શ્રાવણ શુક્લ અષ્ટમી-નવમીએ સોમનાથ મહાદેવનો ભસ્મ શૃંગાર:પ્રથમ જ્યોતિર્લિંગને શિવજીને પ્રિય એવી ભસ્મથી સજાવાયું, ભાવિકો દર્શન કરી અભિભૂત
અરબી સમુદ્રના કિનારે બિરાજમાન પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવને શ્રાવણ શુક્લ અષ્ટમી અને નવમીના પાવન દિવસે ભસ્મ શૃંગાર કરવામાં આવ્યો હતો. કરોડો લોકોની આસ્થાના પ્રતીક એવા સોમનાથ મંદિરમાં શિવ ભગવાનને અત્યંત પ્રિય એવી ભસ્મનો શણગાર કરાયો હતો. દેવાધિદેવ ભોળાનાથના ભસ્મ શૃંગારના દર્શન કરી ભાવિકો અભિભૂત બન્યા હતા. પુરાણ પ્રમાણે શિવજી પહેલા ભસ્મ નહોતા લગાવતા. પત્ની પાર્વતીજી જે પૂર્વ જન્મમાં માતા સતિ હતા, તેમની ચિતામાંથી ભસ્મને પોતાના શરીરે લગાવ્યા પછી આ પરંપરા શરૂ થઈ. ધર્મ શાસ્ત્રો અનુસાર બધા દેવી-દેવતાઓ પાસે પોતાના લોક છે. તેઓ અપાર સંપત્તિ અને વૈભવ વચ્ચે સિંહાસન પર બિરાજે છે. પરંતુ મહાદેવ એકમાત્ર એવા દેવ છે જે માતા પાર્વતી સાથે કૈલાશ પર્વતની ઠંડી ગુફામાં રહે છે. તેઓ ફક્ત મૃગચર્મ અને ભસ્મ ધારણ કરે છે. શિવપુરાણ અનુસાર ભસ્મ સૃષ્ટિનો સાર છે. ત્રેતા યુગ, સત યુગ, દ્વાપર યુગ અને કલિયુગ - આ ચારેય યુગોના અંતે સૃષ્ટિનો વિનાશ નિશ્ચિત છે. અંતમાં તમામ વસ્તુઓ રાખ થઈ જાય છે. શિવજી પ્રલયના દેવ છે. તેથી તેઓ ભસ્મ પોતાના અંગ પર લગાવે છે. આ સંકેત આપે છે કે એક દિવસ બધું જ તેમનામાં વિલીન થઈ જવાનું છે.

What's Your Reaction?






