તડામાર તૈયારી:15મી ઓગસ્ટની ઉજવણી માટે ભચાઉ સજ્જ : કાર્યક્રમની તૈયારીઓ પુરજોશમાં
આ વર્ષે કચ્છમાં જિલ્લા કક્ષાનો સ્વતંત્રતા દિવસ કાર્યક્રમ ભચાઉ ખાતે યોજાવા જઈ રહ્યો છે. આ ભવ્ય ઉજવણી માટે શહેરનું સરકારી તંત્ર અને સ્થાનિક આગેવાનો સક્રિય થઈ ગયા છે, અને તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ભચાઉના SRP ગ્રાઉન્ડ પર યોજાનારા ધ્વજવંદન કાર્યક્રમને અનુલક્ષીને નગરપાલિકા દ્વારા મુખ્ય માર્ગોનું સમારકામ અને સફાઈ હાથ ધરવામાં આવી છે. કાર્યક્રમ સ્થળ સુધી પહોંચતા રોડ-રસ્તાઓ પરના ખાડા પૂરવા માટે ડામરકામ પણ શરૂ કરી દેવાયું છે. આયોજનને સુચારુ બનાવવા માટે પ્રાંત અધિકારી જ્યોતિ ગોહેલના નેતૃત્વ હેઠળ એક ટુકડી કાર્યરત છે. જેમાં મામલતદાર મોડસિંહ રાજપુત, નગરપાલિકા પ્રમુખ પેથાભાઈ રાઠોડ, ચીફ ઓફિસર કે. જી. ચાવડા, અને પાલિકાના એન્જિનિયર એસ.ડી. ઝાલા સહિતના અધિકારીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, પોલીસ વિભાગના અધિકારી સાગર સાબરા અને પી.આઈ. એ. જાડેજા, તથા તાલુકા પંચાયત, આર.એન.બી., અને રેવન્યુ વિભાગના અધિકારીઓ પણ આ આયોજનને સફળ બનાવવા માટે સઘન પ્રયાસો કરી રહ્યા છે. આ કાર્યક્રમને ભવ્ય બનાવવા માટે ભચાઉના સામાજિક અને રાજકીય આગેવાનો પણ સહયોગ આપી રહ્યા છે. આ ઉજવણી થકી શહેરમાં દેશભક્તિ અને ઉત્સાહનો માહોલ છવાયો છે.

What's Your Reaction?






