અભણ ડ્રગ્સ માફિયા પોલીસથી બચવા 24 CCTVથી નજર રાખતો:વોકીટોકી સાથેના માણસોને વોચમાં રાખતો, સુરત પોલીસે રેડ કરતા ઘરમાંથી હથિયાર મળ્યાં
એવુ કહેવાય છે કે ગુનેગારો એક ડગલું આગળ હોય છે અને પોલીસ એક ડગલું પાછળ પરંતુ, સુરતમાં એક એવા ડ્રગ્સ માફિયાનો પર્દાફાશ થયો છે, જેણે પોલીસને ચકમો આપવા માટે તમામ ટેકનોલોજીનો ઉપયોગ કર્યો હતો. આશ્ચર્યની વાત એ છે કે આ ડ્રગ્સ માફિયા શિવા ઝાલા પોતે ભલે અભણ હોય, પણ તેના કરતૂતો જોઈને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ની ટીમ પણ દંગ રહી ગઈ હતી. પોલીસે શિવા ઝાલાના ઘરે લાઈવ રેડ પાડીને હાઈ-ટેક ડ્રગ્સ ટ્રાફિકિંગ રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ રેડમાં પોલીસે 30 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. લાઈવ રેડ દરમિયાન ઘરની અંદર ચોરખાનામાંથી હથિયારો અને વોકીટોકી મળ્યા હતા. ચોરખાનામાંથી હથિયારો અને વોકીટોકી મળ્યા શિવા ઝાલાએ પોલીસથી બચવા માટે પોતાના ઘરને એક કિલ્લાની જેમ સુરક્ષિત બનાવ્યું હતું. તેના ઘરની સીડી પાસે એક ગુપ્ત ચોરખાનું બનાવવામાં આવ્યું હતું. જ્યારે પોલીસે આ ચોરખાનાની તપાસ કરી, ત્યારે અંદરથી 4 વોકીટોકી, 2 પિસ્તોલ અને કાર્ટીજ મળી આવ્યા હતા. આ વોકીટોકી તેણે એમેઝોન પરથી ખરીદ્યા હતા અને તેનો ઉપયોગ પોતાના માણસો સાથે વાતચીત કરવા માટે કરતો હતો. ડ્રગ્સ માટે "કપડુ" અને પોલીસ માટે "કાટી" જેવા કોડવર્ડનો ઉપયોગ થતો હતો, જેથી પોલીસ ટ્રેસ ન કરી શકે. 24 હાઈ-ડેફિનેશન CCTV અને 55 ઈંચનું ટીવી SOGના DCP રાજદીપસિંહ નકુમે જણાવ્યું કે, "શિવા ઝાલા એકદમ અભણ જેવો વ્યક્તિ છે, પરંતુ ગુનાની દુનિયામાં તે માસ્ટરમાઈન્ડ છે. તેણે પોતાના ઘરમાં લગભગ 24 જેટલા હાઈ-ડેફિનેશનના નાઈટ વિઝન CCTV કેમેરા લગાવ્યા હતા. આ તમામ કેમેરાનું લાઈવ મોનિટરિંગ તે 55 ઈંચના ટીવી પર કરતો હતો. તેના ઘરની આસપાસ કોની અવરજવર છે, પોલીસની કોઈ મૂવમેન્ટ છે કે કેમ, તે સતત આ ટીવી પર નજર રાખતો હતો." પોલીસની કોઈ શંકાસ્પદ મૂવમેન્ટ જણાય તો તે તરત જ ડ્રગ્સનો જથ્થો સગેવગે કરી દેતો હતો. આ કારણોસર પોલીસ માટે તેને પકડવો એક પડકાર હતો. શિવા ઝાલાએ પોતાના 4 માણસોને વોકીટોકી આપીને ઘરની આસપાસ તૈનાત રાખ્યા હતા, જેઓ પોલીસની ગતિવિધિઓ પર નજર રાખતા હતા. પોલીસે 20 બાઈકો સાથે ઘરને કોર્ડન કરીને ઝડપી પાડ્યો પોલીસને શિવા ઝાલાની આ ટેકનોલોજીનો અંદાજ હતો. તેથી, SOGએ તેને પકડવા માટે એક ખાસ રણનીતિ બનાવી. DCP નકુમે જણાવ્યું કે, "પોલીસે લગભગ 20 જેટલી બાઈક અલગ-અલગ જગ્યાએથી તેના ઘર નજીક લાવી હતી. આ બાઈકનો ઉપયોગ કરીને પોલીસે તેને પોલીસના આવવાની જાણ ન થાય તે રીતે તેના મકાનમાં પ્રવેશ કર્યો અને ઘરને કોર્ડન કરીને તેને ઝડપી પાડ્યો." આ યુનિક સ્ટ્રેટેજીથી પોલીસ શિવાને કોઈ પણ જાતનો મોકો આપ્યા વગર પકડવામાં સફળ રહી. ગુનાઓની લાંબી યાદી અને પાસા શિવા ઝાલાનો ગુનાહિત ઇતિહાસ ખૂબ લાંબો છે. તેની સામે અગાઉ પણ 15 જેટલા ગુનાઓ દાખલ છે, જેમાં ધાડ, લૂંટ અને હુમલા જેવા ગંભીર ગુનાઓનો સમાવેશ થાય છે. ઉમરા પોલીસ સ્ટેશનમાં ધાડના ગુનામાં તે વોન્ટેડ પણ હતો. DCP નકુમએ વધુમાં જણાવ્યું કે, "શિવાને અગાઉ પાસા પણ કરવામાં આવી ચૂકી છે. આ બધી ઘટનાઓ છતાં તેણે ગુનો કરવાનું છોડ્યું ન હતું." મુંબઈથી ડ્રગ્સ અને હથિયારોનો સપ્લાય પોલીસની પૂછપરછમાં શિવાએ જણાવ્યું કે તે મુંબઈના વિનોદ વર્મા નામના વ્યક્તિ પાસેથી ડ્રગ્સ અને હથિયારો લાવતો હતો. આ હથિયારો તે પોતાના રોફ જમાવવા અને સ્વરક્ષા માટે રાખતો હતો, કારણ કે તેને ડર હતો કે કોઈ તેના પર હુમલો કરી શકે છે. સુરતના મોસીન છત્રી અને વોન્ટેડ આરોપી ઇમરાન ગઢી જેવા લોકોને તે ડ્રગ્સ સપ્લાય કરતો હતો. જપ્ત થયેલો મુદ્દામાલ આમ, પોલીસે કુલ્લે 30,55,900ની મત્તાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હાલમાં પોલીસ શિવા ઝાલાના મકાન વિશે પણ તપાસ કરી રહી છે. જો મકાન ગેરકાયદેસર હશે તો તે અંગે પણ SOG દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. શિવા ઝાલાનો પર્દાફાશ એ વાતનો પુરાવો છે કે ટેકનોલોજીનો ઉપયોગ ગુનો કરવા માટે ભલે થતો હોય, પરંતુ પોલીસ પણ આધુનિક ટેકનોલોજી અને ચતુરાઈથી ગુનેગારોને પકડવામાં સફળ થઈ શકે છે.

What's Your Reaction?






