રાજકોટમાં કોરોનાનો કહેર યથાવત્:2 મહિલા-3 પુરુષ સહિત વધુ 5 કેસ નોંધાયા; 13 દિવસમાં 37 કેસ સામે આવતા આરોગ્ય તંત્ર એલર્ટ
રાજકોટ શહેરમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો યથાવત્ છે, જેના કારણે શહેરીજનોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા 13 દિવસમાં રાજકોટ શહેરમાં કોરોનાના કુલ 37 કેસ નોંધાયા છે. જોકે, રાહતની વાત એ છે કે આમાંથી 4 દર્દીઓ સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ચૂક્યા છે. હાલ રાજકોટ શહેરમાં કોરોનાના 33 એક્ટિવ કેસ છે અને આરોગ્ય તંત્ર દ્વારા પરિસ્થિતિ પર બારીકાઈથી નજર રાખવામાં આવી રહી છે. આજે 1 જૂને, રાજકોટ શહેરમાં કોરોનાના વધુ 5 નવા કેસ નોંધાયા છે. આ નવા કેસોમાં 2 મહિલા અને 3 પુરુષનો સમાવેશ થાય છે. આ કેસો નોંધાતાની સાથે જ રાજકોટ શહેરમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 37 પર પહોંચી ગઈ છે. આ ઉપરાંત, રાજકોટ જિલ્લામાં પણ 2 કેસ નોંધાયા છે. આજે નોંધાયેલા 5 કેસની વિગતવાર માહિતી આરોગ્ય વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ તમામ દર્દીઓને તેમના ઘરમાં જ હોમ આઇસોલેટ હેઠળ રાખવામાં આવ્યા છે અને તેમની તબિયત હાલ સ્થિર છે. તંત્ર દ્વારા તેમની સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. શહેર ઉપરાંત, રાજકોટ જિલ્લામાં પણ કોરોનાનો એક નવો કેસ સામે આવ્યો છે. અગાઉ ગૌરીદળથી એક કેસ નોંધાયો હતો. આજે નવાગામ આણંદપર ખાતે રહેતા 53 વર્ષીય પુરુષનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને પણ હોમ આઇસોલેટ કરવામાં આવ્યા છે. રાજકોટમાં કોરોના કેસની ટાઈમલાઈન 19 મે: રાજકોટમાં કોરોનાનો પ્રથમ કેસ મવડી વિસ્તારમાંથી નોંધાયો હતો. આ 53 વર્ષીય પુરુષ વિદેશ પ્રવાસની હિસ્ટ્રી ધરાવતા હતા. રાહતની વાત એ રહી કે, હોમ આઇસોલેશનમાં સારવાર લીધા બાદ તેઓ સંપૂર્ણપણે કોરોનામુક્ત થઈ ગયા, અને આ વિસ્તારમાંથી અન્ય કોઈ કેસ બહાર આવ્યો નથી. આ કેસ રાજકોટ માટે સકારાત્મક શરૂઆત સાબિત થયો હતો. 23 મે: શહેરનો બીજો કેસ શિવ પાર્ક વિસ્તારમાં રહેતા 39 વર્ષના એક મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા નોંધાયો. 24 મે: શહેરમાં વધુ બે નવા કેસ સામે આવ્યા, જેમાં ગોવિંદનગરના 74 વર્ષના એક પુરુષ અને સિલ્વર સોસાયટીમાં રહેતા 52 વર્ષના એક પુરુષનો સમાવેશ થાય છે. આ બંને દર્દીઓને પણ તાત્કાલિક ધોરણે હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા હતા અને તેમની તબિયત સ્થિર હોવાનું જણાવાયું હતું. 26 મે: રૈયા રોડ પર આવેલા શિવાજી પાર્ક વિસ્તારમાં વધુ એક નવો કેસ નોંધાયો, જે દર્દીની તબિયત પણ સ્થિર હોવાનું જણાવાયું. 27 મે: આ દિવસ રાજકોટ માટે સૌથી વધુ ચિંતાજનક રહ્યો, કારણ કે શહેરના જુદા-જુદા વિસ્તારોમાંથી એક દિવસમાં 6 નવા કેસ નોંધાયા. આ કેસો નોંધાતાની સાથે જ આરોગ્ય તંત્ર વધુ સક્રિય બન્યું. જોકે, આ તમામ 6 દર્દીઓની તબિયત પણ સ્થિર હતી, જે એક સકારાત્મક પાસું હતું. 28 મે: 28 મેની રાત સુધી રાજકોટમાં વધુ 5 કેસ નોંધાયા. આ કેસો બિગબજાર, રૈયા રોડ સહિતના વિસ્તારોમાંથી હતા અને તેમાં એક મહિલા, એક સગીર અને ત્રણ પુરુષોનો સમાવેશ થતો હતો. આ દર્દીઓ પણ હોમ આઇસોલેશનમાં જ સારવાર લઈ રહ્યા છે. 30 મે: આ દિવસે રાજકોટમાં વધુ 8 પોઝિટિવ કેસ નોંધાયા, જેમાં શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી 2 મહિલા અને 6 પુરુષોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. 31 મે: રાજકોટમાં 4 મહિલા અને 4 પુરુષો સહિત વધુ 8 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જોકે 4 દર્દીઓ સ્વસ્થ થયા હતા, જે રાહતની વાત છે. 1 જૂન: આજે રાજકોટનાં જુદા જુદા વિસ્તારોમાંથી 2 મહિલા અને 3 પુરુષ સહિત કુલ 5 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેને લઈને કુલ દર્દીઓની સંખ્યા 37 પર પહોંચી છે. જ્યારે જિલ્લામાંથી પણ વધુ 1 કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા 2 થઈ છે. રાજકોટમાં વધતા જતા કોરોનાના કેસોને ધ્યાનમાં રાખીને, આરોગ્ય વિભાગ દ્વારા નાગરિકોને અત્યંત સાવચેતી રાખવા અને સરકારી માર્ગદર્શિકાનું કડકપણે પાલન કરવા અપીલ કરવામાં આવી છે. કોરોનાના સંક્રમણને રોકવા માટે આટલું કરો ઉલ્લેખનીય છે કે, હાલ રાજકોટ શહેર અને જિલ્લાના આરોગ્ય તંત્ર દ્વારા રાજકોટની પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂર પડ્યે વધુ કડક પગલાં લેવાની પણ તૈયારી દર્શાવવામાં આવી છે. શહેરની સિવિલ હોસ્પિટલમાં પણ ખાસ વેન્ટિલેટરની સાથે 20 બેડની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. તો દવાઓ ઇંજેક્શન અને પીપીઈ કીટ સહિતની તમામ જરૂરી વ્યવસ્થા ઉપલબ્ધ છે. જોકે શહેરીજનોના સહયોગથી જ કોરોનાના આ ફેલાવાને નિયંત્રિત કરી શકાય તેમ હોવાથી લોકોને સહકાર આપવા અને કોવિડ નિયમોનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે.

What's Your Reaction?






