દરિયાઈ વિસ્તારમાં કન્ટેનર ટેન્કની ભરતી:કચ્છના અબડાસા તટે ચાર દિવસમાં ત્રણ ટેન્ક મળ્યા, પોલીસ અને કસ્ટમ વિભાગ તપાસમાં
કચ્છની પશ્ચિમ દિશાએ આવેલા અરબ સાગર તટે અજબ ઘટના સામે આવી છે. અબડાસા તાલુકાના દરિયા કિનારે છેલ્લા ચાર દિવસમાં ત્રણ કન્ટેનર ટેન્ક મળી આવ્યા છે. અત્યાર સુધી આ વિસ્તારમાં દરિયાની ઓફ સિઝન દરમિયાન માદક પદાર્થના પેકેટો બિનવારસી હાલતમાં મળતા હતા, પરંતુ હવે કન્ટેનર ટેન્ક મળવાના બનાવોએ તંત્રની ચિંતા વધારી છે. ગત તારીખ 7મીના રોજ દરિયાઈ કાંઠા વિસ્તારના સૈયદ સુલેમાન પીર અને શિયાળબારી નજીક પાણીમાં તરતી બે કન્ટેનર ટેન્ક જખૌ મરીન પોલીસને પેટ્રોલિંગ દરમિયાન બિનવારસી હાલતમાં જોવા મળી હતી. આ ટેન્ક અડધા પાણીમાં ડૂબેલી હાલતમાં હતી. આજે સુથરી પાસેના સમુદ્રી પાણીમાં આવી જ એક ત્રીજી ટેન્ક કોઠારા પોલીસના ધ્યાને આવી છે. આ ઘટના બાદ પોલીસ સાથે જીઆરડી, એસઆરડી વિભાગના જવાનો તપાસ માટે ઘટનાસ્થળે દોડી ગયા છે. સુથરી પાસેના દરિયામાં મળેલી ભારેખમ ટેન્ક અર્ધ ડૂબેલી અવસ્થામાં તરી રહી હતી. પોલીસ સ્ટાફ અને અન્ય વિભાગના જવાનો ટેન્કને કિનારે લાવવા માટે કામે લાગ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, હાલ આ મામલે પ્રાથમિક માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. ગુરુવારે મળેલા કન્ટેનર ટેન્કની તપાસ માટે કસ્ટમ વિભાગના અધિકારીઓ પણ આવી રહ્યા છે.અનુમાન મુજબ, આ કન્ટેનર કોઈ જહાજમાંથી પડી ગયા હોય અથવા કોઈ જહાજ તૂટી પડ્યું હોય અને તેમાંથી અલગ પડીને દરિયા કાંઠે ભરતીમાં તણાઈ આવ્યા હોય તેવી શક્યતા છે. અચાનક દરિયા કિનારા પાસે સમુદ્રી પાણીમાં આ રીતે ટેન્ક તરતા જોવા મળતા તંત્ર સાથે લોકોમાં તર્કવિતર્ક ફેલાઈ રહ્યા છે.

What's Your Reaction?






