અરવલ્લી-સાબરકાંઠાની 290 કોલેજોની માંગણી:હજારો વિદ્યાર્થીઓને 150 કિમી દૂર પાટણ જવું પડે છે, જૂનાગઢ અને ગોધરાની જેમ અલગ યુનિવર્સિટી આપો
અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાની 290 કોલેજોના હજારો વિદ્યાર્થીઓને યુનિવર્સિટી સંબંધિત કામકાજ માટે 150 કિલોમીટર દૂર પાટણ જવું પડે છે, જેના કારણે તેમને ભારે હાલાકી ભોગવવી પડે છે. આ સમસ્યાના ઉકેલ માટે, જૂનાગઢ અને ગોધરાની જેમ આ બંને જિલ્લાઓ માટે અલગ યુનિવર્સિટીની સ્થાપના કરવાની માંગણી સાથે એક ચિંતન શિબિરનું આયોજન શામળાજીની કે.આર. આર્ટ્સ કોલેજ ખાતે કરવામાં આવ્યું હતું. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ચિંતન શિબિર યોજાઈ આ શિબિરમાં બંને જિલ્લાની કોલેજોના આચાર્યો, સંચાલકો અને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકનો મુખ્ય હેતુ અરવલ્લી અને સાબરકાંઠા માટે અલગ યુનિવર્સિટી મળે તે માટેની આગામી રણનીતિ ઘડવાનો હતો. ઉપસ્થિત અગ્રણીઓએ જણાવ્યું કે કોલેજોનું તમામ વહીવટી કામકાજ, જેમ કે ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશનની તમામ ફેકલ્ટીઓના કામકાજ, યુનિવર્સિટી સાથે સંલગ્ન હોય છે, જેના માટે વિદ્યાર્થીઓ અને કર્મચારીઓને વારંવાર પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની મુલાકાત લેવી પડે છે. અરવલ્લી-સાબરકાંઠાની 290 કોલેજો HNGU પાટણથી 150 કિમી દૂર કે.આર. આર્ટ્સ કોલેજ, શામળાજીના આચાર્ય ડૉ. અજય પટેલે જણાવ્યું કે અરવલ્લી-સાબરકાંઠા બંને જિલ્લાઓમાં કુલ 290 કોલેજો છે અને યુનિવર્સિટીનું અંતર 150 કિલોમીટરથી વધુ હોવાથી મુસાફરીમાં અનેક મુશ્કેલીઓ પડે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે અલગ યુનિવર્સિટીની સ્થાપનાથી ફેકલ્ટીનું ડેવલોપમેન્ટ થઈ શકશે અને વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓ દૂર થશે. આ ઉપરાંત, આ વિસ્તારનો આર્થિક વિકાસ પણ થશે. આ માંગણી પર વિચારણા કરવા માટે બધા જ બુદ્ધિજીવીઓ આજે એકત્રિત થયા છે અને સરકારની સાથે રહીને શાંતિપૂર્ણ રીતે આ માંગણી ફરીથી દોહરાવવામાં આવી છે. જૂનાગઢ અને ગોધરાની જેમ અલગ યુનિવર્સિટી આપો : શૈક્ષિક મહાસંઘ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, ગુજરાતના અધ્યક્ષ રોહિત દેસાઈએ જણાવ્યું હતું કે અરવલ્લી અને સાબરકાંઠા બંને વસ્તીની દ્રષ્ટિએ મોટા જિલ્લાઓ છે અને ટ્રાઇબલ વિસ્તાર પણ છે. તેમણે ગુરુ ગોવિંદ યુનિવર્સિટી, ગોધરા અને ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢ જેવા ઉદાહરણો ટાંકીને જણાવ્યું કે વિદ્યાર્થીઓની સંખ્યાને ધ્યાનમાં રાખીને આ બે નવી યુનિવર્સિટીઓની સ્થાપના કરવામાં આવી છે. આ જ રીતે અરવલ્લી અને સાબરકાંઠા આ બે જિલ્લાઓને પણ ન્યાય મળવો જોઈએ. તેમણે નાણામંત્રી, શિક્ષણમંત્રી અને મુખ્યમંત્રી સાથે આ મુદ્દે વાતચીત કરી હોવાનું જણાવ્યું અને આશા વ્યક્ત કરી કે અરવલ્લી અને સાબરકાંઠા યુનિવર્સિટીનું નિર્માણ થશે. સરકારનો સકારાત્મક પ્રતિસાદ, પણ અલગ યુનિવર્સિટી ક્યારે મળશે? ચિંતન શિબિરમાં એ પણ જણાવવામાં આવ્યું હતું કે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ અરવલ્લી જિલ્લામાં યુનિવર્સિટીની માંગણી પૂરી કરવા માટે સકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો. આ ઉપરાંત, અરવલ્લી જિલ્લાના સંસદ સભ્યએ પણ યુનિવર્સિટીની સ્થાપનાને તેમની પ્રાથમિકતા ગણાવી હતી. આના પરથી સ્પષ્ટ થાય છે કે સરકાર પણ આ માંગણી પ્રત્યે સકારાત્મક વલણ ધરાવે છે. પણ સૌથી મોટો પ્રશ્ન એ છે કે સરકાર અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાની અલગ યુનિવર્સિટી ક્યારે આપશે.

What's Your Reaction?






