ભાવનગરમાં સિંહની પજવણી કરનાર જેલભેગો:મારણ આરોગી રહેલા સાવજની નજીક જઈ વીડિયો બનાવ્યો, સિંહ સામો થયો છતાં ત્યાં જ ઊભો રહ્યો, જુઓ વીડિયો
સૌરાષ્ટ્રના સોશિયલ મીડિયામાં છેલ્લા કેટલાક દિવસથી વાઈરલ થઈ રહેલી સિંહની પજવણીના વીડિયોના મૂળ સુધી પહોંચવામાં વનવિભાગને સફળતા મળી છે. ભાવનગર બાંભોર-તલ્લી ગામની સીમમાં મારણ આરોગી રહેલા સિંહની ખૂબ નજીક જઈ વીડિયો બનાવવાનો પ્રયાસ કરતા એક યુવકનો વીડિયો વાઈરલ થયો હતો. જેની તપાસ કરી વનવિભાગે યુવકને શોધી કાઢ્યો છે. વનવિભાગે કાયદાકીય કાર્યવાહી હાથ ધરતા યુવકને સિંહને પજવણી ભારે પડી છે અને હાલ જેલની હવા ખાવાનો વારો આવ્યો છે. વનવિભાગે ઈસમને ઝડપી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે જામીન રદ કરી જેલહવાલે કરવાનો હુકમ કર્યો હતો. સિંહની નજીક જઈને વીડિયો બનાવી પજવણી કર્યાનો વીડિયો વાઈરલ થયો હતો ભાવનગર જિલ્લાના તળાજા વાઈલ્ડ લાઈફ રેન્જ હેઠળ આવતા બાંભોર-તલ્લી ગામની સીમમાં સિંહ દ્વારા મારણ કરવામાં આવ્યું હતું. ત્યાં સિંહ બેઠો બેઠો મારણ આરોગી રહ્યો હતો. તે દરમિયાન એક યુવક સિંહની એકદમ નજીક પહોંચીને ફોટા- વીડિયો બનાવી સિંહને ખલેલ પહોંચાડી હતી. આ સમયે જ ઉશ્કેરાયેલો સિંહ યુવક સામે દોડ્યો હતો તેમ છતાં યુવક વીડિયો બનાવતો જોવા મળી રહ્યો છે. આ સમયે આ સ્થળ પર અન્ય લોકોના પણ અવાજ સંભળાઈ રહ્યા છે. 31 જુલાઈએ યુવકે વીડિયો બનાવ્યો હતો વન વિભાગના અધિકારી આર. આઈ. ઝીંઝુવાડીયાએ ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, સિંહની પજવણી કરતો વીડિયો વાયરલ થયો છે, તે વીડિયો બાંભોર-તલ્લી ગામનો છે. આ વીડિયો 31 જુલાઈ, 2025ના રોજ ગૌતમ શિયાળ નામના યુવકે ઉતાર્યો હતો. ગૌતમની ઉંમર 32 વર્ષ આસપાસ છે અને તે ખેતીકામ સાથે જોડાયેલો છે. વન્ય પ્રાણી સંરક્ષણ ધારા હેઠળ ગુનો દાખલ વન વિભાગના અધિકારી આર.આઈ. જિંજુવાડીયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, શેત્રુંજી વન્યજીવન વિભાગના કાર્યક્ષેત્રની વન્યજીવ રેન્જ તળાજાના કાર્ય વિસ્તારમાં તાજેતરમાં બાંભોર-તલ્લી ગામની સીમમાં સિંહની પજવણી કરતો વીડિયો વાયરલ થતા વન વિભાગ હરકતમાં આવ્યું હતું. વન વિભાગના સ્ટાફે હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી બનાવવાળી જગ્યાને ટ્રેસ કરી અને ગૌતમ ઘેલાભાઈ શિયાળને તલ્લી ગામથી ધરપકડ કરી હતી. કોર્ટે આરોપીની જામીન અરજી રદ કરી વન્ય પ્રાણી સરક્ષણ દ્વારા 1972ની કલમ 2(1), 2(14), 2(16), 2(36), 9, 39, 50, 51 તથા 52 હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી હતી. તળાજા નામદાર કોર્ટમાં આરોપીને રજૂ કરાતા આરોપીની જામીન અરજી રદ થતા આરોપીને જિલ્લા જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો હતો. આ સમાચાર પણ વાંચો. રેલવે ટ્રેક પર 5 સિંહ હતા'ને ટ્રેન આવી ગઈ !, VIDEO જૂનાગઢથી વેરાવળ જતા મીટરગેજ રેલવે રૂટ પરથી પેસેન્જર ટ્રેન પસાર થઈ રહી હતી, ત્યારે જ ત્રણ બાળસિંહ સાથે એક સિંહ પરિવાર ટ્રેક પર જ આરામ ફરમાવી રહ્યો હોય ત્યારે લોકો પાયલટે ઈમરજન્સી બ્રેક મારવાની ફરજ પડી હતી. સમયસૂચકતાથી ટ્રેનને તાત્કાલીક અટકાવી દેવાતા પાંચ સિંહનો જીવ બચ્યો હતો.(સંપૂર્ણ સમાચાર વાંચો)

What's Your Reaction?






