બે ક્લાઈમેક્સ સાથે રિલીઝ થઈ 'હાઉસફુલ 5':કોમેડી, સસ્પેન્સ અને ગ્લેમરનો શણગાર, લંબાઈને બાદ કરી તો પૈસા વસૂલ ફિલ્મ
અક્ષય કુમાર, અભિષેક બચ્ચન અને રિતેશ દેશમુખ ઉપરાંત, લગભગ એક ડઝન સ્ટાર્સ અભિનીત ફિલ્મ 'હાઉસફુલ 5' આજે રિલીઝ થઈ છે. સાજિદ નડિયાદવાલાના પ્રોડક્શન હાઉસની આ ફિલ્મનું ડિરેક્શન તરુણ મનસુખાની દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મની લંબાઈ 2 કલાક 45 મિનિટ છે. દિવ્ય ભાસ્કરે આ ફિલ્મને 5 માંથી 3.5 સ્ટાર રેટિંગ આપ્યા છે. ફિલ્મની સ્ટોરી કેવી છે? આ ફિલ્મ એક લકઝરી જહાજ પર શરૂ થાય છે, જ્યાં યુકેના અબજોપતિ રણજીત ડોબરિયાલ તેમના 100મા જન્મદિવસે મૃત્યુ પામે છે. તેમના વસિયતનામામાં કહેવામાં આવ્યું છે કે બધી સંપત્તિ જોલીને આપવામાં આવશે, પરંતુ ટ્વિસ્ટ એ છે કે એક નહીં પણ ત્રણ જોલી દાવો કરે છે ઓરિજનલ જોલી તેમાંથી કોઈ એક છે. DNA ટેસ્ટ માટે તૈયારીઓ કરવામાં આવે છે, ત્યાં ડૉક્ટરની હત્યા થઈ જાય છે. હવે રિયલ જોલી કોણ છે અને ખૂની કોણ છે, ફિલ્મનું સસ્પેન્સ અહીંથી શરૂ થાય છે. મજાની વાત એવી છે કે આ વખતે ફિલ્મ માટે બે અલગ-અલગ ક્લાઇમેક્સ બનાવવામાં આવ્યા છે. હાઉસફુલ 5A અને હાઉસફુલ 5B, જે દર્શકોને અલગ અલગ ક્લાઇમેક્સની મજા આપશે. સ્ટાર કાસ્ટની એક્ટિંગ કેવી છે? અક્ષય કુમારે ફરી એકવાર સાબિત કરી દીધું છે કે કોમિક ટાઇમિંગમાં તેનો કોઈ મુકાબલો નથી. રિતેશ દેશમુખ અને અભિષેક બચ્ચન પણ પોતાના પાર્ટમાં મજા કરાવી દે છે. અભિષેક બચ્ચનની ચોંકાવનારી કોમેડી જોવાની મજા આવશે. સોનમ બાજવા, જેક્લીન, નરગીસ ફખરીએ સ્ક્રિપ્ટને કોમેડી કરતાં ગ્લેમરથી વધુ શણગારી છે. કો-એક્ટરમાં શ્રેયસ તલપડે, ચંકી પાંડે, જોની લીવર, ડીનો મોરિયા, ચિત્રાંગદા સિંહ જેવા ચહેરાઓ એક પરિચિત અનુભૂતિ આપે છે. પરંતુ વાસ્તવિક '‘icing on the cake' છે, જેકી શ્રોફની ભીડું, સંજય દત્તની બાબા અને નાના પાટેકરની દગડુના રૂપમાં એન્ટ્રી. જ્યારે ફરદીન ખાને નેગેટિવ ભૂમિકામાં એક અલગ સ્ટાઈલ બતાવી રહ્યો છે, ત્યારે ફિલ્મમાં બોબી દેઓલની એન્ટ્રી પણ શાનદાર છે. ફિલ્મનું ડિરેક્શન કેવું છે? તરુણ મનસુખાનીનું ડિરેક્શન ફિલ્મને કેટલીક જગ્યાએ ફ્રેન્ચાઇઝીથી ઉપર લઈ જવાનો પ્રયાસ કરે છે, અને કેટલાક સીનમાં તે થોડું કંટાળાજનક પણ લાગે છે. પરંતુ એક ટ્વિસ્ટ અને બે ક્લાઇમેક્સનો ખ્યાલ ફ્રેશ લાગી રહ્યો લાગે છે. ફરહાદ સામજીનું લેખન તમને ક્યારેક હસાવશે અને ક્યારેક રડાવી દેશે. પરંતુ અક્ષય જેવા કલાકારોની ડિલિવરી ફિલ્મને સંભાળી લે છે. કેટલાક કંટાળાજનક સીનને કારણે ફિલ્મ લાંબી લાગશે, જો તે દૂર કરવામાં આવ્યા હોત તો ફિલ્મ વધુ નાની અને મનોરંજક બની શકી હોત. ફિલ્મનું મ્યૂઝિક કેવું છે? ગીતોની વાત કરીએ તો, 'લાલપરી' અને 'ફુગડી' પહેલાથી જ ટ્રેન્ડમાં છે, બાકીના ગીતો એટલા ખાસ નથી. હા, ગીતો અચાનક વચ્ચે-વચ્ચે આવ્યાં કરે છે જે ફિલ્મને સ્લો પાડે છે. બેકગ્રાઉન્ડ સ્કોર સીનના મૂડ અનુસાર સેટ કરવામાં આવ્યો છે, જે કોમેડી અને સસ્પેન્સ બંનેને કેદ કરે છે. અંતિમ ચુકાદો, ફિલ્મ જોવી કે નહીં? જો તમે અક્ષય-રિતેશનો કોમિક ટાઈમિંગ, વિચિત્ર પાત્રો, ગ્લેમરસ સીન અને સસ્પેન્સ ક્લાઈમેક્સને પસંદ કરો છો, તો આ ફિલ્મ તમારા માટે વીકએન્ડનો બુસ્ટર ડોઝ સાબિત થઈ શકે છે. ક્લાઇમૅક્સ સસ્પેન્સ સાથે કોમેડી તો છે જ પરંતુ એક નવો ટ્વિસ્ટ પણ ઉમેરવામાં આવ્યો છે. એટલે કે, આ નવી એન્ટ્રીને જોવા માટે તમારે સિનેમા હોલ સુધી જવું પડશે.

What's Your Reaction?






