સરપદડના ખેડૂતોની વીજ વિક્ષેપની સમસ્યા દૂર:પડધરીના ગામમાં સોમનાથ ફીડરમાં 500 ટ્રાન્સફોર્મરથી વારંવાર વિજળી ગૂલ થતાં નવું પાર્વતી ફીડર બનાવાયું
રાજકોટના પડધરી તાલુકાના સરપદડ ગામના ખેડૂતોને વીજ પુરવઠામાં વારંવાર પડતી મુશ્કેલીઓનો અંત આવ્યો છે. લાંબા સમયથી ખેતીવાડીના વીજ ગ્રાહકોને થતા વીજ વિક્ષેપના પ્રશ્નનું નિરાકરણ લાવવા માટે સોમનાથ ફીડરનું બાયફર્ગેશન કરીને નવું પાર્વતી ફીડર બનાવવામાં આવ્યું છે. MLAની રજૂઆત બાદ PGVCL દ્વારા કાર્યવાહી સરપદડ ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોએ આ સમસ્યા અંગે ટંકારા-પડધરીના ધારાસભ્ય દુર્લભજી દેથરીયાને રજૂઆત કરી હતી. જેના અનુસંધાને PGVCLના મેનેજિંગ ડિરેક્ટર દ્વારા આ ફીડરનું બાયફર્ગેશન કરવાની સૂચના આપવામાં આવી હતી. રાજકોટ ગ્રામ્ય અધિક્ષક ઇજનેર જે.બી. ઉપાધ્યાયની સૂચના અને કાર્યપાલક પટેલના માર્ગદર્શન હેઠળ પડધરી પેટા વિભાગીય કચેરીના નાયબ ઈજનેર કલોલા, લાઠીયા અને તેમની ટીમે આ કામગીરી હાથ ધરી હતી. જૂના સોમનાથ ફીડરમાં 500થી વધુ ટ્રાન્સફોર્મર હોવાથી લોડનું ભારણ વધી જતું હતું, જેના કારણે વારંવાર વીજળી ગુલ થતી હતી. બે ફીડરોમાં 250 ટ્રાન્સફોર્મરોનો લોડ વહેંચાયો આ સમસ્યાને દૂર કરવા માટે સોમનાથ ફીડરને બે ભાગમાં વહેંચીને નવું પાર્વતી ફીડર બનાવવામાં આવ્યું છે. હવે સોમનાથ ફીડરમાં 250 ટ્રાન્સફોર્મર અને પાર્વતી ફીડરમાં 250 ટ્રાન્સફોર્મરનો લોડ રહેશે. આ રીતે, ખેતીવાડીના વીજ કનેક્શનનો લોડ અલગ પાડવામાં આવતા વીજ વિક્ષેપની સમસ્યા દૂર થઈ છે. આ સમગ્ર કામગીરીમાં તાલુકા પંચાયત ઉપપ્રમુખ મુકેશભાઈ, તાલુકા પંચાયત ચેરમેન ભયલુભા, તાલુકા ભાજપ પ્રમુખ નિલેશ ડોડીયા, છગન વાંસજાલિયા, તરશી તળપરા અને માજી ધારાસભ્ય બાવનજી મેતલિયા સહિતના સ્થાનિક આગેવાનોનો સહકાર રહ્યો હતો.

What's Your Reaction?






