દેશનાં તમામ એરપોર્ટ પર આતંકી હુમલાનું જોખમ:એજન્સી હાઇ એલર્ટ પર, એરપોર્ટ પર કડક ચેકિંગ શરૂ અને મુસાફરોને સતર્ક રહેવા અપીલ
દેશનાં મુખ્ય એરપોર્ટ પર આતંકવાદી હુમલાની શક્યતાને ધ્યાનમાં રાખીને બ્યૂરો ઓફ સિવિલ એવિએશન સિક્યોરિટી (BCAS)એ એલર્ટ જારી કર્યું છે. BCASએ 22 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર 2025 સુધીના સમયગાળા માટે તમામ એરપોર્ટ અને સંલગ્ન પરિસરમાં સુરક્ષા પગલાં કડક બનાવવાના નિર્દેશો આપ્યા છે. આ ચેતવણી સંભવિત પાકિસ્તાની આતંકવાદી જૂથની પ્રવૃત્તિઓના આધારે ગુપ્ત માહિતીના આધારે જારી કરવામાં આવી છે. એડવાઇઝરીમાં શું છે? બ્યૂરો ઓફ સિવિલ એવિએશન સિક્યોરિટી દ્વારા જાહેર કરાયેલી એડવાઈઝરીમાં જણાવાયું છે કે કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓ પાસેથી મળેલી નવી ગુપ્ત માહિતીના આધારે આ નિર્ણય લેવામાં આવ્યો છે. તમામ એરપોર્ટ, એરસ્ટ્રિપ, એરફિલ્ડ, એરફોર્સ સ્ટેશન અને હેલિપેડ પર સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવવાના નિર્દેશો આપવામાં આવ્યા છે. એડવાઈઝરીમાં ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે 22 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર વચ્ચે આતંકવાદી ખતરાની શક્યતા છે. પાકિસ્તાની આતંકવાદી જૂથ સંબંધિત માહિતી સૂત્રોના જણાવ્યા અનુસાર, BCAS એડવાઈઝરી ખાસ કરીને પાકિસ્તાની આતંકવાદી સંગઠનની પ્રવૃત્તિઓ સંબંધિત ગુપ્ત માહિતીના આધારે છે. આ એડવાઈઝરી 4 ઓગસ્ટના રોજ જાહેર કરવામાં આવી હતી, જેમાં BCASએ સ્થાનિક પોલીસ, સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યોરિટી ફોર્સ (CISF), ઇન્ટેલિજન્સ બ્યૂરો (IB) અને અન્ય સંબંધિત એજન્સીઓ સાથે સંકલન જાળવવા પર ભાર મૂક્યો છે. એડવાઈઝરીમાં એ પણ નિર્દેશ આપવામાં આવ્યો છે કે એરપોર્ટ ટર્મિનલ, પાર્કિંગ એરિયા અને અન્ય સંવેદનશીલ વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ અને દેખરેખ રાખવામાં આવે. બધા CCTV કેમેરા 24x7 સક્રિય મોડમાં રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. કોઈપણ શંકાસ્પદ વસ્તુ અથવા પ્રવૃત્તિની તાત્કાલિક તપાસ કરવામાં આવશે. કડક ચેકિંગ અને મુસાફરોને સતર્ક રહેવાની અપીલ હવાઈ કાર્ગો, મેલ અને પાર્સલ મોકલતાં પહેલાં ખાસ સુરક્ષા તપાસ ફરજિયાત બનાવવામાં આવી છે. મુસાફરોને સતર્ક રહેવા અને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ અથવા વસ્તુની જાણ કરવા માટે પણ પ્રોત્સાહિત કરવામાં આવશે. એરપોર્ટ પર સમયાંતરે જાહેરાત કરવામાં આવશે અને સુરક્ષા કવાયત પણ હાથ ધરવામાં આવશે. દેશભરનાં એરપોર્ટ પર સુરક્ષા એજન્સીઓ હાઇ એલર્ટ પર છે. BCAS અને અન્ય કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓ દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. મુસાફરોને સહયોગ કરવા અને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિની તાત્કાલિક જાણ સંબંધિત અધિકારીઓને કરવા વિનંતી કરવામાં આવી છે.

What's Your Reaction?






