ગીર સોમનાથમાં વીજચોરો પર તંત્રની તવાઈ:25 ટીમે 732 વીજજોડાણ ચકાસ્યા, 209 ગેરરીતિ પકડાઈ, 61.02 લાખના દંડનીય બિલ ફટકારાયા
પીજીવીસીએલની વર્તુળ કચેરી જુનાગઢના અધીક્ષક ઈજનેર એસ.એચ. રાઠોડ અને વિભાગીય કચેરી વેરાવળના કાર્યપાલક ઈજનેર જી.બી. વાઘેલાની સંયુક્ત યાદી અનુસાર, ચાલુ સપ્તાહમાં વીજ ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. વડી કચેરી પીજીવીસીએલ રાજકોટના માર્ગદર્શન અને સીધી સૂચના હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી. ગીર સોમનાથ જિલ્લાની વિભાગીય કચેરી હેઠળના વેરાવળ, સુત્રાપાડા તથા તાલાલા તાલુકાની પેટાવિભાગીય કચેરીઓના વિવિધ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરાયું હતું. એસ.આર.પી. સ્ટાફ તથા પોલીસ સ્ટાફના ચુસ્ત બંદોબસ્ત હેઠળ ઈજનેરોની કુલ 25 ટીમો દ્વારા વીજચેકિંગની કામગીરી કરવામાં આવી હતી. આ દરમિયાન રહેણાંક, વાણિજ્યિક, ખેતીવાડી વગેરે મળીને કુલ 732 વીજજોડાણો ચકાસવામાં આવ્યાં હતા. ચકાસણી દરમિયાન 209 વીજજોડાણોમાં જુદા-જુદા પ્રકારની ગેરરીતિ માલૂમ પડી હતી. આ ગેરરીતિઓ બદલ કુલ રૂ. 61.02 લાખની દંડનીય આકારણીના બિલ ફટકારવામાં આવ્યાં હતા. આગામી દિવસોમાં ચેકિંગની આ ઝુંબેશને વધુ વ્યાપક અને ગતિશીલ બનશે. જેને લઇ પીજીવીસીએલની આ કામગીરીને લીધે વીજચોરી કરનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. વીજ ચેકિંગ હેઠળ આરબ ચોક, ત્રુક ચોરા, ભરકોટ, મોચી બાજર, ખારવા વડ, ઝાલેશ્વર, મફતિયાપરા, પ્રજાપતિ સોસાયટી, ટીંબડી, રંગપુર, પીપલવા, ગંગેથા, ભુવાવડા, સોલજ, રતિધર, રામપરા, મોરડિયા, ખેરા, જસાધાર, ભુવાટીંબી, ભીમદેવલ, અનિડા, ચાગીયા, બારૂલા, વાવડી (સુત્રા), વડોદરા (ઝાલા), સિંગસર, લોધવા, બરેવલા, રાખેજ, મટાણા, કંજોતર, ધામલેજ, વિરપુર, બોરવાવ, ઘુંસિયા, ગાભા, ધર્મનવા, ઉમરેઠી, માલઝીંઢવા, સોનારીયા, મેઘપુર, બદલપારા, અજોઠા, ચમોડા, આંબલીયાળા, નવદ્રા, પાંડવા, ઈન્દ્રોઈ, ઈશ્વરીયા, ભેરાલા, મંડોર, મંડોરણા, આંકોલવાડી, રામપરા, મથાસૂરિયા, કોડીદરા, જશાધર, રામપારા, રતિધર, અનિદા, ભીમદેવલ સહિતના ગામો અને વિસ્તારોનો સમાવેશ થાય છે.

What's Your Reaction?






