VMCના ખોરાક શાખાની કાર્યવાહી:રક્ષાબંધન પૂર્વે ખાદ્ય સુરક્ષા માટે 13 એકમો ઉપર ચેકિંગ, સ્વચ્છતા ન રાખનાર 3 એકમને નોટિસ
વડોદરા કોર્પોરેશનની ખોરાક શાખાની ટીમ દ્વારા રક્ષાબંધનના પર્વને ધ્યાનમાં રાખીને હોટેલો, મિઠાઇ-ફરસાણની દુકાનો સહિતમાં ઘનિષ્ઠ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ખોરાક શાખા દ્વારા વિવિધ 13 એકમો ઉપર ચેકિંગ કરવામાં આવ્યું હતું અને વિવિધ ખાદ્ય ચિજવસ્તુઓના 10 નમુનાઓ લઇ પૃથક્કરણ માટે મોકલી આપ્યા છે. અલબત્ત સ્વચ્છતા ન રાખનાર 3 એકમને નોટિસ આપવામાં આવી છે. 13 અલગ-અલગ ફુડ યુનિટસ પર ચકાસણી આરોગ્ય અધિકારી ડો. મુકેશ વૈદ્યએ જણાવ્યું હતું કે, આગામી રક્ષાબંધન પર્વને ધ્યાનમાં રાખી વડોદરા મહાનગર પાલિકાની ખોરાક શાખાની ટીમ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ખાસ ઇન્સપેક્શન અભિયાન ચલાવવામાં આવ્યું હતું. સમગ્ર ઝુંબેશ અંતર્ગત ખાદ્ય સુરક્ષાની દૃષ્ટિએ 13 અલગ-અલગ ફુડ યુનિટસ પર ચકાસણી કરવામાં આવી હતી, જેમાં 10 નમૂનાઓ લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત 2 પ્રિઈન્સપેક્શન, એક ફોલો-અપ ઇન્સપેક્શન તથા 3 યુનિટ્સને FSSAIના શિડયુલ-4 મુજબ નોટિસો આપવામાં આવી છે. પલાસ્ટિક ઉપયોગ જેવા મામલે તાત્કાલિક કાર્યવાહી કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવેલા આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ રક્ષાબંધન જેવા મહત્વપૂર્ણ તહેવારના સમયે નાગરિકોને સુરક્ષિત અને સ્વચ્છ ખાદ્ય પદાર્થ ઉપલબ્ધ રહે તે માટે તમામ ફૂડ બિઝનેસ ઓપરેટર્સ (FBO)ને નિયમોની જાગૃતિ કરાવવી અને ગેરરીતિના મામલાઓ સામે કાર્યવાહી કરવાનો છે. આ ચેકિંગ અભિયાન દ્વારા અપુરતા લાયસન્સ, અનહાઇજેનિક પરિસ્થિતિ, પેકિંગ કાયદાનો ભંગ અને પલાસ્ટિક ઉપયોગ જેવા મામલાઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ખોરાક શાખા દ્વારા આ સ્થળો પર ચેકિંગ કોર્પોરેશનના ખોરાક શાખા દ્વારા (1) ક્રિષ્ણા કાઠીયાવાડી, મકરપુરા (2) કલાઉડ સ્ટોર રીટેલ પ્રાઇવેટ લિમિટેડ, કારેલીબાગ (3) સંકલ્પ કાઠીયાવાડી ઢાબા, હરણી (4) મધુર સ્વીટ એન્ડ ફરસાણ, છાણી જકાતનાકા (5) મા કેસર ગૃહ ઉદ્યોગ, છાણી જકાતનાકા (6) શંકર ભુવન ફરસાણ માર્ટ વાડી, રંગમહાલ (7) ગાયત્રી નમકીન, વારસીયા, કમલ સ્વીટ એન્ડ નમકીન, વારસીયા, અને (8) ખીમીયા ફરસાણ માર્ટ, વારસીયામાં ચેકિંગ કરવામાં આવ્યું હતું.

What's Your Reaction?






