માણસામાં આનંદ મેળામાં દુર્ઘટનાનો મામલો:ગેરકાયદે શરૂ થયેલા મેળામાં મોતને ભેટેલી બાળકી સ્વજનોએ મૌન રેલી કાઢી, કસૂરવાર સામે કડક પગલાં લેવાની માંગ
માણસામાં મંજૂરી વગર જ ધમધમતા થયેલા આનંદ મેળામાં ગત રવિવારે દુખદ ઘટના બની હતી. વાવાઝોડુ આવતા મિકીમાઉસ બોન્ઝી બલૂનમાં બેઠેલા બાળકો નીચે પટકાયા હતા. જેમાં ગંભીર રીતે ઘાયલ એક બાળકનું સારવાર દરમિયાન મોત થયું હતું. ઘટનાને પગલે આરોપી સામે ગુનાહિત મનુષ્યવધની કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે. પહેલાં આંખ આડા કાન કર્યા બાદ હવે પોલીસ અને તંત્ર દ્વારા આરોપી સામે કાર્યવાહી હાથધરી છે. જેમાં આરોપીને સજા મળશે ત્યારે મળશે પરંતુ એક પરિવારે પોતાની વ્હાલસોયી દીકરી ગુમાવવાનો વારો આવ્યો છે. ત્યારે આનંદ મેળાને મૌખિક મંજૂરી આપનાર કસૂરવાર તંત્રના જવાબદાર ગુનેગારોને કડક સજાની માંગ સાથે મૃત બાળકીના સ્વજનો સહિતના ગ્રામજનોએ આજે તખતપુરાથી ટાવર ચોક થઈ માણસા મામલતદાર કચેરી સુધી કાળી પટ્ટી ધારણ કરીને મૌન રેલી કાઢી આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. માણસા કલોલ રોડ ઉપર 22મેથી કોઈપણ જાતની વહીવટી મંજૂરી વગર શ્યામલાલ છગનલાલ રાવળ નામના ઈસમે આનંદ મેળો શરૂ કરી દીધો હતો. જેમાં બાળકો માટે જુદી-જુદી રાઈડ મુકી આનંદ મેળો શરૂ કરાયો હતો. જેમાં ગતશનિવારની રાત્રે આનંદ મેળામાં લગાવવામાં આવેલ મિકીમાઉસ બોન્ઝી બલૂનમાં કેટલાક બાળકો રમી રહ્યા હતા. દરમિયાન અચાનક વાવાઝોડું આવતા આ બલૂન હવામાં ફંગોળાયો હતો,જેથી તેમાં રમી રહેલા બાળકો નીચે પટકાયા હતા.જેમાં માણસામાં રહેતા સંકેતકુમાર પટેલની પાંચ વર્ષીય પુત્રી કાનવી અને ધોળાકુવાના અક્ષયભાઈ પટેલની ચાર વર્ષીય પુત્રી રાવ્યાને ગંભીર ઈજાઓ થઈ હતી.બન્નેને તાત્કાલિક અમદાવાદ સારવાર માટે ખસેડવામાં આવી હતી. આ મામલે અહેવાલો પ્રસિદ્ધ થતાં જ માણસા નાયબ મામલતદાર દ્વારા આનંદ મેળાના માલિક શ્યામલાલ છગનલાલ રાવળ વિરુદ્ધ ગુનો દાખલ કરાવવામાં આવ્યો હતો. ત્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત બાળકી કાનવીનું સારવાર દરમિયાન મોત થયું હતું. જેનાં પગલે પોલીસે આરોપી સામે ગુનાહિત મનુષ્યવધની કલમનો ઉમેરો કર્યો હતો અને આરોપીને સેન્ટ્રલ જેલ ભેગો કરી દઈ સંતોષ માની લીધો હતો. જો કે વહીવટી - પોલીસ તંત્રની મૂક સંમતિના લીધે ગેરકાયદેસર રીતે આંનદ મેળો શરૂ કરી દેવાયો હતો અને દુર્ઘટના સર્જાતા પરિવારને વ્હાલસોયી દીકરી ગુમાવવાનો વખત આવ્યો છે. ઉલ્લેખનીય છેકે આનંદ મેળાનાં સંચાલક દ્વારા માત્ર સાઉન્ડ તેમજ બાળકોના હાથ રમકડાં ચલાવવા માટેની અરજી કરાઈ હતી. જેની મંજૂરી મળે એ પહેલાં જ સંચાલકે મોટી મોટી રાઈડસ મૂકીને મેળો શરૂ કરી દેવાયો હતો. ત્યારે આજે બાળકીના સ્વજનો અને ગ્રામજનોએ હાથમાં બેનરો - કાળી પટ્ટી ધારણ કરીને તખતપુરાથી માણસા મામલતદાર કચેરી સુધી મૌન રેલી કાઢવામાં આવી હતી.અને આનંદ મેળાને મૂક સંમતિ આપનાર જવાબદારો સામે પણ કડક પગલાં લેવાની માંગણી કરી હતી.

What's Your Reaction?






