US કોર્ટે ટ્રમ્પની પાંખો કાપી:જે ટેરિફથી દેશોને ધમકાવ્યા એના પર કોર્ટે રોક લગાવી, કડક શબ્દોમાં કહ્યું- રાષ્ટ્રપતિએ પોતાની સત્તાનો દુરુપયોગ કર્યો
ફેડરલ ટ્રેડ કોર્ટે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ પર સ્ટે મૂક્યો છે, એને ગેરબંધારણીય ગણાવ્યો છે. કોર્ટે સ્પષ્ટપણે કહ્યું હતું કે ટ્રમ્પે પોતાની સત્તાનો દુરુપયોગ કર્યો અને બંધારણના કાર્યક્ષેત્રની બહાર જઈને આ ટેરિફ લાદવાનો પ્રયાસ કર્યો. મેનહટનમાં ફેડરલ કોર્ટ ઓફ ઇન્ટરનેશનલ ટ્રેડે ટ્રમ્પના આ પગલાને ગેરકાયદે જાહેર કર્યું. કોર્ટની ત્રણ ન્યાયાધીશની બેન્ચે કહ્યું હતું કે ટ્રમ્પે ઇન્ટરનેશનલ ઇમર્જન્સી ઇકોનોમિક પાવર્સ એક્ટ (IEEPA)નો દુરુપયોગ કર્યો છે. આ કાયદો કટોકટી દરમિયાન રાષ્ટ્રપતિને ચોક્કસ સત્તાઓ આપે છે, પરંતુ કોર્ટે સ્વીકાર્યું કે ટ્રમ્પે કોઈ નક્કર આધાર વિના એનો ઉપયોગ કર્યો. આ ચુકાદો બે કેસના આધારે આપવામાં આવ્યો: બંનેએ દલીલ કરી હતી કે ટેરિફ નાના વ્યવસાયોને નુકસાન પહોંચાડી રહ્યા છે, કારણ કે આયાતી માલના ભાવ વધવાથી એના ખર્ચમાં વધારો થઈ રહ્યો છે. કોર્ટે આ દલીલો સ્વીકારી અને ઠરાવ્યું કે રાષ્ટ્રપતિ પાસે આટલા મોટા ટેરિફ લાદવાનો બંધારણીય અધિકાર નથી. ટ્રમ્પ વહીવટીતંત્ર કોર્ટના નિર્ણય સામે અપીલ કરશે ટ્રમ્પ વહીવટીતંત્રે કહ્યું હતુંછે કે તે તાત્કાલિક આ નિર્ણય સામે અપીલ કરશે. ટ્રમ્પે તેમની સોશિયલ મીડિયા સાઇટ્સ પર દાવો કર્યો હતો કે અમેરિકાને ફરીથી મહાન બનાવવા માટે તેમની ટેરિફ નીતિ જરૂરી હતી. જોકે કોર્ટે સૂચવ્યું હતું કે ટ્રમ્પ ટ્રેડ એક્ટ 1974ની કલમ 122 હેઠળ 150 દિવસ માટે 15% સુધીના ટેરિફ લાદી શકે છે, પરંતુ આ માટે પણ નક્કર આધારની જરૂર છે. હવે શું? 2 એપ્રિલના રોજ ટ્રમ્પે વિશ્વભરના ઘણા દેશો પર ટેરિફ લાદ્યા હતા 2 એપ્રિલ, 2025ના રોજ ટ્રમ્પે તેને 'લિબરેશન ડે' નામ આપ્યું અને વિશ્વભરના 100થી વધુ દેશોમાંથી આવતા માલ પર નવા ટેરિફની જાહેરાત કરી. તેમણે દાવો કર્યો હતો કે આ ટેરિફ અમેરિકન અર્થતંત્રને મજબૂત બનાવશે અને તે દેશોને પાઠ શીખવશે, જે અમેરિકા પાસેથી ઓછો માલ ખરીદે છે અને વધુ વેચે છે, જોકે બાદમાં ચીન સિવાયના તમામ દેશો પર ટેરિફ 90 દિવસ માટે પ્રતિબંધિત કરવામાં આવ્યો હતો. ટ્રમ્પના ટેરિફના જવાબમાં ચીને પણ ટેરિફ લાદ્યો હતો અને તેથી ચીનને ટેરિફમાંથી રાહત આપવામાં આવી હતી. ચીનનો ટેરિફ વધારીને 145% કરવામાં આવ્યો. વાતચીત પછી ચીન પરના ટેરિફ પણ ઘટાડવામાં આવ્યા હતા. ભારત પરના ટેરિફ અંગે ટ્રમ્પે કહ્યું હતું કે ભારત અમેરિકા પર 52% સુધીનો ટેરિફ લાદે છે, તેથી અમેરિકા ભારત પર 26% ટેરિફ લાદશે. અમે અન્ય દેશો અમારી પાસેથી જે ટેરિફ વસૂલ કરી રહ્યા છે એના કરતાં લગભગ અડધો ટેરિફ વસૂલ કરીશું. તેથી ટેરિફ સંપૂર્ણપણે પારસ્પરિક રહેશે નહીં. હું તે કરી શકું છું, પરંતુ ઘણા દેશો માટે એ મુશ્કેલ હશે. અમે આ કરવા માગતા ન હતા. ટેરિફ શું છે? ટેરિફ એ બીજા દેશમાંથી આવતા માલ પર લાદવામાં આવતો કર છે. જે કંપનીઓ વિદેશી માલ દેશમાં લાવે છે તેઓ આ કર સરકારને ચૂકવે છે. આ વાતને એક ઉદાહરણથી સમજો... પારસ્પરિક ટેરિફનો અર્થ શું છે? પારસ્પરિક એટલે સ્કેલની બંને બાજુઓને સમાન બનાવવી, એટલે કે જો એક બાજુ 1 કિલો વજન હોય તો બીજી બાજુ પણ 1 કિલો વજન મૂકો, જેથી એ બરાબર થાય. ટ્રમ્પ ફક્ત આ વધારવાની વાત કરી રહ્યા છે. એનો અર્થ એ કે જો ભારત પસંદગીની વસ્તુઓ પર 100% ટેરિફ લાદે છે, તો અમેરિકા પણ સમાન ઉત્પાદનો પર 100% ટેરિફ લાદશે. આંતરરાષ્ટ્રીય વેપાર સંબંધિત કેસોની સુનાવણી કરે છે મેનહટનની ફેડરલ કોર્ટ મેનહટનમાં આવેલી ફેડરલ કોર્ટ ઓફ ઇન્ટરનેશનલ ટ્રેડ (CIT) આંતરરાષ્ટ્રીય વેપાર અને કસ્ટમ કાયદાઓને લગતા કેસોની સુનાવણી કરે છે. આ કોર્ટ અમેરિકાના અર્થતંત્ર, વેપાર નીતિઓ અને વૈશ્વિક વેપારના સુગમ સંચાલનમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. એનું અધિકારક્ષેત્ર સમગ્ર યુનાઇટેડ સ્ટેટ્સમાં છે અને તે વિદેશમાં પણ કેસોની સુનાવણી કરી શકે છે. એ ખાસ કરીને યુ.એસ. કસ્ટમ્સ સર્વિસ, ટ્રેડ એડજસ્ટમેન્ટ સહાય અથવા એન્ટી-ડમ્પિંગ અને કાઉન્ટરવેલિંગ ડ્યૂટીઝને લગતા કેસોને ધ્યાનમાં લે છે.

What's Your Reaction?






