ભચાઉના હિમતપુરામાં વ્યાજબી ભાવની દુકાન ખસેડાઈ:900થી વધુ કાર્ડધારકોને હાલાકી, 70 મહિલાઓએ મામલતદારને રજૂઆત કરી
ભચાઉ નગરના હિમતપુરા વિસ્તારમાં આવેલી વ્યાજબી ભાવની દુકાન અચાનક જલારામ સોસાયટી ખાતે ખસેડવામાં આવતા સ્થાનિક લોકોએ તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી છે. આ મુદ્દે 70થી વધુ મહિલાઓ મામલતદાર કચેરી ખાતે પહોંચી હતી. તેમણે સહકારી રાશનની દુકાન પોતાના વિસ્તારમાં યથાવત રાખવાની માગ કરી હતી. સ્થાનિક રહેવાસીઓ ઇકબાલ અબડા અને ગફુર નારેજાએ જણાવ્યું કે હિમતપુરા વિસ્તારની સહકારી વ્યાજબી ભાવની દુકાનમાં 900થી 1000 જેટલા કાર્ડધારકો છે. આમાંના મોટાભાગના લોકો શ્રમજીવી પરિવારના છે. તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની જાણ કર્યા વિના રાતોરાત દુકાનમાં રહેલો માલ-પુરવઠો અન્યત્ર ખસેડી લેવામાં આવ્યો છે. સ્થાનિકોએ જણાવ્યું કે જો આ વિસ્તારના કાર્ડધારકોનો સમાવેશ જલારામ સોસાયટી ખાતેની રેશનિંગની દુકાનમાં કરવામાં આવશે, તો ગરીબ અને જરૂરિયાતમંદ રહીશોને રિક્ષા ભાડાનો વધારાનો ખર્ચ થશે. સાથે જ તેમનો સમય પણ બેવડાઈ જશે. તેમણે કહ્યું કે લગભગ 40 વર્ષ જૂની રેશનિંગ દુકાન આમ ખસેડી લેવા પાછળનું પગલું શંકાસ્પદ છે. આ મામલે મામલતદાર કચેરી ખાતે હાજર અધિકારી સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી હતી. અધિકારીઓએ આ પ્રશ્ને ઉચ્ચ કક્ષાએ જાણ કરવાની ખાતરી આપી હતી. સ્થાનિકોએ ચેતવણી આપી છે કે જો દુકાન ખસેડવાનો નિર્ણય બદલવામાં નહીં આવે તો તેઓ ધરણા-પ્રદર્શન કરશે.

What's Your Reaction?






