભાયાત્રા સ્વરૂપે નદીમાંથી જળ લાવી ભગવાનનો જળાભિષેક થશે, રથના કલરની કામગીરી પૂર્ણ
ભગવાન જગન્નાથની 148મી રથયાત્રાને લઈને તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. ભગવાન જગન્નાથ, બલરામ અને બહેન સુભદ્રાજીના ત્રણેય રથના કલરની કામગીરી પુરી થઈ ચૂકી છે. એક અઠવાડિયા બાદ 11 જૂનના રોજ ભગવાનની જળયાત્રા યોજાશે. સાબરમતી નદીમાંથી જળ ભરીને ભગવાનનો મહા જળાભિષેક કરાશે. મિની રથયાત્રા તરીકે ઓળખાતી આ જળયાત્રામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના ભાજપના નેતાઓ હાજર રહેશે. ભગવાન વર્ષમાં એકવાર ગજવેશ ધારણ કરતા હોય છે ત્યારે જળયાત્રાના દિવસે ભગવાનને ગજવેશ ધારણ કરાવવામાં આવશે. શોભાયાત્રા મંદિરેથી પાછળ સાબરમતી નદીના ભુદરના આરે પહોંચશે ભગવાન જગન્નાથની રથયાત્રા પહેલાં જળયાત્રા યોજાતી હોય છે. 11 જૂનના રોજ સવારે 8 વાગ્યે આ શોભાયાત્રાનો પ્રારંભ થશે. જેમાં હાથી, બેન્ડવાજા, ધજા પતાકા, ભજન મંડળી અને નાના અખાડા સાથે મિની રથયાત્રા સ્વરૂપે યોજાતી શોભાયાત્રા મંદિરેથી પાછળ સાબરમતી નદીના ભુદરના આરે પહોંચશે. સાબરમતી નદીના કિનારે ગંગા પૂજન વિધિ કરવામાં આવશે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મેયર પ્રતિભા જૈન સહિત તમામ ધારાસભ્યો પૂજા વિધિમાં જોડાશે. જળયાત્રા બાદ ત્રણેય ભાઈ-બહેન સરસપુર મામાના ઘરે જશે પૂજા વિધિ બાદ મંદિરના મહંત દિલીપદાસજી, ટ્રસ્ટી મહેન્દ્ર ઝા સહિતના સંતો મહંતોની હાજરીમાં સાબરમતી નદીમાંથી જળ ભરવામાં આવશે. 108 કળશમાં જળ ભરીને મંદિરે લાવવામાં આવશે ત્યારબાદ ભગવાનનો ભવ્ય જળાભિષેક કરવામાં આવશે. ભગવાનના જળાભિષેક બાદ ભગવાનને ગજવેશ પહેરાવવામાં આવશે. ત્યારબાદ ભગવાનનો મહાપ્રસાદ યોજાશે. જળયાત્રા બાદ ત્રણેય ભાઈ બહેન સરસપુર ખાતે મામાના ઘરે જશે. રથને ઓટો ફિનિશ કલર કરાયો ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને તૈયારી થઈ રહી છે જેમાં રથને કલર કરવામાં આવ્યા છે. ઓરિસ્સાના પુરી ખાતે જગન્નાથ મંદિરના ત્રણેય રથના કલર મુજબ અમદાવાદના જમાલપુર જગન્નાથ મંદિરના ત્રણેય રથને કલર કરવામાં આવ્યો છે. ખાસ કરીને રથને ઓટો ફિનિશ કલર કરવામાં આવ્યા છે. સૂર્યપ્રકાશથી ઝળહળે એવા ચમકીલા બનાવવામાં આવ્યા છે. ભગવાન જગન્નાથના રથને પીળો, બહેન સુભદ્રાજીના રથને લાલ અને ભગવાન બલરામના રથને લીલા કલરના બનાવવામાં આવ્યા છે. દરેક રથમાં કલરનું અલગ મહત્વ રથનું કલર કામ કરનાર જયકિશનભાઈએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને ત્રણેય રથની તૈયારી શરૂ કરવામાં આવી હતી. જેના ભાગરૂપે ભગવાનના ત્રણેય રથને એક મહિના પહેલા કલર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. ત્રણેય રથને અલગ કલરથી સજાવવામાં આવ્યા છે. દરેક રથમાં કલરનું અલગ મહત્વ રહેલું છે. ભગવાન જગન્નાથનો નંદીઘોષ તરીકે ઓળખાતો રથ જે સૂર્યનું પ્રતીક ગણાય એવા પીળા કલરનો કરવામાં આવ્યો છે. જ્યારે બહેન સુભદ્રાજીનો દેવદલન તરીકે ઓળખાતો રથ લાલ રંગથી સજાવવામાં આવ્યો છે. હવે રથના પૈડાના સમારકામ થશે વધુમાં તેઓએ જણાવ્યું હતું કે ભગવાન બલરામના તાલધ્વજ તરીકે ઓળખાતા રથને એકતાના પ્રતિક ગણાતા એવા લીલા કલરનો રંગ કરવામાં આવ્યો છે. ત્રણેય રથ નવા છે ત્યારે રથમાં ઓટો ફિનિશ કલરથી કલર કામ કરવામાં આવ્યું છે જેની ખાસિયત છે કે આ કલર લાંબો સમય સુધી ચાલતા હોય છે અને તેની ઉપર લેમિનેશેન એટલે કે ચમકીલા દેખાય તેવી ફિનિશિંગ કરવામાં આવે છે. કલરની કામગીરી મોટાભાગની પૂર્ણ થઈ ચૂકી છે આ કામગીરી પૂર્ણ થઈ જતા હવે રથના પૈડાના સમારકામ થશે જેથી તેને કલર કરવામાં આવશે. દરેક રથની પાછળ ભગવાન શ્રીકૃષ્ણ અને જગન્નાથજીના દર્શન થાય તે મુજબ રથ બનાવેલા છે જેથી ત્યાં પણ ફિનિશિગ સાથે કલર કરાયા છે.

What's Your Reaction?






