ફોન ઉપાડવો ભારે લાગે છે, લેપટોપને બેડ પરથી નીચે પાડ્યું:એસ્ટ્રોનોટ શુભાંશુએ કહ્યું, મને લાગ્યું કે લેપટોપ હવામાં તરશે; આ મહિને ભારત આવી શકે શુભાંશુ
ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લાએ શુક્રવારે એક ઓનલાઈન પ્રેસ-કોન્ફરન્સમાં તેમના 20 દિવસના અવકાશ મિશન અને આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશન (ISS) પર 18 દિવસના રોકાણના અનુભવો શેર કર્યા. શુક્લાએ પૃથ્વી પર ફરીથી ગુરુત્વાકર્ષણ સાથે તાલમેલ બેસાડવાનો પોતાનો અનુભવ શેર કર્યો. તેમણે કહ્યું હતું- પૃથ્વી પર પાછા ફર્યા પછી, મેં ફોટો લેવા માટે મોબાઇલ માગ્યો. જે ક્ષણે મેં મોબાઇલ પકડ્યો, મને લાગ્યું કે એ ખૂબ ભારે છે. તેણે બીજી એક ઘટના વિશે કહ્યું - હું મારા બેડ પર બેઠો હતો. મેં મારું લેપટોપ બંધ કર્યું અને તેને પલંગની બાજુમાં ધકેલી દીધું. મને લાગ્યું કે એ હવામાં તરતું રહેશે. સદનસીબે, ફ્લોર પર કાર્પેટ હતું, તેથી કોઈ નુકસાન થયું નહીં. શુભાંશુ શુક્લાનું એક્સિયમ-4 મિશન 25 જૂને ફ્લોરિડાના કેનેડી સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યું હતું અને 15 જુલાઈએ પૃથ્વી પર પાછું આવ્યું હતું. શુક્લા ઓગસ્ટના બીજા કે ત્રીજા અઠવાડિયા સુધીમાં ભારત પરત ફરે એવી અપેક્ષા છે. શુભાંશુએ કહ્યું- ભારતની બીજી ઉડાનની શરૂઆત પ્રેસ-કોન્ફરન્સમાં શુક્લાએ કહ્યું, 41 વર્ષ પછી એક ભારતીય અવકાશમાંથી પાછો ફર્યો. આ વખતે તે ફક્ત એક કૂદકો નહોતો, એ ભારતની બીજી ઉડાનની શરૂઆત હતી. આ વખતે આપણે તૈયાર છીએ. ફક્ત ઊડવા માટે નહીં, પણ નેતૃત્વ કરવા માટે. તેમણે કહ્યું હતું કે સમગ્ર અવકાશયાત્રામાં સૌથી યાદગાર ક્ષણ એ હતી જ્યારે તેમણે 28 જૂને પીએમ મોદી સાથે વાત કરી હતી અને તેમની પાછળ ત્રિરંગો લહેરાતો હતો. પીએમ મોદીએ મને ત્યાં અમે જે કંઈ કરી રહ્યા હતા એ બધું રેકોર્ડ કરવા કહ્યું હતું. મેં આ કામ ખૂબ જ સારી રીતે કર્યું છે. શુભાંશુ શુક્લા એક્સિયમ-4 મિશનનો ભાગ હતા શુભાંશુ શુક્લા એક્સિયમ-4 મિશનનો ભાગ હતા. ભારતે એક સીટ માટે 548 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા. એ એક ખાનગી અવકાશ ઉડાન મિશન હતું. એ અમેરિકન અવકાશ કંપની એક્સિયમ, નાસા અને સ્પેસએક્સ સાથે ભાગીદારીમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. આ કંપની તેના અવકાશયાનમાં ખાનગી અવકાશયાત્રીઓને ISS માં મોકલે છે. શુભાંશુએ ISSમાં ભારતીય શૈક્ષણિક સંસ્થાઓના 7 પ્રયોગ કરવાના હતા. આમાંથી મોટા ભાગના જૈવિક અભ્યાસ સાથે સંબંધિત હતા. તેમણે NASA સાથે અન્ય 5 પ્રયોગ પણ કરવાના હતા. આમાં લાંબા અવકાશ મિશન માટે ડેટા એકત્રિત કરવાનો હતો. આ મિશનમાં કરવામાં આવેલા પ્રયોગોએ ભારતના ગગનયાન મિશનને મજબૂત બનાવ્યું છે. આ મિશન સ્પેસ સ્ટેશન બનાવવાની યોજનાનો એક ભાગ હતો આ મિશનનો મુખ્ય ઉદ્દેશ અવકાશમાં સંશોધન કરવાનો અને નવી ટેક્નોલોજીનું પરીક્ષણ કરવાનો હતો. આ મિશન ખાનગી અવકાશ યાત્રાને પ્રોત્સાહન આપવાનું પણ હતું. આ મિશન અવકાશ આયોજનનો એક ભાગ હતો. ભવિષ્યમાં એક કોમર્શિયલ સ્પેસ સ્ટેશન (એક્સિઓમ સ્ટેશન) બનાવવાની યોજના છે. શુભાંશુ 4 દિવસના વિલંબ પછી પૃથ્વી પર પાછા ફર્યા શુભાંશુ શુક્લા 14 જુલાઈના રોજ પૃથ્વી પર પાછા ફર્યા. શુભાંશુ સહિત ચાર ક્રૂ-સભ્યો એક્સિયમ-4 મિશન હેઠળ ISS પહોંચ્યા. આ મિશન 25 જૂનના રોજ ફ્લોરિડાના કેનેડી સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યું હતું. ડ્રેગન અવકાશયાન 28 કલાકની મુસાફરી પછી 26 જૂનના રોજ ISS પર ડોક થયું. આ મિશન 14 દિવસનું હતું, પરંતુ અવકાશયાત્રીનું પરત ફરવામાં ચાર દિવસનો વિલંબ થયો. 41 વર્ષ પછી કોઈ ભારતીય અવકાશયાત્રી અવકાશમાં ગયો અમેરિકન અવકાશ એજન્સી નાસા અને ભારતીય એજન્સી ઇસરો વચ્ચેના કરાર હેઠળ, ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાને આ મિશન માટે પસંદ કરવામાં આવ્યા હતા. 41 વર્ષ પહેલાં, ભારતના રાકેશ શર્માએ 1984 માં સોવિયેત યુનિયનના અવકાશયાનમાં અવકાશની યાત્રા કરી હતી. શુભાંશુનો આ અનુભવ ભારતના ગગનયાન મિશનમાં ઉપયોગી થશે. આ ભારતનું પહેલું માનવ અવકાશ મિશન છે, જેનો ઉદ્દેશ્ય ભારતીય અવકાશયાત્રીઓને પૃથ્વીની નીચી ભ્રમણકક્ષામાં મોકલવાનો અને તેમને સુરક્ષિત રીતે પાછા લાવવાનો છે. તે 2027માં લોન્ચ થવાની સંભાવના છે. ભારતમાં અવકાશયાત્રીઓને ગગનયાત્રી કહેવામાં આવે છે. તેવી જ રીતે, રશિયામાં તેમને કોસ્મોનૉટ્સ કહેવામાં આવે છે અને ચીનમાં તેમને તાઈકોનૉટ્સ કહેવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય અવકાશ મથક શું છે? આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) એ પૃથ્વીની આસપાસ ફરતું એક મોટું અવકાશયાન છે. અવકાશયાત્રીઓ તેમાં રહે છે અને સૂક્ષ્મ ગુરુત્વાકર્ષણમાં પ્રયોગો કરે છે. તે 28 હજાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે મુસાફરી કરે છે. તે દર 90 મિનિટે પૃથ્વીની આસપાસ એક પરિક્રમા પૂર્ણ કરે છે. 5 અવકાશ એજન્સીઓએ સંયુક્ત રીતે તેનું નિર્માણ કર્યું છે. સ્ટેશનનો પહેલો ભાગ નવેમ્બર 1998 માં લોન્ચ કરવામાં આવ્યો હતો. , શુભાંશુ સંબંધિત આ સમાચાર પણ વાંચો... આજનું એક્સપ્લેનર:ભારતે રૂ.550 કરોડમાં એક સીટ ખરીદી; શુભાંશુ શુક્લા શું શીખી રહ્યા છે, જેનાથી ભારતીયો 2 વર્ષમાં અવકાશમાં જઈ શકશે પૃથ્વીથી 28 કલાકની સફર બાદ કેપ્ટન શુભાંશુ શુક્લા ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પર પહોંચી ગયા છે. તેઓ એક્સિયમ-4 મિશનનો ભાગ છે, જેની એક સીટ માટે ભારતે લગભગ 550 કરોડ રૂપિયા ચૂકવ્યા છે. ભારતે શુભાંશુ માટે આટલી મોટી રકમ કેમ ખર્ચી, તેઓ અવકાશમાં 14 દિવસ દરમિયાન શું-શું કરશે અને આ ભારતના ગગનયાન મિશન માટે કેટલું જરૂરી છે; આજના એક્સપ્લેનરમાં જાણીશું… સંપૂર્ણ સમાચાર વાંચો...

What's Your Reaction?






