લોકોને પડ્યા ધક્કા:પોસ્ટ ઓફિસમાં સર્વરના ધાંધિયાથી લોકોને સતત ચોથા દિવસે હાડમારી
પોસ્ટલ વિભાગમાં ગત તા.22મી જુલાઈ-2025થી ભાવનગર સહિત ગુજરાતભરમાં નવા આઈ.ટી. 2.0 સોફ્ટવેરનો અમલ કરવામાં આવ્યો હતો. ગુજરાત બાદ આઈ.ટી. 2.0 સોફ્ટવેરનો ક્રમશઃ ભારતભરમાં અમલી થવાની સાથે ટેક્નિકલ કારણોસર તાજેતરમાં પોસ્ટની સેવા કથળી છે. નવા સોફ્ટવેરથી દેશમાં પોસ્ટના સર્વરની ટેક્નિકલ ખામીને કારણે ભાવનગર શહેર અને જિલ્લામાં સતત ચોથા દિવસે પણ ધીમી કામગીરીથી મોટાભાગની કચેરીમાં ભીડ જામવાની સાથે લોકોને હાડમારી ભોગવવાનો વારો આવ્યો હતો. પોસ્ટ વિભાગ દ્વારા જુલાઈ માસમાં ઉપયોગમાં લેવાયેલા આઈ.ટી. 2.0 સોફ્ટવેરથી રક્ષાબંધનના ટાણે જ પોસ્ટની સેવા કથળતા લોકોને લાંબા સમય સુધી લાઈનમાં ઉભું રહેવું પડે છે. ભાવનગર શહેરની મેઈન હેડ પોસ્ટ ઓફિસમાં પણ આજે સર્વરના ટેક્નિકલ કારણોસર થતી ધીમી કામગીરીથી બપોરે ભારે ભીડ જોવા મળી હતી. પોસ્ટ વિભાગમાં ધીમી કામગીરીને કારણે પડતી હાલાકીથી કેટલાક લોકો છેલ્લા બે-ત્રણ દિવસથી ધક્કા ખાઈ રહ્યા હોવાની ફરિયાદ સાથે રોષ વ્યક્ત કર્યો હતો.

What's Your Reaction?






