પાટણમાં બે નકલી ડોક્ટર ઝડપાયા:મેડિકલ ડિગ્રી વગર જ ભીલવણ અને વદાણી ગામમાં દવા-ઇંજેક્શન આપતા હતા, SOG પોલીસે કાર્યવાહી કરી
પાટણ જિલ્લામાં સામાન્ય પ્રજાના આરોગ્ય સાથે ચેડાં કરતા બે નકલી ડોક્ટરને પાટણ SOG શાખાએ ઝડપી પાડ્યા છે. પોલીસ અધિકારી જે.જી.સોલંકીના માર્ગદર્શન હેઠળ વાગડોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન આ કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસને મળેલી બાતમી અનુસાર, ભીલવણ ગામે ડેરીની સામે ભાડાની દુકાનમાં મહમદ સલીમભાઈ હમીદભાઈ દાવડા (મૂળ રહેવાસી કાટવાડ, હિંમતનગર, સાબરકાંઠા) અને વદાણી (લક્ષ્મીપુરા) ગામે પાણીના ટાંકાની સામેની ગલીમાં ભાડાના મકાનમાં અબ્દુલ રઉફ કોવડીયા (મૂળ રહેવાસી હિંમતનગર) કોઈપણ પ્રકારની મેડિકલ ડિગ્રી કે લાયસન્સ વગર મેડિકલ પ્રેક્ટિસ કરતા હતા. આ બંને વ્યક્તિઓ બીમાર લોકોને તપાસી દવા તથા ઇંજેક્શન આપી તેમના સ્વાસ્થ્ય સાથે બેદરકારી ભર્યું કૃત્ય કરતા હતા. પોલીસે મહમદ સલીમભાઈ પાસેથી રૂ. 4,421.72 અને અબ્દુલ રઉફ પાસેથી રૂ. 2,852ની કિંમતના ઇંજેક્શનો, દવાઓ અને મેડિકલ સાધનો જપ્ત કર્યા છે. બંને આરોપીઓ સામે BNS-2023ની કલમ-319(2) તથા મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ કલમ 30 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. આ કેસની આગળની તપાસ વાગડોદ પોલીસ ચલાવી રહી છે. પાટણ જિલ્લામાં સામાન્ય પ્રજાના આરોગ્ય સાથે ચેડાં કરતા નકલી ડોક્ટરો સામે કડક કાર્યવાહી કરવાની સૂચના અંતર્ગત આ કાર્યવાહી કરવામાં આવી હતી. આ પ્રકારના નકલી ડોક્ટરો લોકોના સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમ ઊભું કરે છે.

What's Your Reaction?






