ગોધરામાં એક જ દિવસે ચાર ગુનાઓ:સગાઈ અટકાવવાની અદાવત, જ્વેલર્સમાંથી ચોરી, માથામાં પાવડો માર્યો અને બાઈક ચોરી
ગોધરામાં એક જ દિવસે ચાર અલગ-અલગ ગુનાઓની ઘટનાઓ બની છે. પ્રથમ ઘટનામાં નવા નદીસર ગામે સગાઈ અટકાવવાની અદાવતમાં મારામારી થઈ હતી. રાજુભાઈ સોમાભાઈ દેવીપૂજક અને તેમના સાથીઓએ અલ્પેશભાઈને પાવડાના દસ્તાથી કપાળ અને પગના ભાગે મારીને ઈજાઓ પહોંચાડી હતી. આ ઘટનામાં અલ્પેશભાઈના પિતા મંગળભાઈ અને અન્ય પરિવારજનોને પણ ઈજાઓ થઈ હતી. બીજી ઘટનામાં ગોધરા શહેરના જૈન દેરાસર પાસે આવેલ મદની જ્વેલર્સમાંથી અજાણ્યા શખ્સે અનસ શબ્બીર બિદાનીનો રૂ. 7 હજારની કિંમતનો મોબાઈલ ફોન ચોરી કર્યો હતો. ત્રીજી ઘટનામાં ગોલ્લાવ ગામે પારિવારિક ઝઘડામાં બાબુભાઈ કોળીએ બિજલભાઈને માથામાં પાવડો મારીને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. બિજલભાઈ અને તેમના પત્ની વચ્ચે જમવાનું બનાવવા બાબતે ઝઘડો થયો હતો. બાબુભાઈએ વચ્ચે પડીને બિજલભાઈને માથામાં અને પગમાં પાવડો મારીને ઈજાઓ પહોંચાડી હતી. ચોથી ઘટનામાં વાવડી ખુર્દ રેલવે સ્ટેશન પાસેથી મનુભાઈ તડવીની બાઈકની ચોરી થઈ હતી. સવારે પાર્ક કરેલી બાઈક સાંજ સુધીમાં ગાયબ થઈ ગઈ હતી. અજાણ્યા વાહનચોરે સ્ટીયરિંગ લોક તોડીને બાઈકની ઉઠાંતરી કરી હતી. તમામ ઘટનાઓ સંદર્ભે પોલીસે ગુના નોંધીને તપાસ શરૂ કરી છે.

What's Your Reaction?






