જમ્મુ-કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનું નિધન:કિડનીની બીમારીથી પીડાતા હતા, તેમના કાર્યકાળમાં આજના દિવસે જ JKમાંથી કલમ 370 હટાવાઈ હતી
જમ્મુ-કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનું લાંબી બીમારી બાદ મંગળવારે 79 વર્ષની ઉંમરે નિધન થયું છે. તેમણે દિલ્હીની રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં સારવાર દરમિયાન બપોરે 1:20 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ લાંબા સમયથી કિડનીની બીમારીથી પીડાતા હતા. 11 મેના રોજ તેમની તબિયત વધુ બગડતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. સત્યપાલ મલિકના નિધનની માહિતી તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આપવામાં આવી હતી. સત્યપાલ મલિક બિહારના રાજ્યપાલ પણ હતા. તેઓ કૃષિ આંદોલન, ભ્રષ્ટાચાર અને ઘણા રાષ્ટ્રીય મુદ્દાઓ પર તેમના સ્પષ્ટ અભિપ્રાય માટે હેડલાઇન્સમાં રહ્યા હતા. સત્યપાલ 23 ઓગસ્ટ 2018થી 30 ઓક્ટોબર 2019 સુધી જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ હતા. તેમના કાર્યકાળ દરમિયાન આજના દિવસે, 5 ઓગસ્ટ 2019ના રોજ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવામાં આવી હતી. સત્યપાલનો જન્મ 24 જુલાઈ 1946ના રોજ થયો હતો. તેઓ 2018થી 2019 સુધી જમ્મુ અને કાશ્મીરના 10મા અને છેલ્લા રાજ્યપાલ હતા. વધુમાં, તેમણે ગોવા અને મેઘાલયના રાજ્યપાલ તરીકે પણ સેવા આપી હતી. તેઓ 1974-77 દરમિયાન ઉત્તરપ્રદેશ વિધાનસભાના સભ્ય હતા. તેઓ 1980-86 અને 1986-89 દરમિયાન રાજ્યસભાના સભ્ય અને 1989-91 દરમિયાન નવમી લોકસભાના સભ્ય હતા. તેઓ બિહારના રાજ્યપાલ પણ રહ્યા હતા. સત્યપાલ મલિક વિશે જાણો.. સત્યપાલ મલિક પર ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યા હતા 22 મેના રોજ CBIએ જમ્મુ અને કાશ્મીરમાં કિરુ હાઇડ્રોપાવર પ્રોજેક્ટ સંબંધિત ભ્રષ્ટાચાર કેસમાં સત્યપાલ મલિક સહિત 5 લોકો સામે ચાર્જશીટ દાખલ કરી હતી. લગભગ 2,200 કરોડ રૂપિયાના સિવિલ વર્ક્સ કોન્ટ્રેક્ટમાં ગોટાળાના આરોપો છે. આ કેસના સંદર્ભમાં CBIએ 22 ફેબ્રુઆરી 2024ના રોજ સત્યપાલ મલિકનાં ઠેકાણાં પર દરોડા પાડ્યા હતા. આ સાથે દિલ્હીમાં અન્ય 29 સ્થળે પણ દરોડા પાડવામાં આવ્યા હતા. 2021માં ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા હતા સત્યપાલ મલિકે 17 ઓક્ટોબર 2021ના રોજ રાજસ્થાનના ઝુંઝુનુમાં એક કાર્યક્રમમાં કહ્યું હતું કે જ્યારે તેઓ જમ્મુ અને કાશ્મીરના રાજ્યપાલ હતા ત્યારે તેમને કરોડોની લાંચની ઓફર કરવામાં આવી હતી. એ દરમિયાન તેમની પાસે બે ફાઇલ આવી હતી. આમાંથી એક મોટા ઉદ્યોગપતિની હતી અને બીજી એક વ્યક્તિની હતી, જેઓ મહેબૂબા મુફ્તી અને ભાજપની ગઠબંધન સરકારમાં મંત્રી હતા. મલિકે કહ્યું હતું કે તેમના સચિવોએ તેમને કહ્યું હતું કે આમાં કૌભાંડ થયું છે. ત્યાર બાદ તેમણે બંને ડીલ રદ કરી હતી. તેમને બંને ફાઇલો માટે 150 કરોડ રૂપિયાની ઓફર કરવામાં આવી હતી. મલિકે કહ્યું, 'મેં કહ્યું હતું કે હું પાંચ કુર્તા-પાયજામા સાથે આવ્યો છું અને અહીંથી ફક્ત એ જ લઈને ચાલ્યો જઈશ. જ્યારે CBI પૂછશે ત્યારે હું ઓફર કરનારાઓનાં નામ પણ જણાવીશ.' CBIએ બે અલગ અલગ કેસમાં FIR કરી હતી. CBIએ આ કેસમાં બે FIR કરી હતી. પહેલી FIR લગભગ 60 કરોડ રૂપિયાના કોન્ટ્રેક્ટ જારી કરવામાં કથિત ભ્રષ્ટાચાર સંબંધિત છે. આ રકમ 2017-18માં જમ્મુ અને કાશ્મીર કર્મચારી આરોગ્ય સંભાળ વીમા યોજનાનો કોન્ટ્રેક્ટ આપવા માટે એક વીમા કંપની પાસેથી લાંચ તરીકે લેવામાં આવી હતી. બીજી FIR 2019માં એક ખાનગી કંપનીને કિરુ હાઇડ્રોપાવર પ્રોજેક્ટ (HEP)ના સિવિલ વર્ક માટે 2,200 કરોડ રૂપિયાનો કોન્ટ્રેક્ટ આપવામાં ભ્રષ્ટાચાર સંબંધિત છે. CBI આ બંને કેસોની તપાસ કરી રહી છે.

What's Your Reaction?






