યુવકે પીધું ઝેર:ભચાઉ જુનાવાડામાં ઝેરી દવા પી લેનાર યુવકનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું
ભચાઉના જુનાવાડામાં ભેદી સંજોગો વચ્ચે ઝેરી દવા પી લેનાર તેમજ દાઝી ગયેલા 34 વર્ષીય યુવકનું મોત નિપજ્યું હોવાની ઘટના ભચાઉ પોલીસ મથકના ચોપડે, અંજારની એરપોર્ટ ચોકડી પાસે રહેતા 55 વર્ષીય પ્રૌઢે રહસ્યમય સંજોગો વચ્ચે ફાંસો ખાઇ લઇ જીવન ટુંકાવી લીધું હોવાની ઘટના અંજાર પોલીસ મથકે નોંધાઇ છે. ભચાઉ પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ, લાકડીયા રામદેવપીર મંદીર પાસે રહેતા 34 વર્ષીય દિનેશ લાખાભાઇ કોલી ગુરૂવારે સવારે 10 વાગ્યાના અરસામાં ભચાઉ જુનાવાડા આશાપુરા મંદિર પાસે ભેદી સંજોગો વચ્ચે ઝેરી જંતુનાશક દવા પી લીધી હતી અને હાથે પગે દાઝી પણ ગયો હતો. તેને વાગડ વેલ્ફેર હોસ્પિટલ લઇ જવાયો પણ સારવાર મળે તે પહેલાં તેનું મોત નિપજ્યું હોવાનું તેનો મૃતદેહ ભચાઉ સીએચસી લઇ આવેલા પ્રવિણ લાખાભાઇ કોલીએ તબીબને જણાવતાં તબીબે ભચાઉ પોલીસાને જાણ કરી હતી. પોલીસે હાલ અકસ્માત મોત નોંધી કારણ જાણવા તપાસ હાથ ધરી છે. તો અંજાર પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ, એરપોર્ટ ચોકડી પાસે રહેતા 55 વર્ષીય ઇન્દ્રજિતસિંહ જાડેજાએ ગુરૂવારે સાંજે સાડા સાત વાગ્યાના અરસામાં પોતાના ઘરે જ રહસ્યમય સંજોગોમાં ફાંસો ખાઇ લીધો હોવાનું તેમનો મૃતદેહ લઇ આવનાર દિગ્વિજયસિંહ જાડેજાએ રામબાગ હોસ્પિટલના તબીબને જણાવતા તબીબે અંજાર પોલીસને જાણ કરી હતી. પોલીસે કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

What's Your Reaction?






