નવી ગર્લફ્રન્ડ છતાં બંને એક્સ વાઈફને ભૂલ્યો નથી આમિર!:એક્ટરે કહ્યું- ગૌરીના આવતાં જ હું મારી ઉંમર ભૂલી ગયો અને ફરી પ્રેમ કરી બેઠો!
આમિર ખાને પહેલી વાર તેની નવી ગર્લફ્રેન્ડ ગૌરી સ્પ્રેટ વિશે વાત કરી છે. એક્ટરે કહ્યું કે, ગૌરી તેના જીવનમાં આવી એ પહેલાં તે પોતાને વૃદ્ધ માનવા લાગ્યો હતો. તેણે એક વર્ષ પહેલા નક્કી કર્યું હતું કે તે ક્યારેય લગ્ન નહીં કરે પરંતુ હવે ગૌરીના આગમન સાથે તેનો વિચાર બદલાઈ ગયો છે. આમિરે અગાઉ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તે લગ્ન નહીં કરે. આ ઇન્ટરવ્યૂને ટાંકીને પૉડકાસ્ટર રાજ શમાનીએ આમિરને પૂછ્યું કે, તે ઇન્ટરવ્યૂથી લઇને આજ સુધીમાં શું બદલાયું છે? ત્યારે આમિરે તરત જ તેની નવી ગર્લફ્રેન્ડ ગૌરીનું નામ લીધું. એક્ટરે કહ્યું, 'મને ગૌરી મળી. તે સમયે મને લાગ્યું હતું કે હું વૃદ્ધ થઈ ગયો છું. આ ઉંમરે મને કોઈ ક્યાં મળશે. મારી થેરાપી પણ શરૂ થઈ ગઈ હતી, ત્યાં સુધી તો મને સમજાઇ ગયું હતું કે પહેલા મારે પોતાને સ્વાસ્થ બનવું પડશે. હું પહેલા મારી જાતને પ્રેમ કરું. સેલ્ફ લવ (પોતાને જ પ્રેમ કરવો) અને સેલ્ફ રિસ્પેક્ટ (આત્મસન્માન) પર ધ્યાન કેન્દ્રિત કરવાનું શરૂ કર્યું.' આમિર ખાને આગળ કહ્યું, 'તે સમયે મને લાગ્યું કે, હું બે ગાઢ સંબંધોમાં રહ્યો છું; એક રીના સાથે, એક કિરણ સાથે. આજે પણ અમે મિત્રો છીએ અને એકબીજા પ્રત્યે આદર રાખીએ છીએ. હવે મને લાગે છે કે મને ક્યારેય એવું કોઈ નહીં મળે જેની સાથે હું આટલું જોડાણ અનુભવી શકીશ. હવે હું 58-59નો થઈ ગયો છું, હવે મને કોણ મળશે. મારા મનમાં આ બધું ચાલતું હતું. 2-3 વર્ષ પહેલાં મને લાગતું કે હવે મને આ ઉંમરે કોણ મળશે? તેવામાં હું અને ગૌરી ભૂલથી મળ્યાં, અમે કનેક્ટ થયાં, અમારી મિત્રતા વધી, પ્રેમ વધ્યો, આદર વધ્યો. તો બસ, થઈ ગયું. મેં ક્યારેય કોઈ આયોજન નહતું કર્યું. મેં તો વિચારી લીધું હતું કે, હવે મારી પાસે અમ્મી (માતા) છે, બાળકો છે, મને પાર્ટનરની જરૂર નથી.' 'રીના અને કિરણ મારા જીવનનો અભિન્ન અંગ'- આમિર આમિરે ઇન્ટરવ્યૂમાં આગળ કહ્યું, 'મારા સંબંધો એટલા સારા છે, કિરણ, રીના અને હું આજે પણ પાની ફાઉન્ડેશન પર સાથે કામ કરીએ છીએ. આજે પણ અમે સાથે વાતચીત કરીએ છીએ. મને લાગે છે કે હું, રીના અને કિરણ હંમેશા એક પરિવાર રહ્યા છીએ. ભલે હવે અમે પતિ-પત્ની નથી પણ તે મારા પરિવારનો અભિન્ન ભાગ છે. મારા જીવનનો એક એવો ભાગ છે, જે ક્યારેય નહીં બદલાય. 2 વર્ષ પહેલા મને લાગ્યું હતું કે, હવે હું કદાચ કોઈ સંબંધમાં નહીં બંધાવ. મેં એ વાત સાથે સમાધાન પણ કરી લીધું હતું કે હવે કદાચ આવું ન થાય. પણ પથી મને સરપ્રાઇઝ મળી ગઈ. નોંધનીય છે કે, હાલમાં આમિર ખાન બેંગલુરુમાં રહેતી ગૌરી સ્પ્રેટને ડેટ કરી રહ્યો છે. બંને એક કોમન ફ્રેન્ડના માધ્યમથી મળ્યાં હતાં, ત્યારબાદ બંને વચ્ચે વાતચીત વધતી ગઈ અને પછી પ્રેમ થઈ ગયો. બંને દોઢ વર્ષથી રિલેશનશિપમાં છે.

What's Your Reaction?






