ફિલ્મ રિલીઝ કરાવવા કમલ હાસન હાઈકોર્ટના શરણે:કન્નડ ભાષા વિશે નિવેદન બાદ 'ઠગ લાઈફ' પર કર્ણાટકમાં પ્રતિબંધ મુકાયો છે; એક્ટરે માફી માગવાનો ઇનકાર કર્યો
એક્ટર કમલ હાસને ગત 24મેએ ફિલ્મ લોન્ચિંગ કાર્યક્રમમાં એવું નિવેદન આપ્યું હતું કે કન્નડ ભાષાનો જન્મ તમિલમાંથી થયો છે. જેનો કર્ણાટકમાં વિવિધ સંગઠનોએ ભારે વિરોધ કર્યો હતો. બીજી તરફ આ નિવેદન પછી, કર્ણાટક સરકારે પણ તેમની આગામી ફિલ્મ 'ઠગ લાઈફ'ની રિલીઝ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. સરકાર અને કર્ણાટક ફિલ્મ ચેમ્બર ઓફ કોમર્સ (KFCC)ના આ નિર્ણય સામે એક્ટરે હવે કર્ણાટક હાઈકોર્ટમાં અપીલ કરી છે. કેમ કે, આ ફિલ્મ 5 જૂને દેશભરમાં રિલીઝ થવાની તૈયારીઓ પૂરી કરી દેવાઈ ચૂકી છે. આ સંજોગોમાં કમલ હાસનના પ્રોડક્શન હાઉસ રાજ કમલ ફિલ્મ્સ ઇન્ટરનેશનલના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરે અરજીમાં કોર્ટને અપીલ કરી છે કે કર્ણાટક સરકાર, પોલીસ વિભાગ અને ફિલ્મ ટ્રેડ એસોશિયેશનને ફિલ્મની રિલીઝમાં અવરોધ ન લાવવાનો નિર્દેશ આપવામાં આવે. અરજીમાં પોલીસ મહાનિર્દેશક અને શહેર પોલીસ કમિશનરને સ્ક્રીનીંગ માટે પૂરતી સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે નિર્દેશ આપવાની પણ માગ કરવામાં આવી છે. KFCC એ કહ્યું- કમલ હાસને માફી માગવી જોઈએ 24 મેના રોજ આયોજિત ફિલ્મના ઓડિયો લોન્ચ કાર્યક્રમ દરમિયાન, કમલ હાસને કહ્યું હતું કે કન્નડ ભાષા તમિલમાંથી ઉદ્ભવી છે. કન્નડ ભાષા પર કમલ હાસનનું નિવેદન બહાર આવ્યા બાદ, કર્ણાટકમાં તેમના વિરુદ્ધ વિરોધ પ્રદર્શનો શરૂ થઈ ગયા હતા. ઘણી જગ્યાએ તેમના પોસ્ટરો સળગાવવામાં આવ્યાં હતાં અને તેમની ફિલ્મની રિલીઝ રોકવાની માગ કરવામાં આવી હતી. 28 મેના રોજ, કર્ણાટક ફિલ્મ ચેમ્બર ઓફ કોમર્સ (KFCC) એ ભાષા વિવાદને પગલે કમલ હાસનની ફિલ્મ 'ઠગ લાઈફ' ની રિલીઝ પર પ્રતિબંધ મૂક્યો હતો. KFCC ના પ્રમુખ એમ નરસિમ્હાલુએ સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું હતું કે જો કમલ હાસન પોતાની ફિલ્મ રિલીઝ કરાવવા માગતા હોય તો તેમણે માફી માગવી પડશે. કમલ હાસને કહ્યું- જો હું ખોટો નથી એટલે માફી નહીં માંગું ફિલ્મ ચેમ્બર તરફથી ચેતવણી મળ્યા બાદ, કમલ હાસને ચેન્નાઈમાં ડીએમકે પાર્ટીના હેડક્વાર્ટરની બહાર મીડિયાને કહ્યું, 'આ લોકશાહી છે. હું કાયદા અને ન્યાયમાં વિશ્વાસ રાખું છું. કર્ણાટક, આંધ્રપ્રદેશ અને કેરળ પ્રત્યેનો મારો પ્રેમ સાચો છે. આ એજન્ડા ચલાવનારાઓ સિવાય, કોઈએ આમાં શંકા ન કરવી જોઈએ. મને પહેલા પણ ધમકી આપવામાં આવી છે અને જો હું ખોટો હોત તો મે માફી માંગી હોત, પરંતુ જો હું ખોટો નથી એટલે હું માફી નહીં માગું.' કર્ણાટક સરકારના 2 નિવેદનો કર્ણાટકના મુખ્યમંત્રીએ કહ્યું- વિવાદ પર કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ એક નિવેદનમાં કહ્યું, 'કન્નડનો ઇતિહાસ ખૂબ જૂનો છે. બિચારા કમલ હાસનને આ વાતની ખબર નથી. આ અંગે કમલ હાસને કહ્યું, 'મેં જે કંઈ કહ્યું, તે પ્રેમમાં કહ્યું.' રાજકારણીઓ ભાષા વિશે વાત કરવા માટે લાયક નથી. તેમની પાસે આ વિશે વાત કરવાની લાયકાત નથી, તેમાં હું પણ શામેલ છું.' કર્ણાટકના મંત્રી શિવરાજ તંગદાગીએ કહ્યું કે જો એક્ટર માફી નહીં માગે તો તેમની ફિલ્મો રાજ્યમાં રિલીઝ થવા દેવામાં આવશે નહીં. વિવાદ પછી, મેં KFCC ને પત્ર લખ્યો, જેના પગલે કર્ણાટકમાં તેમની ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો. કમલ હાસનના આ વિવાદાસ્પદ નિવેદનો પણ વાંચો- કન્નડ વિવાદને કારણે કર્ણાટક ઇન્ડસ્ટ્રીમાં સોનુ નિગમ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે કમલ હાસન પહેલા સોનુ નિગમ પણ કન્નડ ભાષા પરના વિવાદાસ્પદ નિવેદનને કારણે ચર્ચામાં આવ્યો હતો. તેના પર કન્નડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. વાત એમ હતી કે, સોનુ નિગમે એપ્રિલમાં બેંગલુરુની એક કોલેજમાં પરફોર્મ કર્યું હતું. સોનુ નિગમ હિન્દીમાં ગીતો ગાતો હતો ત્યારે ભીડમાં ઉભેલા કેટલાક છોકરાઓએ તેની સાથે ગેરવર્તન કર્યું અને તેને કન્નડમાં ગાવાની માગ કરી હતી. આના જવાબમાં, સોનુ નિગમે પરફોર્મન્સ અધવચ્ચે જ અટકાવી દીધું અને કહ્યું હતું કે, 'મને એ ગમ્યું નહીં કે ત્યાં જે છોકરો હતો, જે કદાચ મારા જેટલો મોટો ન હતો અને કન્નડ ગીતો ગાતો હતો. તે એટલો અસંસ્કારી હતો કે તે ભીડ વચ્ચે "કન્નડ-કન્નડ" બૂમ પાડી રહ્યો હતો અને ઉશ્કેરી રહ્યો હતો.કદાચ તમે અહીં જે કરી રહ્યા છો તે જ પહેલગામમાં જે બન્યું તેનું કારણ છે.' સોનુ નિગમ વિરુદ્ધ બેંગ્લોરના અવલાહલ્લી પોલીસ સ્ટેશનમાં કન્નડ સમુદાયની લાગણીઓને ઠેસ પહોંચાડવા બદલ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ પછી, કન્નડ ઉદ્યોગ દ્વારા તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. વિવાદ વધ્યા બાદ સોનુએ માફી પણ માગી છે, તેમ છતાં તેમનું ગીત 'મનસુ હાડ્ટા઼ડે...' આગામી કન્નડ ફિલ્મ 'કુલદાલ્લી કિલ્યાવુડો'માંથી દૂર કરવામાં આવ્યું છે.

What's Your Reaction?






